સુરતમાં તસ્કરો 20 મિનિટમાં મહાદેવ મંદિરની 6 દાનપેટી તોડી ફરાર

ભોળનાથનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે, સુરતમાં પહેલા જ સોમવારે એક મહાદેવ મંદિરમાં તસ્કરો ગણતરીની મિનિટોમાં દાનપેટીઓ ઉપાડીને ફરાર થઈ ગયા હતા.

સુરતમાં તસ્કરો 20 મિનિટમાં મહાદેવ મંદિરની 6 દાનપેટી તોડી ફરાર
image credit - Google images

હિંદુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ભક્તો ભોળાનાથના દર્શન કરવા માટે શિવમંદિરોમાં ઉમટી પડ્યાં છે ત્યારે તેમની આસ્થાને મોટો ધક્કો લાવે તેવી એક ઘટના સામે આવી છે. મામલો સુરતનો છે. જ્યાં અડાજણ-પાલ વિસ્તારમાં આવેલા પાર્દેશ્વર મહાદેવ મંદિરને નિશાન બનાવી તસ્કરો માત્ર ૨૦ મિનિટની અંદર છ જેટલી દાન પેટીઓ તોડીને રોકડ રકમ સહિતની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે આ અંગે તપાસ હાથ ધરતા મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ છે. જેના આધારે પાલ પોલીસ દ્વારા તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

સુરતના અડાજણ પાલ વિસ્તારમાં આવેલા વર્ષો જૂના પાર્દેશ્વર મહાદેવ મંદિરમાં આ ચોરીની ઘટના બની છે. મંદિરના પૂજારી બટુકગીરી મહારાજના જણાવ્યા મુજબ વહેલી પરોઢે બે તસ્કરોએ મંદિરના પાછળના ભાગેથી પરિસરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ સાથે લાવેલા સાધનો વડે મંદિરના મુખ્ય દ્વારનો લોક તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરી હતી. તસ્કરોએ માત્ર ૨૦ મિનિટની અંદર જ મંદિરમાં રહેલી ૬ જેટલી દાન પેટીઓને નિશાન બનાવી તેમાં રહેલી દાનની રકમ પર હાથફેરો કરી ફરાર થઇ ગયા હતા. જો કે, મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં બંને તસ્કરો કેદ થયા હતા.

આ પણ વાંચો: તોડબાજો અને ગુનેગારો, ચોરની મા કોઠીમાં મોઢું રાખી રડે તે કહેવત પ્રમાણે બોધપાઠ લેશે?

અલગ અલગ દાન પેટીઓને તોડી તેમાંથી રોકડ રકમ ચોરતા તસ્કરોની તમામ ગતિવિધિઓ આ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. બનાવ અંગેની જાણકારી મંદિરના પૂજારી દ્વારા પાલ પોલીસને કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સ્થાનિક ભક્તોના જણાવ્યા પ્રમાણે, હમણાં સુધી તસ્કરો દુકાનો, ઓફિસ અને મકાનોને નિશાન બનાવતા હતા. પરંતુ સુરતમાં હવે તસ્કરોએ ભગવાનના મંદિરોને પણ બાકાત રાખ્યા નથી. અર્થાત હવે ભગવાનના મંદિરો પણ સલામત રહ્યાં નથી. મંદિરમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનાએ સ્થાનિક પોલીસની નાઈટ પેટ્રોલિંગની પોલ ખોલી નાખી છે. મહાદેવ મંદિરમાં થયેલી ચોરીને કારણે પૂજારી અને ભોળાનાથના ભક્તોમાં રોષ છે. તેઓ તાકીદે ચોરીને અંજામ આપનારાની ધરપકડ થાય તેમ ઈચ્છી રહ્યાં છે.

આ પણ વાંચો: રાજકોટમાં તસ્કરો એક જ રાતમાં 8 મંદિરોમાં ચોરી કરી ફરાર થઈ ગયા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.