આજે દેશ પ્રેમનો પર્યાય મનાતી ક્રિકેટ ગુલામી કાળનું પ્રતીક કેમ કહેવાય છે?

શા માટે ભારતમાં ક્રિકેટનો ઇતિહાસ એ ધાર્મિક, જ્ઞાતિય વર્ચસ્વ, શાસક વર્ગનું પ્રભુત્વ અને અંગ્રેજોની ચમચાગીરીનો દસ્તાવેજ છે? વાંચો આ લેખમાં.

આજે દેશ પ્રેમનો પર્યાય મનાતી ક્રિકેટ ગુલામી કાળનું પ્રતીક કેમ કહેવાય છે?

ભારતમાં ક્રિકેટનો ઇતિહાસ એ ધાર્મિક, જ્ઞાતિય વર્ચસ્વ, શાસક વર્ગનું પ્રભુત્વ અને અંગ્રેજોની ચમચાગીરીનો દસ્તાવેજ છે, જે દેશના આભિજાત્ય વર્ગના આંતરિક સામાજિક અને ધાર્મિક વર્ચસ્વની લડાઈને આબેહૂબ બયાન કરે છે. સાથે જ આ રમત અંગ્રેજોને વહાલા થઈ વેપાર વધારવા માટેનું માધ્યમ પણ બની હતી. સંશોધકોએ આ દૃષ્ટિકોણથી પણ ક્રિકેટના ઇતિહાસને મૂલવવાની જરૂર છે.

ભારતમાં ક્રિકેટનો ઇતિહાસ ગુલામી કાળમાં પારસીઓના સામાજિક વર્ચસ્વની કહાનીથી શરૂ થાય છે. તેઓની અંગ્રેજો સાથેની દોસ્તીનો એ મદાર પણ ખરો. પારસીઓના રસ્તે હિંદુ, મુસ્લિમ અને અન્ય શાસક વર્ગનો આભિજાત્ય વર્ગ પણ આગળ વધે છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની સત્તાવાર વેબસાઈટ મુજબ, ભારતમાં પહેલી ક્રિકેટ ક્લબ વર્ષ 1792માં શરૂ થઈ હતી. આ ક્લબનું નામ કલકત્તા ક્રિકેટ ક્લબ હતું, જે માત્ર યુરોપિયન માટે હતી. એ વખતે કોલકત્તા સિવાય ભારતના અન્ય ભાગોમાં તો કોઈએ ક્રિકેટ શબ્દ સાંભળ્યો ન હતો.


પારસીઓએ ક્રિકેટ રમવાનું કેમ પસંદ કર્યું હશે?

ગુલામ ભારતમાં ક્રિકેટ રમનારો પહેલો સમુદાય પારસી હતો. તેમણે ક્રિકેટ રમવાનું કેમ પસંદ કર્યું? આ સવાલનો જવાબ ‘A Corner Of a Foreign Field’ નામની બુકમાં ઇતિહાસકાર રામચંદ્ર ગુહા લખે છે કે, "પારસી સમાજ એક મધ્યસ્થી સમુદાય હતો જેણે પોતાના વ્યાપારિક ફાયદા માટે અંગ્રેજોની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવ્યા. પારસીઓએ મુંબઈમાં વ્યાપારી અને કમિશન એજન્ટ તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. પછી તેઓએ કાયદા અને વહીવટી તંત્રમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. પારસીઓએ અંગ્રેજોનો પરિવેશ, ભાષા અને સંગીત સહિત તમામ બાબતો અપનાવી અને તેના ભાગરૂપે તેમણે ક્રિકેટ પણ રમવાની શરૂઆત કરી. એ વખતે પારસીઓની સ્પર્ધા હિન્દુઓ અને મુસ્લિમોના ખાનદાની વર્ગ સાથે હતી અને ક્રિકેટ રમવાનું શરૂ કરીને પારસીઓ એમનાથી આગળ નીકળી ગયા. જોકે, પાછળથી હિન્દુ અને મુસ્લિમના આ કહેવતા ખાનદાની વર્ગ દ્વારા પણ ક્રિકેટ રમવાનું શરૂ કરવામાં આવ્યું હતું."

1850 થી 1860 દરમિયાન એકલા મુંબઈમાં પારસી સમુદાયે 30 જેટલી ક્રિકેટ ક્લબો શરૂ કરી અને તેઓ ક્રિકેટ રમવા લાગ્યા. એ સમયના એક પ્રતિષ્ઠિત પારસી સોરાબજી શાપુરજીએ તો સર્વશ્રેષ્ઠ પારસી ટીમને ઈનામ આપવાની ઘોષણા પણ કરી. તો બીજી તરફ અન્ય એક પારસી પ્રતિષ્ઠિત એવા સર કોવાસાજી જહાંગીર પોર્ટ દ્વારા તે વખતના એક પારસી અખબાર ‘રાસ્તે ગોફતર’માં એક જાહેરાત આપવામાં આવી કે, "જે વ્યક્તિ અરજી કરશે તે દરેકને એક ક્રિકેટ કીટ આપશે."

બ્રિટિશ શાસન આવ્યા પછી 29 વર્ષે પહેલી વિદેશી ક્રિકેટ

જ્યારે ભારતમાં ક્રિકેટની શરૂઆત થઈ ત્યારે દેશમાં 1857ના વિપ્લવની પૂર્વભૂમિકા બંધાઈ રહી હતી. ભારત અલગ અલગ દેશી રજવાડામાં વહેચાયેલું હતું અને મુઘલ સામ્રાજ્યનો સૂરજ આથમી ગયો હતો.એક કંપની ઇસ્ટ ઇન્ડીયા ભારત પર રાજ કરતી હતી પણ 1857ના વિપ્લવ બાદ ઇસ્ટ ઇન્ડીયા કંપનીને બદલે બ્રિટિશ ક્રાઉન ભારતની સત્તા પર બેસવાનું હતું. બ્રિટિશ ક્રાઉનના હાથમાં ભારતની સત્તા આવી પછી 29 વર્ષ બાદ પહેલી વિદેશી ક્રિકેટ થઈ.

ભારતમાં પારસીઓની ક્રિકેટ ટીમે વર્ષ 1886થી 1888 દરમિયાન બ્રિટનમાં પ્રવાસ ખેડ્યો હતો અને તેઓ બ્રિટિશ ટીમ સાથે મેચ પણ રમ્યા હતા. આ પ્રવાસ ‘પારસી ટુર’ના નામે ઓળખાય છે. હવે વિચારો કે, એ વખતે પારસીઓની હેસિયત એટલી હતી કે, તેઓ પોતાના સમુદાયની ક્રિકેટ ટીમ લઈ વિદેશ પ્રવાસ કરી રહ્યા હતા. બીજી તરફ કથિત ઉચ્ચ વર્ગના હિંદુ અને મુસ્લિમની ક્રિકેટ ટીમો પણ બની ચૂકી હતી.

અંગ્રેજ પારસી હિંદુ મુસ્લિમ: ચતુષ્કોણીય મુકાબલા 

ભારતમાં ક્રિકેટની શરૂઆત 231 વર્ષ પહેલાં થઈ હતી પણ પહેલીવાર મુંબઈમાં પારસી ટીમ અને અંગ્રેજોની ટીમ વચ્ચે મુકાબલા થવા લાગ્યા પછી મુસ્લિમ અને હિન્દુઓની ટીમો પણ બની અને ચાર ટીમોનો ચતુષ્કોણીય ક્રિકેટ મુકાબલો વર્ષ 1906માં થયો. 117 વર્ષ પહેલાં ચાર ટીમો વચ્ચે સ્પર્ધા થઈ અને ક્રિકેટને વધુ દર્શકો પણ મળવા લાગ્યા.

આ વખતે ચાર ટીમો હતી. એક ટીમ પારસી સમુદાયની હતી, બીજી ટીમ હિંદુ સમુદાયની હતી અને ત્રીજી ટીમ મુસ્લિમ સમુદાયની હતી જ્યારે ચોથી ટીમ અંગ્રેજોની હતી.

આ સમયગાળામાં પારસી ટીમ, હિંદુ ટીમ કે મુસ્લિમ ટીમના સભ્યોની પસંદગી પણ તેના નામ પ્રમાણે તેમના સમુદાયમાં થતી હતી. મોટાભાગના કિસ્સામાં આ ટીમના સભ્યો ઉચ્ચ વર્ગનું પ્રતિનિધિત્વ કરતા હતા. જોકે, મુસ્લિમ અને હિંદુ ટીમોએ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું તો પારસીઓનો દબદબો ઘટવા લાગ્યો હતો.

રાજાઓમાં પોલો બાદ ક્રિકેટ સૌથી વધુ લોકપ્રિય
વર્ષ 1932માં ભારતીય ટીમ પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી પણ તે વખતે આ ટીમમાં ફિરોઝ અને સોરાબજી નામના બે પારસી ખેલાડી હતા, જ્યારે બાકી મોટાભાગના ખેલાડીઓએ રાજા રજવાડાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ 1932માં ભારતની ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસ કર્યો તે વખતે એક ટેસ્ટ મેચનું આયોજન થયું હતું તે વખતે પોરબંદરના મહારાજ કેપ્ટન હતા. જોકે, ભારતની આ ક્રિકેટ ટીમ બની તે પહેલાં તો રાજા મહારાજાઓમાં પોલો બાદ ક્રિકેટ સૌથી વધુ લોકપ્રિય રમત હતી.

બીજી તરફ, મહારાજા રણજીતસિંહ ઇંગ્લેન્ડ તરફથી 1896થી 1902 દરમિયાન 15 ટેસ્ટ મેચ રમ્યા. એમણે 45ની એવરેજથી 989 રન કર્યા હતા. 1933માં એમનું નિધન થયા બાદ તેમના નામે રણજી ટ્રોફી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ શરૂ થઈ હતી, આજે રણજી ટ્રોફીની મેચ થાય છે.

આમ, ક્રિકેટ ભારતમાં અંગ્રેજો લાવ્યા, તેમની સાથે મૈત્રીપૂર્ણ સંબધો ઊભા કરવા માટે પારસી સમુદાયે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું પછી પારસી સમુદાયની દરેક ક્ષેત્રમાં સ્પર્ધા હિંદુ અને મુસ્લિમના કથિત ભદ્ર સમાજ સાથે હતી તેઓ પણ અંગ્રેજોની સાથે સુમેળ ભર્યા સંબધો ઊભા કરી તેનો ફાયદો લેવા ક્રિકેટ રમવા લાગ્યા. રાજા મહારાજા પણ વેસ્ટર્ન કલ્ચર સાથે ક્રિકેટ તરફ આકર્ષાયા. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્કોલર પણ ક્રિકેટ રમવા લાગ્યા. ગુલામ ભારતમાં ક્રિકેટ પ્રભુત્વ ધરાવતા સમુદાયો અને શાસકો વચ્ચે બ્રીજ બની.

ભારતમાં આઝાદી બાદ ક્રિકેટ થોડી ડેમોક્રેટિક થવા તરફ આગળ વધી પણ હજુ એ મોટા શહેરોના અભિજાત્ય વર્ગથી બહાર આવી શકી નહિ. અપવાદ જોવા મળી શકે પણ એ વાત પણ સત્ય છે કે, છેવાડાના વર્ગ માટે ભારત જેવા દેશમાં ભારતની ક્રિકેટ ટીમ સુધી પહોંચવાનો રસ્તો આજે પણ સહેલો નથી.


- જિગ્નેશ પરમાર (લેખક Ahmedabad Mirrorના ચીફ રિપોર્ટર અને વિવિધ વિષયોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચોઃ બહુજન ન્યૂઝ પોર્ટલનો શુભારંભ: નિતાંત આવશ્યક છે આપણા પોતાના અવાજનું હોવું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.