NCERTના નવા પુસ્તકમાંથી બાબરી મસ્જિદ અને ગોધરાકાંડ ગાયબ

NCERT ના ધોરણ 12ના પોલિટિકલ સાયન્સના નવા પુસ્તકમાંથી બાબરી મસ્જિદ, ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો, અયોધ્યા વિવાદ જેવા પ્રકરણો દૂર કરી દીધાં છે.

NCERTના નવા પુસ્તકમાંથી બાબરી મસ્જિદ અને ગોધરાકાંડ ગાયબ

NCERTનું ધોરણ 12નું નવું પુસ્તર માર્કેટમાં આવી ગયું છે. આ પુસ્તકમાં બાબરી મસ્જિદ અને ગુજરાતમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેયા રમખાણો સંબંધિત બાબતો હટાવી દેવામાં આવી છે. આ અંગે NCERTના નિયામકનું કહેવું છે કે શાળાના પાઠ્યપુસ્તકોમાં રમખાણો વિશે શીખવવાથી નાગરિકો પર 'પોઝિટિવ' અસર નહીં થાય.

NCRTCના ધોરણ ૧૨ પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે માર્કેટમાં આવેલા પુસ્તકમાં અયોધ્યાનો આખો મામલો બદલી નાખવામાં આવ્યો છે. ખાસ કરીને બાબરી મસ્જિદને બદલે ત્રણ ગુંબજવાળું માળખું શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. સાથે જ અયોધ્યાનું પ્રકરણ પણ 4 પેજથી ઘટાડીને 2 પેજનું કરી દેવામાં આવ્યું છે. અગાઉના પુસ્તકની સરખામણીએ આ નવા પુસ્તકમાંથી અયોધ્યા કેસ સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ વિગતો દૂર કરવામાં આવી છે. જેમ કે, ભાજપની સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા, તેમાં કાર સેવકોની ભૂમિકા, ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદના ધ્વંસ પછી થયેલા કોમી તોફાનોનો સમાવેશ થાય છે. આ સિવાય અયોધ્યામાં બનેલી ઘટનાઓ પર સરકાર અને ભાજપ દ્વારા ખેદ વ્યક્ત કરવામાં આવતાં તથ્યો દૂર કરવામાં આવ્યા છે. ૧૨મા ધોરણના પોલિટિકલ સાયન્સના જૂના પુસ્તકમાં ૪ પાનામાં અયોધ્યા મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ નવા પુસ્તકમાં અયોધ્યા વિવાદના પ્રકરણને ઘટાડીને માત્ર ૨ પાનામાં આવરી લેવામાં આવ્યો છે.

જૂના પુસ્તકમાં બાબરી મસ્જિદને મુગલ બાદશાહ બાબરના સેનાપતિ મીર બાકી દ્વારા બનાવવામાં આવેલી ૧૬મી સદીની મસ્જિદ તરીકે રજૂ કરવામાં આવી છે. નવા પુસ્તકમાં તેનો ઉલ્લેખ “શ્રી રામના જન્મસ્થળ પર ૧૫૨૮માં બાંધવામાં આવેલ ત્રણ ગુંબજવાળી રચના" તરીકે કરવામાં આવ્યો છે.

નવા પુસ્તકમાં સુપ્રીમ કોર્ટના તે નિર્ણયનો પણ ઉલ્લેખ છે જેમાં તેણે કહ્યું હતું કે વિવાદિત જમીન હિંદુ પક્ષને આપવામાં આવે. સાથે જ તેમાં અયોધ્યા વિવાદ પર ૯ નવેમ્બર, ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના ૫-૦ના ચૂકાદાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જૂના પુસ્તકમાં ફૈઝાબાદ(હાલનું અયોધ્યા) ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ પર ફેબ્રુઆરી ૧૯૮૬માં મસ્જિદના તાળા ખોલવામાં આવ્યા પછી “બંને બાજુએ” થયેલી ગતિવિધિનું વર્ણન છે. તેમજ કોમી તણાવ, સોમનાથથી અયોધ્યા સુધી આયોજિત રથયાત્રા, ડિસેમ્બર ૧૯૯૨માં રામ મંદિરના નિર્માણ માટે સ્વયંસેવકો દ્વારા કરાયેલી કાર સેવા, મસ્જિદ તોડી પાડવા અને ત્યારબાદ જાન્યુઆરી ૧૯૯૩માં થયેલી સાંપ્રદાયિક હિંસાનો ઉલ્લેખ છે, પરંતુ નવા પુસ્તકમાં રામ મંદિરના નિર્માણ માટે હિંદુવાદી સંગઠનો દ્વારા કરવામાં આવેલી કાર સેવાની વિગતો દૂર કરી દેવામાં આવી છે.
જૂના પુસ્તકમાં ભાજપે બાબરી ધ્વંસ બાદ અયોધ્યામાં બનેલી ઘટનાઓ પર ખેદ વ્યક્ત કર્યો હતો તેની વિગતો હતી, પણ નવા પુસ્તકમાંથી તેને ઉડાડી દેવામાં આવી છે. નવા પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, "૧૯૮૬માં જ્યારે ફૈઝાબાદ (હવે અયોધ્યા) ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ માળખું ખોલવાનો ચૂકાદો આપ્યો ત્યારે ત્રણ ગુંબજવાળા માળખામાં લોકોને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપી. આ વિવાદ ઘણા વર્ષો ચાલ્યો. એવું માનવામાં આવતું હતું કે, ત્રણ ગુંબજવાળું માળખું શ્રીરામના જન્મસ્થળ પરનું એક મંદિરને તોડી પાડ્યા પછી બનાવવામાં આવ્યું હતું."

જૂના પુસ્તકમાં આ પ્રકરણમાં બાબરી ધ્વંસ અને ત્યાર પછીની ઘટનાઓ સાથે સંબંધિત સમાચારપત્રોના લેખોની તસવીરો હતી, પરંતુ નવા પુસ્તકમાંથી તે તમામને દૂર કરી દેવામાં આવી છે. જૂના પુસ્તકમાં ૭ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ પ્રકાશિત એક લેખનો પણ સમાવેશ થતો હતો જે યુપીના તત્કાલિન મુખ્યમંત્રી કલ્યાણસિંહ સાથે સંબંધિત હતો. પણ નવા પુસ્તકમાંથી તેને પણ હટાવી દેવાયો છે.

ગુજરાત રમખાણો અથવા બાબરી મસ્જિદ ધ્વંસના સંદર્ભમાં પાઠયપુસ્તકોમાં ફેરફાર વિશે પૂછવામાં આવતા, NCERTના ડિરેક્ટર સકલાનીએ કહ્યું કે, 'શા માટે આપણે શાળાના પાઠ્યપુસ્તકોમાં રમખાણો વિશે શીખવવું જોઈએ? અમે સકારાત્મક નાગરિકો બનાવવા માંગીએ છીએ, હિંસક અને હતાશ નાગરિકો નહીં. પાઠ્યપુસ્તકોમાં ફેરફાર વાર્ષિક રિવિઝનનો ભાગ છે અને તેને હોબાળોનો વિષય ન બનાવવો જોઈએ. શું આપણે આપણા વિદ્યાર્થીઓને એવી રીતે ભણાવવું જોઈએ કે તેઓ આક્રમક બને, સમાજમાં નફરત પેદા કરે કે નફરતનો ભોગ બને? શું આ શિક્ષણનો હેતુ છે? શું આપણે આવા નાના બાળકોને રમખાણો વિશે શીખવવું જોઈએ? જ્યારે તેઓ મોટા થાય ત્યારે તેઓ આ વિશે જાણી શકે પણ શાળાના પાઠ્યપુસ્તકોમાંથી શા માટે? જ્યારે તેઓ મોટા થાય, ત્યારે તેમને સમજવા દો કે શું થયું અને શા માટે થયું. એટલે આ ફેરફારો અંગેનો હોબાળો અપ્રસ્તુત છે."

આ પણ વાંચોઃ પીએમના સાવ નિમ્નકક્ષા ભાષણો, વાંધાજનક શબ્દપ્રયોગોએ ભાજપને હરાવી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.