ગુજરાતમાં 2 વર્ષમાં 151 શિક્ષકો 3 માસ કરતા વધુ સમયથી ‘ઘેરહાજર’

ગુજરાતની સરકારી શાળાઓમાં ગેરહાજર રહેતા શિક્ષકોને લઈને સરકારે ખુલાસો કર્યો છે. એ મુજબ છેલ્લાં 2 વર્ષમાં 151 શિક્ષકો 3 મહિના કરતા વધુ સમયથી ગેરહાજર છે.

ગુજરાતમાં 2 વર્ષમાં 151 શિક્ષકો 3 માસ કરતા વધુ સમયથી ‘ઘેરહાજર’
પ્રતિકાત્મક તસવીર

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ગેરહાજર અને ચાલુ નોકરીએ વિદેશ પહોંચી ગયેલા શિક્ષકોના મામલે રાજ્ય સરકાર દ્વારા આજે ખુલાસો કરાયો છે. જેમાં જણાવાયું છે કે, રાજ્યની વિવિધ સરકારી શાળાઓમાં છેલ્લા બે વર્ષમાં ત્રણ માસ કે તેથી વધુ સમયથી 151 શિક્ષકો ગેરહાજર જોવા મળ્યા છે. તેમાંથી 134 શિક્ષકોને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે ત્રણ શિક્ષકોને બરતરફ અને ત્રણ શિક્ષકના રાજીનામાં મંજૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઇ છે. તો ત્રણ શિક્ષક સામે પોલીસ કેસ પણ કરાયા છે. તો 18 શિક્ષક અકસ્માત કે બીમારી સબબ ગેરહાજર હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સરકારી પ્રાથમિક શાળાઓમાં ગેરહાજર રહેતા શિક્ષકોનો મામલે સામે આવ્યો છે. જેમાં અનેક શિક્ષકો વિદેશ ચાલ્યા ગયા હોવાની વિગતો સામે આવી હતી. જેના કારણે આ બાબત સમગ્ર રાજયમાં આ ચર્ચાનો વિષય બન્યો હતો. સરકારી પ્રાથમિક શાળાઓમાં આવા કેટલાક શિક્ષકોની લાલિયાવાડી કે સ્થાનિક અધિકારીઓ સાથેની મિલીભગતના કારણે ગેરહાજર રહેતા હોવાની બાબત ભારે ચર્ચામાં આવી હતી.

આ પણ વાંચો: ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો

છેલ્લા કેટલાય દિવસોથી શાળાઓમાં ગેરહાજર રહેતા શિક્ષકોને લઈને સામે આવેલા સમાચારથી રાજ્યનું શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું. જેના અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (ડીપીઇઓ) તેમજ શાસનધિકારીઓ દ્વારા લાંબા સમયથી ગેરહાજર રહેતા અનેક શિક્ષકોને નોટિસો ફટકારવામાં આવી હતી.

શિક્ષણ વિભાગ દ્વારા મોડે મોડે હાથ ધરાયેલી આ કાર્યવાહી અંગેની વિગતો સામે આવી છે. જે મુજબ શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2023-24 અને વર્ષ 2024-25ના છેલ્લા બે વર્ષની વિગતો જાહેર કરાઇ છે. જે મુજબ રાજયભરની જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ સંચાલિત વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓમાં કુલ 151 શિક્ષકો છેલ્લા બે વર્ષમાં ત્રણ માસ કે તેથી વધુ સમયથી ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યું છે. આ 151 શિક્ષકો પૈકીના 60 જેટલા શિક્ષકો શાળામાં ગેરહાજર રહીને ચાલુ નોકરીએ વિદેશમાં મોજ માણતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત 18 શિક્ષકો ગંભીર અકસ્માત તેમજ ગંભીર બીમારી સબબ ગેરહાજર રહેતા હોવાનું પણ સામે આવ્યું છે.

આ વિગતો સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના 151માંથી 134 શિક્ષકોને નોટિસ ફટકારીને ખુલાસા માંગ્યા છે. જેમાં વિદેશ ગયેલા 60માંથી 44 શિક્ષકોને નોટિસ ફટકારી છે. તો ત્રણ શિક્ષકોને બરતરફ કરાયા છે તો, ત્રણ શિક્ષકના રાજીનામાં સ્વીકારી લેવામાં આવ્યા છે. જ્યારે બિન અધિકૃત રીતે ગેરહાજર રહેતા 70 પૈકીનાં 58 શિક્ષકોને નોટિસ અપાઈ છે. તો આણંદ, કચ્છ અને રાજકોટના 1-1 શિક્ષક સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી, છતાં સરકારી શાળામાં નોકરી ચાલુ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.