Exclusive: ઉનાકાંડના સક્રિય આંદોલનકારી કાંતિભાઈ વાળા 7 વરસથી જેલમાં; પરિવાર આર્થિક સંકટમાં, દીકરીએ મદદ માંગી 

Exclusive: ઉનાકાંડના સક્રિય આંદોલનકારી કાંતિભાઈ વાળા 7 વરસથી જેલમાં; પરિવાર આર્થિક સંકટમાં, દીકરીએ મદદ માંગી 

ગુજરાતમાં ઉનાકાંડ વખતે સક્રિય દલિત આંદોલનકારી રહેલા કાંતિભાઈ વાળા એક પોલીસ કર્મચારીના મૃત્યુના આરોપ હેઠળ છેલ્લાં 7 વરસથી જેલવાસ ભોગવી રહ્યાં છે. આંદોલનકારી આ યોદ્ધાનો પરિવાર એ દરમ્યાન ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. તેમની બંને દીકરીઓનું પપ્પાને યાદ કરીને રડવાનું બંધ નથી થતું. આવી કપરી પરિસ્થિતિમાં પણ કાંતિભાઈના પત્ની મક્કમ મનોબળ સાથે પરિવારને સંભાળી રહ્યાં છે. જો કે હવે પરિવાર આર્થિક ભીંસમાં મુકાઈ ગયો છે. મુશ્કેલી એટલી હદે વધી ગઈ છે કે તેમનું જીવવું મુશ્કેલ બન્યું છે, અને તેમણે નાછૂટકે મદદ માટે જાહેર અનુરોધ કર્યો છે.

શું હતો મામલો? 

તારીખ 11/7/2016ના રોજ થયેલા ઉનાકાંડ બાદ રાજ્યભરના અનુસૂચિત જાતિના લોકોએ એ અમાનવીય અત્યાચાર વિરુદ્ધ રાજ્યવ્યાપી આંદોલન ચલાવ્યું હતું. આરોપીઓ સામે કડક કાનૂની પગલાં ભરવા અને તેમને ઝડપી લેવા માગણી કરવામાં આવી હતી. એ દરમ્યાન રાજ્યમાં ૩૨ લોકોએ ઝેર પીધું હતું જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું. ગુજરાતભરમાં આ આંદોલન આગની જેમ પ્રસર્યું હતું. જેમાં અમરેલી ખાતે રેલી પૂરી થયા બાદ અફરાતફરીમાં એક પોલીસ હેડ કોન્સ્ટેબલનું આકસ્મિક મોત થયું હતું. આ મોતનો આરોપ અનુસૂચિત જાતિના લોકો પર નાખી દેવામાં આવ્યો હતો અને હત્યાના આરોપ હેઠળ ૩૯ લોકોને પકડી પોલીસે જેલમાં ધકેલી દીધાં હતાં. અન્ય લોકો જો કે એક પછી એક છુટી ગયા હતા પણ કાંતિભાઈ વાળા આજેય જેલવાસ ભોગવી રહ્યાં છે. આજકાલ કરતા જેલમાં તેમને 7 વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે.

ઉના કાંડના મુખ્ય આંદોલનકારી ગણાતા કાંતિભાઈ વાળા 19 /7 /2016થી જેલમાં બંધ છે. જેને હાલ આઠમું વર્ષ ચાલુ થઈ ગયું છે. તેમની બે નાની દીકરીઓ પિતાને યાદ કરી-કરીને રડે છે. નાની બાળાઓ પિતા વગર વલખા મારે છે અને થાકીને માતાના ખોળામાં માથું મૂકીને સુઈ જાય છે. તે કાયમ ‘પિતા ક્યારે આવશે?’ એ સવાલનું રટણ કર્યા કરે છે અને ચોધાર આંસુએ રડતી રહે છે. બંને દીકરીઓ પિતાનો પ્રેમ ગુમાવી ચૂકી છે. તેમના ઘરમાં પિતા સિવાય કમાનાર કોઈ જ નથી, જેના કારણે પરિવારની આર્થિક સ્થિતિ ભારે કફોડી બની ગઈ છે.

કાંતિભાઈ જેલમાં હોવા છતાં મક્કમ

જેલમાં હોવા છતાં કાંતિભાઈ વાળાનું મનોબળ મક્કમ છે. સાત વર્ષથી સહેજ પણ ઢીલા પડ્યા વગર તેઓ ભગતસિંહની અદાથી જેલવાસ વેઠી રહ્યા છે. કોઈ તેમને મળવા જાય ત્યારે પણ તેમનો અવાજ બુલંદ જ હોય છે, ક્યારેય પણ તેઓ નબળી વાત કરતા નથી. કાંતિભાઈ સમાજનો આભાર માનતા થાકતા નથી, કારણ કે સમાજના કેટલાક આંબેડકરવાદીઓ તેમના પરિવારને આર્થિક સહકાર આપે છે જેના કારણે તેઓ ટકી રહ્યા છે.

‘હવે તો મરવા સિવાય...’ કાંતિભાઈનાં પત્નીનો વલોપાત  

જોકે કાંતિભાઈ વિના તેમનાં પત્ની કવિતાબેન અને બન્ને પુત્રીઓ સંકટમાં મુકાયેલાં છે. ‘Khabarantar.com’ સાથેની વાતચીતમાં કવિતાબેન જણાવે છે કે ‘હવે આ માનસિક ત્રાસ સહન થતો નથી, કારણ કે અમારો કેસ સાતમા મહિનામાં પૂરો થઈ જાય તેમ હતો પણ હવે તેમાં સ્ટે આવી ગયો છે. આ કેસ ક્યારે પૂરો થાય અને મારા પતિ ક્યારે જેલમાંથી છૂટે તેનું કંઈ નક્કી નથી. જેથી અમારો પરિવાર ખૂબ જ મુશ્કેલીમાં છીએ. હવે તો મરવા સિવાય કોઈ રસ્તો દેખાતો નથી.’ એમ કહીને તેઓ ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં. જોકે ‘Khabarantar.com’ તરફથી એમને સાંત્વના આપી, આ વિકટ પરિસ્થિતનો હિંમતથી સામનો કરવા સમજાવવામાં આવ્યા અને સમાજના સંવેદનશીલ અને જાગૃત લોકો હરહંમેશ તેમની સાથે છે એમ જણાવી સધિયારો આપવામાં આવ્યો હતો.  

‘હું ફક્ત આંબેડકરવાદી પાસે મદદ માગું છું’ કાંતિભાઈની દીકરીનો સમાજ જોગ સંદેશ

બીજી તરફ કાંતિભાઈની મોટી દીકરી સાધનાનો સમાજને સંદેશ પાઠવતો એક મેસેજ વાઇરલ થયો છે જે નીચે મુજબ છે:

‘હું સાધનાબેન કાન્તિભાઈ વાળા સમાજના તમામ આંબેડકરવાદીઓને વિનંતી કરું છુ કે મારા પપ્પા જેલમાં છે. જો તમારો સહકાર મળે તો આમારું ભવિષ્ય ન બગડે. આપ સૌ જાણો છો કે 7 વર્ષથી આર્થિક મદદ કરવાવાળું કોઈ નથી. પપ્પા જેલમાં હોય તો કેટલી મુશ્કેલી ઉભી થાય તે મારા સિવાય કોઈ સમજી ન શકે.મારી ઉંમર 14 વર્ષની થઈ ગઈ છે. મારી નાની બહેન વંદના ૧૦ વર્ષની છે. મમ્મી બીમાર રહે છે. ઘરમાં કમાનાર કોઈ નથી. માટે આ સંદેશ થકી તમારી પાસે મદદ માગવી પડે છે, ભીખ નહિ. હું ડોય આંબેડકરની વિચારધારામાં માનું છું. હું ભણીગણીને કંઈક બનીશ ત્યારે સમાજને મદદરૂપ બનીશ. બાબાસાહેબના નામ ઉપર અને અનામત ઉપર ભારતમાં અને ગુજરાતમાં એટલા બધા અધિકારીઓ અને પદાઅધિકારી બની ચૂક્યા છે. તેમને શરમ આવવી જોઈએ કે મારે એક દિકરી થઈને આ સંદેશ અને વિડિયો મૂકવો પડે છે. પણ બાબાસાહેબ આંબેડકર પણ એકલા હાથે લડ્યાં હતા અને હાર્યા નહોતા, મારે પણ હારવું નથી. મમ્મી ઘણી વાર કહેતી હોય છે, પપ્પા સાત-સાત વર્ષથી આવ્યા નથી. હવે બેટા મારાથી તમારા ખર્ચ નથી ઊપડતા, ત્યારે મમ્મીને મેં કીધું છે કે હું સમાજને હાકલ કરીશ. તો આ દીકરી, પપ્પાની ગેરહાજરી હોવાના કારણે ફક્ત આંબેડકરવાદીઓ પાસે મદદ માગે છે. મારો આ સંદેશ બસ ભીમ યોદ્ધાઓ પાસે પહોંચે અને તેઓ મારા પરિવારને બચાવે એવી મારી બુલંદ અવાજ સાથે વિનંતી છે... જય ભીમ નમો બુદ્ધાય...’  

કાન્તિભાઈ વાળાના પરિવારને આ રીતે મદદ કરી શકો

કાન્તિભાઈ વાળાનાં પત્ની હાલ ઘરે બેઠા કામ કરી ઘર ચલાવે છે. જોકે એનાથી તેમનું ગુજરાન ચાલી શકતું નથી તેથી તેમને આર્થિક મદદની અત્યંત જરૂર છે. આપ તેમને ફૂલ નહીં તો ફૂલની પાંખડીરૂપ મદદ કરી શકો છો. તેમના બેન્ક એકાઉન્ટની વિગતો નીચે મુજબ છે:

 

KANTIBHAI MULJIBHAI VALA

A/C - No. 274710110001923

BANK OF INDIA-SAVARKUNDALA (GUJARAT)

IFSC CODE: BKID0002747

આ પણ વાંચો:કોણ છે પ્રોફેસર વિક્રમ હરિજન, જેમની સામે VHP, બજરંગ દળે FIR કરી છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.