રામ મંદિરના ચૂકાદા બાદ હવે જસ્ટિસ નરીમને EWS અનામતને ખોટી ગણાવી
જસ્ટિસ નરીમને કહ્યું કે સંસદે કલમ 46 નો ઉલ્લેખ કરતા આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામતની વાત કરી હતી, પરંતુ આમાં એવું કંઈ નથી.
ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ રોહિન્ટન ફલી નરીમને, જેમણે તાજેતરમાં રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને બંધારણ અને બિનસાંપ્રદાયિક મૂલ્યોની વિરુદ્ધ ગણાવ્યો હતો, તેમણે હવે EWS અનામત પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે સંસદે કલમ 46 નો ઉલ્લેખ કરીને આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામતની વાત કરી હતી, પરંતુ આમાં એવું કંઈ નથી. આ આર્ટિકલ આર્થિક આધાર પર અનામતની વાત નથી કરતો. આ રીતે, 103માં બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવેલી અનામત બંધારણને જ માથાના ટેકે ઉભા રાખવા જેવું છે.
તેમણે જસ્ટિસ કૃષ્ણ અય્યર મેમોરિયલ લેક્ચરમાં કહ્યું કે, “અનામતનો વિચાર સૌથી નીચલા સ્તરના લોકો સુધી પહોંચવાનો હતો. પરંતુ EWS અનામતમાં આવી વિચારણાને ધ્યાનમાં રાખવામાં આવી ન હતી. આ સિવાય તેમણે સુપ્રીમ કોર્ટના આ ક્વોટાને યથાવત રાખવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આ કેસમાં સર્વોચ્ચ અદાલતની 5 સભ્યોની બેન્ચે 3-2ની બહુમતીથી ક્વોટાને યથાવત રાખ્યો હતો. તેમણે કહ્યું, 'આર્થિક માપદંડો પર આધારિત આ નિર્ણય ન તો બંધારણીય કાયદામાં યોગ્ય છે અને ન તો કોઈપણ પ્રકારના સિદ્ધાંતમાં યોગ્ય છે. આ હકીકતમાં કલમ 46ની વિરુદ્ધ છે. ચોક્કસપણે કલમ 15(1) અને 16(1)ની વિપરિત છે, જેવું અલ્પમતના ન્યાયાધીશ જસ્ટિસ ભટે માન્યું છે.”
જસ્ટિસ નરીમને કહ્યું કે, “આ 10 ટકા અનામતના દાયરામાંથી SC, ST અને OBCને જ બહાર રાખવામાં આવ્યા છે. આ બંધારણને જ માથાના ટેકે ઉભા કરવા જેવો નિર્ણય હતો. આ અનામતને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી અને એવી દલીલ કરવામાં આવી હતી કે 10 ટકા EWS ક્વોટા 50 ટકાની મર્યાદા કરતાં વધી જાય છે, જેને ખુદ સુપ્રીમ કોર્ટ દ્વારા જ નક્કી કરવામાં આવી હતી. પરંતુ 5-સભ્યની બંધારણીય બેન્ચે અનામતને એમ કહીને સમર્થન આપ્યું હતું કે, માત્ર આર્થિક માપદંડોના આધારે અનામતની 50% મર્યાદાને વટાવી દેવાથી બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન થતું નથી.”
જ્યારે અલ્પમતમાં રહેલા અન્ય બે ન્યાયાધીશો, રવિન્દ્ર ભટ અને તત્કાલીન સીજેઆઈ યુ યુ લલિતે અનામતની 50 ટકાની ની મહત્તમ મર્યાદાનું ઉલ્લંઘન કરવું અને SC/ST/OBC ના ગરીબોને EWS ક્વોટામાંથી બાકાત રાખવાના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે અનામતની 50 ટકાની મર્યાદા તોડવી યોગ્ય નથી. આ સિવાય સામાજિક રીતે પછાત લોકોને પણ આ અનામતના દાયરામાં સામેલ ન કરવા તે પણ ખોટું છે.
આ પણ વાંચો: EWS ક્વૉટાનો લાભ ફક્ત જનરલ કેટેગરીને જ કેમ?, મધ્યપ્રદેશ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો