શું જેલોમાં પણ થાય છે જાતિ આધારિત ભેદભાવ? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને 11 રાજ્યો પાસે માંગ્યો જવાબ

સમાજમાં દરેક મોરચે જાતિ આધારિત ભેદભાવની બાબતથી બહુજન સમાજ અજાણ નથી. જો કે, હાલ એક નવો મામલો સામે આવ્યો છે, જેમાં જેલોમાં પણ જાતિ આધારિત ભેદભાવ થતો હોવાને લઈને સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ છે.

શું જેલોમાં પણ થાય છે જાતિ આધારિત ભેદભાવ? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને 11 રાજ્યો પાસે માંગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે હાલમાં જ જેલોમાં જાતિ આધારિત ભેદભાવોનો આરોપ લગાવતી એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરી છે. જેમાં તેણે કેન્દ્ર સરકાર અને યુપી, પશ્ચિમ બંગાળ સહિતના 11 રાજ્યો પાસેથી જવાબ માંગ્યો છે. પીઆઈએલમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ રાજ્યોની જેલોમાં જાતિ આધારિત ભેદભાવોને પ્રોત્સાહન આપવામાં આવે છે.

ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની પીઠે આ મામલે વરિષ્ઠ એડવોકેટ એસ. મુરલીધરની દલીલો સાંભળી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે 11 રાજ્યોની જેલોની નિયમાવલીઓ તે જેલોની અંદર કામની વહેંચણીમાં ભેદભાવ કરે છે અને ત્યાં જાતિના આધાર પર કેદીઓને રાખવાનું નક્કી થાય છે.

એડવોકેટ એસ. મુરલીધરે કહ્યું કે અમુક ડિનોટિફાઈડ ટ્રાઈબ્સ અને રિઢા ગુનેગારો સાથે અલગ પ્રકારનું વર્તન કરવામાં આવે છે અને તેમની સાથે ભેદભાવ થાય છે. તેના પર કોર્ટે મુરલીધરને રાજ્યો પાસેથી જેલ નિયમાવલીઓને એકઠી કરવા કહ્યું છે અને અરજી પર ચાર સપ્તાહ બાદ સુનાવણી કરવાનું નક્કી કર્યું છે.

ગૃહ મંત્રાલયને પણ નોટિસ અપાઈ

સુપ્રીમ કોર્ટની પીઠે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને અન્ય રાજ્યોને નોટિસ જારી કરી છે. સાથે જ સૉલિસીટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રના કલ્યાણની નિવાસી સુકન્યા શાંતા દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને ઉકેલવામાં કોર્ટની મદદ કરે.

કોર્ટે આદેશમાં શું કહ્યું?

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, “અરજીકર્તાનું કહેવું છે કે જેલોની બેરેકોમાં માનવશ્રમની વહેંચણીના સંબંધમાં જાતિ આધારિત ભેદભાવ થાય છે અને આ પ્રકારના ભેદભાવો ડિનોટિફાઈડ ટ્રાઈબ્સ અને રિઢા ગુનેગારો સાથે થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ મામલે નોટિસ જારી કરે.”

જો કે, સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, કાચા કામના કેદીઓ અને ગુનેગારોને અલગ કરવામાં આવે છે, પણ મેં જાતિના આધારે ભેદભાવના સંબંધમાં સાંભળ્યું નથી. આ મામલામાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, પંજાબ, ઓરિસ્સા, ઝારખંડ, કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો પાસેથી જવાબ માંગ્યો છે.

આ પણ વાંચો : છેલ્લાં 5 વર્ષમાં હાઈકોર્ટોમાં નિયુક્ત થયેલા 79 ટકા જજો સવર્ણ જાતિના; SC 2.8 ટકા, ST 1.3 ટકા, લઘુમતિ ફક્ત 2 ટકા!


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.