શક્તિસિંહ ગોહિલનો ગુજરાત સરકાર પર 12 અબજના ભ્રષ્ટાચારનો આરોપ

ગુજરાત કોંગ્રસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર જીઆઈડીસીમાં રૂ. 12 અબજના મહાકૌભાંડનો આરોપ મૂક્યો છે.

શક્તિસિંહ ગોહિલનો ગુજરાત સરકાર પર 12 અબજના ભ્રષ્ટાચારનો આરોપ
image credit - Google images

ભાજપ દ્વારા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઇડીસી)માં બે તબક્કામાં કરાયેલા રૂ. 1570 કરોડની માતબર રકમના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવાઓ છે, તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર અણઆવડત અને ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે. ચૂંટણી સમયે કહેતી 'ભરોસાની ભાજપ' તે હવે 'ભ્રષ્ટાચારની ભાજપ' બની ગઈ છે તેમ પણ ગોહિલે જણાવ્યું હતું. આ ભ્રષ્ટાચાર થકી સરકારી તિજોરીને રૂ. 1570 કરોડની માતબર રકમનું નુકસાન કરાવ્યું છે, તે અંગે હાઇકોર્ટ કે સુપ્રીમના સિટિંગ જજ મારફત તપાસ કરાવવામાં આવે તેવી માંગણી પણ ગોહિલે કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે પ્રદેશ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે ભાજપના ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ (જીઆઇડીસી)માં પ્રથમ તબક્કામાં રૂ. 350 કરોડ અને બીજા તબક્કામાં રૂ.1250 કરોડની રકમના ભ્રષ્ટાચારના પુરાવાઓ અને હકીકતોની માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજયમાં નાના-નાના ઉદ્યોગકારોનું પ્રઓત્સાહન મળે, સ્થાનિકોને રોજગારી મળે અને ઉદ્યોગોનો સંતુલિત વિકાસ થાય તે માટે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઇડીસી)ની રચના કરાઇ હતી. પરંતુ ભાજપ સરકારે આ જીઆઇડીસીનો લાભ આપવા કે સંતુલિત વિકાસ કે નાના માણસોને ફાયદો કરાવવાના બદલે હેતુફર કરીને માનિતાઓને મિલકતો પધરાવીને કરોડો રૂપિયાપેદા કરીને ભ્રષ્ટાચાર કર્યો છે. તેનો એક નમૂનો સામે આવ્યો છે.

ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારે દહેજ અને સાયખા ઔદ્યોગિક ઝોનમાં પ્રથમ તબક્કામાં રૂ. 3 અબજ 50 કરોડ અને બીજા તબક્કામાં રૂ. 12 અબજ 20 કરોડથી વધારેનો ભ્રષ્ટાચાર કર્યો છે. જે માટે તા. 24-04-2023ના રોજ દહેજ અને સાયખામાં કેમિકલ ઝોનમાં જમીનના પ્લોટ ફાળવવા માટે જીઆઇડીસી દ્વારા અરજીઓ મંગાવવામાં આવી અને તેનો બેઠો ભાવ રૂ.2,845/ પ્રતિ ચો.મી. હતો. અરજીઓ મંગાવ્યા બાદ ત્રણ મહિનામાં તા. 27-07-2023ના રોજ એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે, દહેજ અને સાયખાએ સેચ્યુરેટેડ ઝોનમાં ગણાશે. જેથી બેઠા ભાવે જમીન ફાળવી શકાશે નહીં. અને અગાઉ જે કઈ અરજીઓ તા. 24-04-2023ના રોજ મંગાવવામાં આવી હતી તે રદ કરાઇ છે. અને હવે જે કોઈ જંત્રી/ઔદ્યોગિક દર છે તેમાં 20% ટકા ઉમેરીને જાહેર હરાજીથી જ પ્લોટ ફાળવાશે. તથા નિયમાનુસાર સંપૂર્ણ કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી લેનારના નામે પ્લોટ તબદીલ થશે નહીં.

ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, આ પરિપત્ર કર્યા બાદ જે જૂની અરજીઓ આવી હતી તે બધા સાથે મોટાપાયે વાટાઘાટો અને વહીવટ થયા બાદ ભ્રષ્ટાચારનું ષડયંત્ર રચાયું. તે મુજબ જો હરાજી કરાય તો આ વિસ્તારમાં એક ચો.મી.ના ઓછામાં ઓછા રૂ. 10,000/ ઊભા થાય તેવી સ્થિતિ હતી. કારણ કે, આ પરિપત્રના એક વર્ષ અગાઉ એશિયન પેઇન્ટ્સ દ્વારા આ જ વિસ્તારમાં પ્લોટ ખરીદયો હતો ત્યારે તેની કિંમત પ્રતિ. ચો. મી. દીઠ રૂ. 8,000/થી વધારેની ચૂકવવી પડી હતી. તો દહેજ અને સાયખા કરતાં વધારે અંદર અને અપૂરતી સુવિધા વાળા વિસ્તારો એવા ઝઘડિયા અને પાનોલીમાં પણ રૂ. 6,000 થી 7500/નો ભાવ કેમિકલ ઝોનમાં વર્ષ 2022માં હરાજીથી સરકારને પ્રાપ્ત થયો હતો. જો દહેજ અને સાયખામાં આ રીતે હરાજી થાય તો જે પ્લોટની જમીનોની હરાજી કરવાની થાય છે તેમાં પ્રથમ તબક્કામાં પાંચ લાખ ચો.મી. જમીન અને બીજા તબક્કામાં 20 લાખ ચો.મી. જમીન આપવાની થાય તો સરકારને ખૂબ મોટી રકમની આવક થઈ શકે તેમ હતી.

શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, ષડયંત્રના ભાગરૂપે બધા સાથે મોટો વહીવટ કરીને જીઆઇડીસીએ દહેજ અને સાયખાના જે વિસ્તારને સેચ્યુરેટેડ ઝોન જાહેર કર્યો હતો અને જ્યાં જમીન માત્ર જાહેર હરાજીથી આપી શકાય એમ હતી તેવા પરિપત્રને માત્ર છ મહિનામાં એટલે કે, તા. 08-02-204ના રોજ ઉલટાવી નાખ્યો હતો. અને એવો પરિપત્ર કરાયો હતો કે, દહેજ અને સાયખામાં આવેલા કેમિકલ ખોનને હવે અનસેચ્યુરેટેડ તરીક જાહેર કરી દેવાયો છે. એટ્લે કે, આ પરિપત્રની સીધો અર્થ એ થઈ ગયો કે, હવે આ પ્લોટોની હરાજી નહીં કરવાની થાય અને સરકારને જે રૂ. 10,000/ પ્રતિ ચો.મી. ઉપજવાના હતા ત્યાં હવે માત્ર રૂ. 2,845/ પ્રતિ ચો.મી.નો ભાવ ગણીને બેઠા ભાવે અરજીઓ ગણીને આપી શકાય.

આ પણ વાંચો: રૂ. 10 લાખ આપો અને NEET ની પરીક્ષા સારા માર્કે પાસ કરો

ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, એટલું જ નહીં, આ માટેના તમામ અધિકારો પણ પરિપત્ર દ્વારા જીઆઇડીસીના ઉપાધ્યક્ષને આપી દેવાયા છે. જેના કારણે પ્રથમ તબક્કામાં જે પાંચ લાખ 25 હજાર ચો.મી. જમીન આપવાની થાય છે તેમાં આ પરિપત્રથી સરકારી તિજોરી ઉપર રૂ. 3 અબજ 50 કરોડનું નુકસાન થાય છે. જ્યારે બીજા તબક્કામાં 20 લાખ ચો.મી. જમીન આપવાની થાય છે તેમાં રૂ. 12 અબજ 20 કરોડનું નુકસાન સરકારની તિજોરીને થાય તેમ છે.  

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, આ પરિપત્રમાં ફેરફાર કરીને સેચ્યુરેટેડ ઝોનમાંથી અન્સેચ્યુરેટેડ ઝોન કરીને વ્યવસ્થિત ષડયંત્ર રચાયું છે. જેથી માત્ર છ મહિનામાં સેચ્યુરેટેડ ઝોનમાંથી અનસેચ્યુરેટેડ ઝોન કરવાનું કાવતરું કરનાર સામે એફઆઇઆર કરવામાં આવે.

તેમણે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પેક્ટ્રમ એલોટમેન્ટ કેસમાં આદેશ અપાયો છે કે, સરકારોએ કોઈપણ જમીન કે મિલકત હરાજી વગર કોઈને આપવી નહીં, છટ જીઆઇડીસીએ અરજીઓ વગર હરાજી માટેની શા માટે મંગાવી? આ મામલે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ મારફત તપાસ કરાવવામાં આવે તેવી માંગણી છે.    

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇડીને જીઆઇડીસીમાં મોકલવામાં આવે અને મની લોન્ડરિંગ અંગેનો કેસ દાખલ કરાય. તેમજ જીઆઇડીસીના નિયામક મંડળના સભ્યોની મિલકત ઇડી, ઇન્કમટેક્સ અને સીબીઆઇ દ્વારા સંયુક્ત તપાસ કરાવવામાં આવે અને આ તપાસને પારદર્શક કરીને જાહેર કરવામાં આવે તેવી માંગણી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે કરી છે.

આ પણ વાંચો: જાતિનું પ્રમાણપત્ર  જમા કરાવવામાં પણ ભેદભાવઃ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 16 વર્ષ પછી 2 ઉમેદવારોની નિમણૂક કરવાનો આદેશ આપ્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.