ભારે વિરોધનાં પગલે સરકારે GMERS મેડિકલ કોલેજોની ફીમાં ઘટાડો કર્યો
જીએમઇઆરએસ મેડિકલ કોલેજોના ફી વધારા મુદ્દે સરકારે પીછેહટ કરવી પડી છે. સરકારી ક્વોટામાં રૂ.૩.૭૫ લાખ અને મેનેજમેન્ટ ક્વોટામાં રૂ. ૧૨ લાખ ફી રહેશે.
રાજ્ય સરકાર દ્વારા જીએમઇઆરએસ મેડિકલ કોલેજોની ફીમાં ધરખમ વધારો કરાયો હતો. આ ફી વધારાને લઈને સમગ્ર રાજયમાં ભારે હોબાળો મચી ગયો હતો અને સરકાર સામે ભારે રોષ અને નારાજગી પ્રસરી હતી. આ ફી વધારાને લઈને સમગ્ર રાજયમાં ઠેર ઠેર વિરોધ થવા પામ્યા હતા. આ વિરોધને જોતાં રાજ્ય સરકારે ફી વધારા મામલે પીછેહટ કરવાની ફરજ પડી છે. જેના કારણે સરકારી ક્વોટામાં રૂ. 1.85 લાખનો અને મેનેજમેન્ટ ક્વોટામાં રૂ. 5 લાખનો ઘટાડો કરવાની ફરજ પડી છે.
ગુજરાત સરકાર દ્વારા તેમના હસ્તકની ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (જીએમઇઆરએસ) હેઠળની ગુજરાતની 13 મેડિકલ કોલેજોની ફીમાં 80 ટકા જેવો ધરખમ વધારો કરવામાં આવ્યો હતો. જેના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સરકારી ક્વોટાની બેઠક (સીટ)ની ફી રૂ. 3.30 લાખ હતી, તેમાં વધારો કરીને રૂ. 5.50 લાખ કરી હતી. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની બેઠક માટેની ફી રૂ. 9.75 લાખ હતી, તેમાં વધારો કરીને રૂ. 17 લાખ કરવામાં આવી હતી. જ્યારે એનઆરઆઇ ક્વોટા માટેની ફી 22,000 ડોલર હતી જેમાં વધારો કરીને 25,000 ડોલર કરવામાં આવી હતી. આ ફી વધારો આ શૈક્ષણિક સત્રથી જ લાગુ થશે તેવો પરિપત્ર પણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: આ ચૌદમી એપ્રિલે 26મી પ્રતિજ્ઞા એવી લેજો...
રાજ્ય સરકાર દ્વારા જીએમઇઆરએસ સંચાલિત 13 મેડિકલ કોલેજોમાં કરાયેલા 80 ટકા જેવા ધરખમ વધારાને લઈને સમગ્ર રાજયમાં ઘેરા પડઘા પડ્યા હતા. રાજયમાં ઠેર ઠેર વિરોધ શરૂ થઈ ગયો હતો. જેમાં વિપક્ષ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી-'આપ' ઉપરાંત સત્તાપક્ષ ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા પણ આ ફી વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જીએમઇઆરએસ સંચાલિત મેડિકલ કોલેજોમાં કરાયેલા ફી વધારાની સામે રાજયભરમાં ઉઠેલા વિરોધના પગલે રાજ્ય સરકારને આ મામલે ફેરવિચારણા કરવાની ફરજ પડી હતી. જેના અંતર્ગત આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં જીએમઇઆરએસ સંચાલિત મેડિકલ કોલેજોમાં કરાયેલા ફી વધારામાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હતો. આ અંગેની જાહેરાત રાજ્ય સરકારના પ્રવકતા અને તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
સરકારના પ્રવકતા અને રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જીએમઇઆરએસ સંચાલિત ૧૩ મેડિકલ કોલેજની ૨૧૦૦ બેઠકોમાં તાજેતરમાં કરાયેલા ફી વધારામાં ફેર વિચારણા બાદ આ ફીના ધોરણમાં ઘટાડો કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો છે.
રાજ્ય સરકાર દ્વારા કરાયેલા નિર્ણય અનુસાર રાજ્યની જીએમઇઆરએસ સંચાલિત 13 મેડિકલ કોલેજોમાં સરકારી ક્વોટામાં પ્રવર્તમાન ફી રૂ.૫.૫૦ લાખમાંથી ઘટાડો કરીને રુ.૩.૭૫ લાખ એટલે કે અંદાજીત ૮૦ટકા અને મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ.૧૭ લાખમાંથી ઘટાડો કરીને રૂ. ૧૨ લાખ એટલે કે અંદાજીત ૬૨.૫ %નો ઘટાડો કરવામાં આવ્યો છે, તેમજ પ્રવર્તમાન ફીનું માળખું મેડિકલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી જ લાગુ પડશે તેમ પણ સરકારના પ્રવકતા અને તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
આ પણ વાંચો: એક મહિનામાં પ્રવેશ રદ કરાવી લેનાર વિદ્યાર્થીઓને 100 ટકા ફી રિફંડ મળશે