Amreli: ધારીના સરસીયા ગામે 4 દાયકા પહેલાં 54 SC પરિવારોને ફાળવેલી જમીનનો કબજો હજુ સોંપાયો નથી
અમરેલીના ધારી તાલુકાના સરસીયા ગામે છેક 1982માં 54 દલિત પરિવારોને કાગળ પર ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબ્જો હજુ પણ સોંપાયો નથી.
Amreli News: જિલ્લાના ધારી તાલુકાના સરસીયા ખાતે અનુસૂચિત જાતિના 54 પરિવારોને વર્ષ 1982માં કાગળ પર ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબ્જો હજી પણ સોંપાયો નથી. તે માટે કાર્યવાહી કરવા બાબતે અમરેલી જિલ્લાના કલેક્ટરને પત્રો પણ લખવામાં આવ્યા આમ છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે પૂછવામાં આવતા સવાલોના જવાબો પણ આપવાનું તંત્ર ટાળી રહ્યું છે. અધિકારીઓ પણ પોતાની જવાબદારીથી છટકી જવાનો પ્રયાસ કરતા હોય એવું જણાય છે.
ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના દરેક તાલુકામાં રહેતા અનુસુચિત જાતિ વર્ગ સમૂહના લોકોને સરકાર દ્વારા જમીન ફાળવણી અંગેના હુકમો થઇ ગયા હોય, પ્રત્યક્ષપણે કબજો મળેલ ન હોય અને જમીન ફક્ત કાગળ પર મળી હોય તેવા અનુસુચિત જાતિના લોકોને ગુજરાત સરકાર, સેક્રેટરી, મહેસુલ વિભાગ દ્વારા તારીખ ૧૯/૨/૨૦૧૮ના રોજ કરેલ પરિપત્ર મુજબ તાત્કાલિક જમીનનો પ્રત્યક્ષપણે કબજો પોલીસ રક્ષણ સાથે આપવા જોઈએ.
એ અનુસંધાને સરસીયા ગામે 1982માં અનુસૂચિત જાતિના 54 લોકોને સરકારે સાથણીમાં જમીન ફાળવેલ છે. 40 વર્ષ પછી પણ હજુ કબ્જા મળ્યો નથી. કેરીયા નાગસમાં પોલીસ રક્ષણ સાથે કબ્જા અપાવ્યા બાદ જેનો ગેરકાયદેસર કબ્જો હતો તેઓએ ફરીથી અનુસૂચિત જાતિના લોકો પાસેથી જમીન આંચકી લીધી છે.
1982માં સરકારે અનુસૂચિત જાતિના લોકોને જીવન નિર્વાહ માટે ફાળવેલ/આપેલ જમીન પર હાલ કોનો કબ્જો છે? આવી જમીનનો કબ્જો કેમ આજદિન સુધી સોંપવામાં આવેલ નથી? આવા સવાલોનો સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ જવાબ અપાતો નથી.
અનુસૂચિત જાતિના લોકોને ફાળવેલ જમીન હકીકતમાં તેઓને મળેલ છે કે કેમ તેની તપાસ થાય તો આ અંગેની વાસ્તવિક પરિસ્થિતિ સ્પષ્ટ થઈ શકે. સરકારના હુકમ બાદ જમીન કેમ હજુ સુધી ફાળવવામાં આવેલ નથી? તેવો લોકોમાં સવાલ ઉભો થયો છે.
નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગર ખાતેથી અમરેલી કલેક્ટર પાસે એક્શન ટેકન રિપોર્ટ માંગવામાં આવ્યો અને કાર્યવાહી કરવા જણાવ્યું એમ છતાં હજી સુધી આ પત્રનો કોઈ જ જવાબ જે તે સબંધિત વિભાગ તરફથી મળ્યો નથી. આ મુદ્દે જે તે સબંધિત વિભાગ કે અધિકારીઓ દ્વારા પત્રની સૂચના મુજબ કાર્યવાહી પણ કરવામાં આવી નથી.
સરસીયા ગામે અનુસૂચિત જાતિના લોકોને સરકારી પડતર જમીન સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી પણ પ્રત્યક્ષ કબ્જા આપવામાં આવ્યા નથી. જેથી અનુસૂચિત જાતિના લોકોને સાથણીમાં સરકારે ફાળવેલ જમીન જે અનઅધિકૃત લોકોના કબ્જામાં હોય તેના દબાણ દૂર કરી અનુસૂચિત જાતિના લોકોને કબ્જા આપવા જરૂરી હોવાનું માનવામાં આવે છે.
Read Also: થાનગઢ હત્યાકાંડ: સંજય પ્રસાદ કમિટીનો રિપોર્ટ કેમ જાહેર નથી કરાતો? હાઈકોર્ટે રાજ્ય સરકારને ખખડાવી