દલિત યુવકને પટ્ટાથી માર્યો, સિગરેટના ડામ દઈ નગ્ન કરી દોડાવ્યો

દલિત યુવક રાત્રે 8 વાગ્યે ઘરે પરત ફરી રહ્યો હતો એ દરમિયાન ચાર યુવકોએ કશા જ કારણ વિના તેનો રસ્તો આંતરી પટ્ટાથી માર્યો, સિગરેટના ડામ દીધાં અને પછી નગ્ન કરી દોડાવ્યો.

દલિત યુવકને પટ્ટાથી માર્યો, સિગરેટના ડામ દઈ નગ્ન કરી દોડાવ્યો
image credit - Google images

તમે કોઈ એવી ઘટના વિશે જાણો છો, જેમાં કોઈ કથિત સવર્ણ વ્યક્તિને કોઈ દલિત કે આદિવાસી વ્યક્તિએ કારણ વિના જ માર માર્યો હોય? હવે તેનાથી ઉંધું વિચારો, કશા જ કારણ વિના કથિત સવર્ણ વર્ગની વ્યક્તિએ દલિત, આદિવાસી વ્યક્તિને માર માર્યો હોય, ખૂન કરી નાખ્યું હોય એવી કેટલી ઘટના તમે વાંચી છે? આ બંને સવાલોમાં બીજા સવાલનું પલ્લું વધારે નમેલું જણાશે, કેમ કે આ દેશમાં દલિત, આદિવાસી સમાજની વ્યક્તિને કારણ વિના જ માર મારવો એ જાણે કથિત સવર્ણોની કુટેવ બની ગઈ હોય તેવી સ્થિતિ છે. આવી ઘટનાઓમાં પાછો પોલીસ તંત્રનો રોલ સવર્ણો તરફી હોવાથી પીડિતોને ન્યાય પણ મળતો નથી. જેના કારણે માથાભારે લોકોની ફેણ ફાટે છે અને તેઓ વધારે છાકટા થઈ જાય છે.

કંઈક આવી જ એક ઘટના હાલ સામે આવી છે, જેમાં એક દલિત યુવકને કેટલાક માથાભારે તત્વોએ કોઈ જ કારણ વિના ઢોર માર મારી, નગ્ન કરીને તેને સિગારેટના ડામ દઈને રસ્તે દોડાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે ફરિયાદ નોંધાઈ છે.

મામલો આદિવાસી સમાજ પર જ્યાં સૌથી વધુ અત્યાચારો થાય છે તે મધ્યપ્રદેશનો છે. અહીંના છતરપુરમાં કેટલાક માથાભારે તત્વોએ એક દલિત યુવકને કોઈ જ કારણ વિના નિર્વસ્ત્ર કરી ઢોર માર મારીને રસ્તા પર દોડાવ્યો હતો. એટલું જ નહીં આ લોકોએ યુવકના શરીરમાં સિગારેટના ડામ પણ આપ્યા હતા અને આખી ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ઘટના બાદ યુવકના પરિવારજનો અને દલિત સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો.

ઘટના છતરપુરના કોટવાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સરાણી દરવાજા પાસેની છે. મંગળવાર તા. 25 જૂનના રોજ રાતે 8 વાગ્યે ફૂલા દેવી માર્ગ પાસે પુલીયા નજીક દલિત યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેનો વીડિયો બીજા દિવસે બુધવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ પણ વાંચોઃ ઘરેથી દવા લેવા નીકળેલી દલિત મહિલા પર 7 લોકોએ બળાત્કાર કર્યો

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે 4 યુવકો એક યુવકને પકડીને પટ્ટા અને દેશી કટ્ટાની ખૂંધથી ઢોર માર મારી રહ્યા છે. પછી દેશી પિસ્તોલ બતાવીને તેના પકડાં ઉતરાવી રહ્યાં છે. આરોપીઓ તેને સિગારેટના ડામ આપતા પણ દેખાય છે. ચારેય યુવકો મળીને પેલા દલિત યુવકને ઢોર માર મારી રહ્યાં છે અને તેના પર પટ્ટાથી ઘા કરી રહ્યાં છે. છતરપુર પોલીસે આ વીડિયો વાયરલ થતા કાર્યવાહી હાથ ધરી હતી. 

આ ઘટનામાં પોલીસે તપાસ કરતા ખ્યાલ આવ્યો કે પીડિત યુવકનું નામ બ્રિજેશ વર્મા છે અને તે દલિત સમાજમાંથી આવે છે. તેની ફરિયાદના આધારે દેવેન્દ્ર ઉર્ફે દેવા ઠાકુર, લકી ઘોષ અને અન્ની ઘોષ વિરુદ્ધ કલમ 342, 365, 394, 360 અને એસસી એસટી એક્ટની કલમ 3-2-5 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે દેવેન્દ્ર અને લકીની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ની ઘોષ અને અન્ય એક યુવક હજુ પણ ફરાર છે. પોલીસે ગુનામાં વપરાયેલા પટ્ટા અને દેશી પિસ્તોલ પણ કબ્જે કરી છે.

વીડિયોમાં ચારેય આરોપીઓ યુવકને માર મારતા દેખાય છે. સાથે જ તેઓ પીડિત યુવકને તેના પોલીસકર્મી સંબંધીને બોલાવવા માટે કહેતા સાંભળી શકાય છે. એ પછી તેઓ બ્રિજેશને નગ્ન કરીને ભગાડી દે છે.

સમગ્ર મામલે છતરપુરના પોલીસ અધિક્ષક અગમ જૈનને પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, પીડિત યુવક બ્રિજેશ રાત્રે ઘરે જઈ રહ્યો હતો, ત્યારે ચારેય આરોપીઓ તેને કોઈ જ કારણ વિના તેને રોકીને કોટવાળી પોલીસ સ્ટેશનની હદમાં લઈ ગયા હતા. અને તેને પટ્ટાથી ફટકાર્યો હતો અને દેશી પિસ્તોલ તેના માથામાં મારી દીધી હતી. ત્રણ આરોપીઓ દેવેન્દ્ર ઠાકુર, લકી ઘોષ અને અન્નૂ ઘોષની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે ચોથો આરોપી હજુ ફરાર છે. પોલીસે તેમણે ગુનામાં ઉપયોગમાં લીધેલી પિસ્તોલ પણ કબ્જે લીધી છે.

આગળ વાંચોઃ ફોન પર 'જય ભીમ, નમો બુદ્ધાય' બોલવા પર દલિત યુવકને માર માર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.