મહેસાણામાં ગોસ્વામી શખ્સે દલિત યુવતીના અપહરણનો પ્રયાસ કર્યો
મહેસાણા જિલ્લાના ગુંછળી ગામે એક ગોસ્વામી શખ્સે દલિત સમાજની એક દીકરીનું કારમાં ખેંચીને અપહરણનો પ્રયાસ કર્યો હતો.
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગુંછળી ગામે કિરણગીરી ગોસ્વામી નામના માથાભારે શખ્સે દલિત સમાજની એક દીકરીને કારમાં બેસાડીને અપહરણ કરવા પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી પ્રમાણે ગત તા. 26 જૂન 2024ના રોજ રાત્રે 8 વાગ્યા આસપાસ દલિત સમાજની એક વીસ વર્ષની દીકરી પોતાના ઘરે ઉભી હતી અને પછી એંઠવાડ નાખવા માટે બહાર નીકળી હતી. એ દરમિયાન ત્યાં એક કાર આવી હતી, જેમાં ગુંછળી ગામનો એસટી ડ્રાઈવર તરીકે કામ કરતો કિરણગીરી ગોટીગીરી ગોસ્વામી નામનો શખ્સ બેઠો હતો. તેણે યુવતીનો હાથ પકડીને તેને બળજબરીથી કારમાં ખેંચીને ઉપાડી જવા પ્રયત્ન કર્યો હતો.
જો કે યુવતીએ તેનો પ્રતિકાર કર્યો હતો, જેના કારણે તેની હાથમાં પહેરેલી બંગડીઓ તૂટી ગઈ હતી અને તે હાથમાં વાગતા લોહી નીકળી ગયું હતું. યુવતીએ રાડો પાડતા નજીકમાં રહેતા તેના ભાભી અને અન્ય કુટુંબીજનો આવી પહોંચ્યા હતા. જેથી કિરણગીરી ત્યાંથી કાર લઈને ભાગી ગયો હતો.
જો કે, એ પછી તેનો ભાઈ મુકેશગીરી આનંદગીરી યુવતીના ઘર નજીકના ચોકમાં આવ્યો હતો અને સમાધાન કરવાની ધમકી આપવા લાગ્યો હતો. અને જો સમાધાન નહીં કરો તો ગામમાં રહેવું મોંઘું પડી જશે, તમને ગામ છોડાવી દઈશું અને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી.
આથી ગભરાયેલા યુવતીના પરિવારે લડોલ પોલીસ સ્ટેશનમાં (354)( 354એ) અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: 'નાચનારી' કહીને ઉતારી પાડેલી, એ દલિત યુવતી હવે BIGG BOSSમાં છે