મોડાસાના પ્રિત ચૌધરીના શંકાસ્પદ મોતનો મામલો કલેક્ટર સુધી પહોંચ્યો

મોડાસાના કોલીખડના અનુસૂચિત જાતિના પ્રિત ચૌધરીના શંકાસ્પદ મોત મામલે પોલીસ એક મહિના પછી પણ આરોપીઓ સુધી પહોંચી શકી નથી ત્યારે મામલો હવે કલેક્ટર સુધી પહોંચ્યો છે.

મોડાસાના પ્રિત ચૌધરીના શંકાસ્પદ મોતનો મામલો કલેક્ટર સુધી પહોંચ્યો

અરવલ્લી જિલ્લાના વડામથકમાં મોડાસામાં એક કોમ્પલેક્ષના બેઝમેન્ટમાંથી કોલીખડ ગામના અનુસૂચિત જાતિના યુવક પ્રિત ચૌધરીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને આજકાલ કરતા એક મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે. છતાં મોડાસા પોલીસ તેના મોતનું રહસ્ય ઉકેલી શકી નથી. મૃતક યુવક એન્જિનિયરીંગનો વિદ્યાર્થી હતો અને તેનો મૃતદેહ મળ્યો ત્યારે તેના શરીર પર અનેક ઠેકાણે ઈજાના નિશાન હતા. આથી તેના પરિવારજનોને તેની હત્યા થઈ હોવાના આક્ષેપ કર્યા હતા. અને પોલીસ એ દિશામાં તપાસ કરે તેવી માંગ કરી હતી. 

આ મામલે મૃતકના પરિવારજનોએ મોડાસામાં મૌન રેલી કાઢીને પોલીસની નબળી કામગીરીને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. એ પછી એસપીને આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ તેમ છતાં કોઈ નક્કર કડી હાથ ન લાગતા તેમણે કલેક્ટર કચેરીએ પહોંચીને ધરણાં કરી આવેદનપત્ર આપ્યું હતું. યુવક પ્રિતના પરિવારજનો ન્યાય માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યાં જ્યાં ‘જસ્ટિસ ફૉર પ્રિત’ ના નારાથી સમગ્ર કલેક્ટર કચેરી ગુંજી ઉઠી હતી.

પ્રિત ચૌધરીના પરિવારજનોએ અગાઉ અહીંના મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો હતો, પણ ત્યાં કોઈ અધિકારી નહીં આવતા મૃતકના પરિવારજનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોલિસની ઢીલી નીતિને લઈને SIT અથવા તો CID ક્રાઈમને તપાસ સોંપવાની માંગ કરી હતી.

મોડાસાના તત્વ આર્કેડના બેઝમેનમાંથી કોલીખડના એન્જિનિયરીંગના વિદ્યાર્થી પ્રિત ચૌધરીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યાને એક મહિનો થઈ ગયો છે. જેને લઈને તેના પરિવારજનોએ માસિક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. મોડાસા ચાર રસ્તા ખાતે મૃતકના પરિવારો તેમજ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો પહોંચ્યા હતા, જ્યાં પ્રિતને શ્રદ્ધાંજલિ અર્પી હતી. એક મહિના કરતા વધુનો સમય વિતી ગયો હોવા છતાં પોલિસ હજુ સુધી કોઈ યોગ્ય દિશામાં પહોંચી શકી નથી, તેને લઇને સમાજમાં ભારે નારાજગી પણ જોવા મળી હતી.

આ પણ વાંચો: વિકાસ દિવ્યકીર્તિ અને અવધ ઓઝાનું અસલી ચરિત્ર સામે આવી ગયું

અહીંથી પરિવારજનો સાથે સર્વ સમાજના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ન્યાયની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ પણ પહોંચી હતી, જ્યાં "જસ્ટિસ ફોર પ્રિત"ના નારા લાગ્યા હતા. તમામ મહિલાઓ અને આગેવાનો કલેક્ટર ચેમ્બરમાં પહોંચ્યર હતા, જ્યાં કલેક્ટરે માતાની વેદના સાંભળી હતી અને પરિવારજનોને ન્યાય મળે તે માટે તાત્કાલિક ઘટતું કરવાની બાંયધરી આપી હતી.

ઘટના શું હતી?

મોડાસા શહેરના શામળાજી રોડ પર જિલ્લા પોલીસ ભવન સામે આવેલ તત્વ આર્કેડના બેઝમેન્ટમાંથી 4 જુલાઈની સાંજે પ્રીત ગિરીશ ભાઈ ચૌધરી નામના અનુસૂચિત જાતિ સમાજના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પરિવારના આશાસ્પદ યુવકનું મોત થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને તેઓ દોડતા આવી પહોંચ્યા હતા. જો કે, આજકાલ કરતા આ ઘટનાને એક મહિના કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં પ્રિતનું મોત કેવી રીતે થયું તે પોલીસ શોધી શકી નથી. પોલીસે આ મામલે એફએસએલ રિપોર્ટના આધારે હત્યાની આશંકાએ તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કડી મળી નથી.

થોડા દિવસ પહેલા મૃતક પ્રિતના પરિવારજનો તેમજ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ એસપી કચેરી ખાતે અરવલ્લી જિલ્લા એસપીને આ મામલે રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી. જે જગ્યાએથી પ્રિતનો મૃતદેહ મળી આવ્યો હતો તે જગ્યાએથી હજુ સુધી પોલીસને કોઈ ચીજવસ્તુ હાથ લાગી નથી. પરંતુ તેના પરિવારજનોનું કહેવું છે કે તેની પાસે કોલેજ જવા માટેની બેગ હતી. આ સિવાય પણ કેટલીક ચીજોનો તેમણે ઉલ્લેખ કર્યો છે પણ તેમાનું કશું જ પ્રિતના મૃતદેહ પાસેથી મળ્યું નહોતું. જેના કારણે તેની હત્યા થઈ હોવાની આશંકા વધુ ઘેરી બની છે.

પરિવારજનોના કહેવા પ્રમાણે પ્રિત ઘરેથી કોલેજ જવા માટે બેગ અને ટિફિન લઈને નીકળ્યો હતો. સાંજના સુમારે તત્વ આર્કેડના બેઝમેન્ટમાંથી તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવેની માંગ સાથે જીલ્લા SPને રજૂઆત કરતા એસપીએ એફએસએલ રિપોર્ટ સુધી ધીરજ રાખવા જણાવ્યું હતું. સાથે જ પ્રિત ઘરેથી કોલેજ ગયો ત્યારે બેગ સહિતની કેટલીક ચીજવસ્તુઓ તેની પાસે હતી પણ તે જે જગ્યાએથી તેનો મૃતદેહ મળ્યો, ત્યાંથી આમાંની કોઈ ચીજવસ્તુ મળી નથી હોવાની તેની હત્યા અન્ય જગ્યાએ કરાયા બાદ લાશ અહીં ફેંકી દીધી હોવાની આશંકા પણ નકારી શકાતી નથી.

પ્રિત અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામનો વતની હતો. તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં તેની કોલેજથી નજીક આવેલા તત્વ આર્કેડના પાછળના ભાગમાં આવેલા બેઝમેન્ટમાંથી મળી આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલે આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે કેટલીક જગ્યાએ સીસીટીવી ન હોવાથી પોલીસ માટે પણ તપાસમાં અડચણો આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહના અવશેષોને એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યા હતા. જેના રિપોર્ટમાં તેના શરીર પર ઈજાના નિશાનની પુષ્ટિ થઈ હતી, એ પછી પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પણ હજુ સુધી ગુનેગારોનો કોઈ અત્તોપત્તો મળ્યો નથી. જેના કારણે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજમાં પોલીસની ઢીલી કામગીરીને લઈને ભારે રોષ ફેલાયો છે.

આ પણ વાંચો: 15 દિવસ પછી પણ પોલીસ દલિત યુવકના મોતનું રહસ્ય ઉકેલી શકી નથી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.