VHP ના ત્રિશુલ દીક્ષા કાર્યક્રમમાં બૌદ્ધ ભંતે હાજરી આપી સંકલ્પ લેવડાવ્યા

વિશ્વ હિંદુ પરિષદ દિલ્હીમાં ચૂંટણી દરમિયાન 200 કાર્યક્રમ યોજી 50,000 ત્રિશૂળ વહેંચશે. અત્યાર સુધીમાં 8 હજારથી વધુ ત્રિશૂળ વહેંચવામાં આવ્યા છે. બૌદ્ધ ભંતેએ શપથ લેવડાવ્યા.

VHP ના ત્રિશુલ દીક્ષા કાર્યક્રમમાં બૌદ્ધ ભંતે હાજરી આપી સંકલ્પ લેવડાવ્યા
image credit - Google images

દેશની રાજધાની દિલ્હીમાં એકબાજુ સત્તાધારી આપને હરાવવા કોંગ્રેસ અને ભાજપ સહિતના વિપક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન 50 હજાર ત્રિશૂળના વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં સાતથી આઠ હજાર ત્રિશૂળનું વિતરણ કરવામાં આવ્યું છે અને વિધાનસભાની ચૂંટણી પહેલા 50 હજારથી વધુ ત્રિશુલનું વિતરણ કરવાનો લક્ષ્યાંક છે. જોકે, VHPનું કહેવું છે કે તેને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. વિહિપના આ કાર્યક્રમની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, 15મી ડિસેમ્બરે યોજાયેલા તેના પહેલા સમારોહમાં એક બૌદ્ધ ભંતેએ હાજરી આપી હતી અને તેમણે ઉપસ્થિત સૌ ત્રિશૂળ દીક્ષાર્થીઓને હિંદુ ધર્મને બચાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.

દિલ્હીની ચૂંટણી પહેલા જ ત્રિશૂળ દીક્ષાનો કાર્યક્રમ

તમને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તારીખોની સત્તાવાર જાહેરાત જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં થઈ શકે છે અને ફેબ્રુઆરીના મધ્યમાં મતદાન થઈ શકે છે. એ દરમિયાન વિશ્વ હિંદુ પરિષદના આ ત્રિશૂળ વિતરણની ઝુંબેશ 15મી ડિસેમ્બરે પહાડગંજમાં પ્રથમ સમારોહ યોજીને શરૂ કરવામાં આવી હતી. આગામી મોટો સમારોહ 19 જાન્યુઆરી, 2025 ના રોજ યોજાનાર છે. કોઈપણ વ્યક્તિ આ કાર્યક્રમોમાં આવીને ત્રિશુલ લઈ શકે છે. VHP સામાન્ય જનતાને વ્હોટ્સએપ દ્વારા આમંત્રિત કરી રહ્યું છે - 'તમે બધા તમારા નામ નોંધાવો અને શસ્ત્ર ધારણ કરો'

ત્રિશૂળ દીક્ષા એટલે બજરંગ દળમાં ભરતીનો કાર્યક્રમ

એક રીતે આ VHPની યુવા પાંખ બજરંગ દળમાં ભરતીનો કાર્યક્રમ પણ છે. વિશ્વ હિંદુ પરિષદના પ્રાંત મંત્રી સુરેન્દ્ર ગુપ્તા કહે છે, 'જેઓ પહેલેથી જ સંગઠનમાં છે, તેમણે તો (ત્રિશૂલ) ધારણ કરવાનું જ હોય છે. જેઓ સંસ્થામાં નથી અને જોડાવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તેમને સંસ્થામાં સામેલ કરવામાં આવે છે. ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ બજરંગ દળની શરૂઆતથી થઈ રહ્યો છે. દિલ્હીમાં પણ સમયાંતરે આવું બન્યું છે. આ કાર્યક્રમ પાંચ-દસ વર્ષમાં એકવાર આ રીતે થાય છે. કારણ કે જે પેઢીને આપણે તે પહેલા ત્રિશુલ આપ્યું હતું તેમની પાસેથી તો તે હજુ પણ હોય જ છે.

સુરેન્દ્ર ગુપ્તા આગળ કહે છે, "જો અમે ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવું કરી રહ્યા હોત, તો લોકસભાની ચૂંટણી થઈ ત્યારે અમે આવું કેમ ન કર્યું? તે પહેલા મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેમ ન કર્યું? વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ હિંદુ સમાજની રક્ષા માટે જે સંકલ્પ લે છે તે ચૂંટણીના આધારે લેવામાં આવતો નથી.' જો કે, પહાડગંજના કાર્યક્રમમાં એ જ મુદ્દાની ગૂંજ ઉઠી હતી, જેને ભાજપ ચૂંટણીનો મુદ્દો બનાવી રહી છે - બાંગ્લાદેશી ઘૂસણખોરોનો."

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર હાજર રહ્યાં

સમારોહમાં મુખ્ય વક્તા તરીકે હાજર રહેલા VHPના કેન્દ્રીય સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, "લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાની પહેલથી દિલ્હી પહેલું રાજ્ય બન્યું છે જેણે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઓળખી કાઢ્યા છે અને તેમને ભારતમાંથી હાંકી કાઢવાના પ્રયાસો શરૂ કરી દીધાં છે. પરંતુ અમને શંકા છે કે લેફ્ટનન્ટ ગવર્નરની આ પ્રશંસનીય પહેલ અને સૂચનાઓનું તેમના વહીવટી અધિકારીઓ ગંભીરતાથી પાલન કરશે કે કેમ. બજરંગ દળના સેંકડો કાર્યકરો ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ કરવા અને તેમને બહાર કાઢવા માટે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અને વહીવટીતંત્રને સહકાર આપવા તૈયાર છે."

જૈને તે દિવસે કહ્યું હતું કે સંભલની હિંસા 'સુયોજિત ષડયંત્રનો ભાગ' હતી. જેહાદી તત્વો હિંદુઓના ધાર્મિક યાત્રાધામો પર હુમલા કરે છે અને સ્થાપિત મંદિરોનો કાયદેસર રીતે સર્વે કરવામાં આવે તો પણ સાંપ્રદાયિક ઉન્માદ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવે છે. હવે બજરંગ દળના કાર્યકરો આવા હુમલાઓનો જવાબ આપવા માટે તૈયાર થયા છે,'

ત્રિશુલ દીક્ષાનો હેતુ શું છે?

VHP શસ્ત્ર વિતરણનો આ કાર્યક્રમ કેમ ચલાવે છે? આના જવાબમાં સુરેન્દ્ર ગુપ્તા કહે છે, "આપણા તમામ દેવી-દેવતાઓના હાથમાં શસ્ત્રો છે. અમે વિજયાદશમીના દિવસે શસ્ત્રોની પૂજા પણ કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે દરેક હિંદુએ ભગવાન મહાકાલના આશીર્વાદના પ્રતીક તરીકે ત્રિશુલ ધારણ કરવું જોઈએ."

15 ડિસેમ્બરના કાર્યક્રમમાં હિન્દુત્વવાદી ટીવી ચેનલ સુદર્શન ન્યૂઝ સાથે વાત કરતા VHPના દિલ્હી પ્રદેશ પ્રમુખ કપિલ ખન્નાએ કહ્યું હતું કે, "અમે દિલ્હીમાં વિધર્મીઓના કુચક્રને સમાપ્ત કરી દઈશું. અમે દિલ્હીમાં વિધર્મીઓ દ્વારા ફેલાવવામાં આવતી લવ જેહાદ, લેન્ડ જેહાદ જેવી તમામ બદીઓનો અંત લાવવાનો સંકલ્પ કર્યો છે. અમે ગાયોની રક્ષાની પણ પ્રતિજ્ઞા લીધી છે."

બૌદ્ધ ભંતેએ શસ્ત્ર વિતરણ કાર્યક્રમમાં સંકલ્પ લેવડાવ્યા

આ ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમની સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે, વિશ્વ હિંદુ પરિષદના પહાડગંજમાં યોજાયેલા શસ્ત્ર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંકલ્પ લેવડાવવાનું કામ એક બૌદ્ધ ધર્મી રાહુલ સંઘપ્રિયા ભારતીએ કર્યું હતું. આરએસએસ, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના સંગઠનો સાથે ઘરોબો ધરાવતા રાહુલ સંઘપ્રિયા ભારતી ભાજપના તમામ મોટા નેતાઓ સાથે પણ જોવા મળે છે. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેઓ સતત તેનો પ્રચાર કરતા પોસ્ટરો, ફોટા શેર કરતા રહે છે.

સૌ જાણે છે કે બૌદ્ધ ધર્મની મુખ્ય દીક્ષા જ અહિંસા અને કરૂણાની હોય છે. આ જ કારણોસર ડો.આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. પણ ભંતે રાહુલ બૌદ્ધે તે ઉપદેશને ભૂલી જઈને વિહિપના ત્રિશૂળ કાર્યક્રમમાં હાજરી આપી ઉપસ્થિત લોકોને સંકલ્પ લેવડાવ્યા હતા. જે જોઈને બહુમતી બૌદ્ધ ધર્મીઓને મોટો આંચકો લાગ્યો છે.

આ પણ વાંચો: હવે દલિતોને રીઝવવા વિશ્વ હિંદુ પરિષદ તેમના ઘરે જઈને ભોજન કરશે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Jeshingbhai
    Jeshingbhai
    આ એક બુદ્ધ ધમ્મનું હિન્દુકરણ કરવાનું મહા ષડયંત્ર છે. આવું ન થાય એટલા માટે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બુદ્ધ ધમ્મ અંગીકાર કરતા પહેલાં થોડા સમયમાં કોના હાથે દીક્ષા લેવાનો નિર્ણય બદલી નાખ્યો હતો. કારણ કે બાબાસાહેબને કાર્યક્રમ પહેલાં જ એક વિશ્વસનીય વ્યક્તિએ જાણ કરી હતી કે જેના હાથે આપ દીક્ષાગ્રહન જઈ રહ્યા છો તે એક હિંદુ ધર્મના પક્ષધર છે. પરિણામત: નિર્ણય બદલ્યો હતો.
    3 months ago