દલિતોના વાળ ન કાપવા સામે એક અવાજ ઉઠ્યો અને ઈતિહાસ સર્જાયો!

દલિતોના વાળ ન કાપવા સામે એક અવાજ ઉઠ્યો અને ઈતિહાસ સર્જાયો!

સામાજિક આંદોલનોની આંધી ઉઠવા માટે એક મજબૂત અવાજ કાફી હોય છે. આવું જ કંઈક આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લના એક ગામમાં થયું છે. જ્યાં એક સ્થાનિક વાળંદ દલિતોના વાળ નહોતો કાપતો, જેની સામે એક યુવાને વિરોધ નોંધાવ્યો અને પછી જે થયું તે ઈતિહાસ બની ગયું. અહીંના નેલ્લીપાટલા ગામમાં જાતિગત ભેદભાવ સામે આંદોલનનો જન્મ થયો છે. આ ચળવળે માત્ર ભેદભાવપૂર્ણ રિવાજો સામે જ લડત નથી આપી પરંતુ અનુસૂચિત જાતિ(SC) અને અનુસૂચિત જનજાતિ(ST) સમાજને મંદિરોમાં પ્રવેશ અપાવવામાં પણ સફળતા મેળવી છે, જ્યાં તેમના માટે અત્યાર સુધી પ્રતિબંધ હતો.

નેલ્લીપાટલા એક હજારથી વધુ એસસી અને એસટી પરિવારોનું ઘર છે. તેઓ મુખ્યત્વે સ્થાનિક ખેતરો અને બાંધકામ સાઇટ્સ પર મજૂર તરીકે કામ કરે છે અને એક ટંકના ભોજન સાથે દરરોજ લગભગ રૂ. 150 કમાય છે.

 

આ શોષણની પ્રથા ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ગામના કેટલાક વડીલોએ અનૌપચારિક આદેશ જારી કરીને સ્થાનિક વાળંદોને દલિતોના વાળ ન કરવાની ચેતવણી આપી. સવર્ણોએ જાહેર કર્યું કે જો તેઓ દલિતોના વાળ કાપશે તો તેમણે કથિત ઉચ્ચ જાતિના ગ્રાહકો ગુમાવવાનો વારો આવશે. દરમ્યાન એક સ્થાનિક વાળંદે રાજન નામના એક દલિત યુવાનન હજામત કરવાની ના પાડી દીધી. 

રાજને તેની સામે બળવો કર્યો. તેણે દલિત સમુદાયને સંવેદનશીલ બનાવવા અને તેમની દુર્દશા તરફ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આગેવાની લીધ.  જોતજોતામાં આ વિવાદે આંદોલનનું સ્વરૂપ પકડી લીધું. ભેદભાવને ઉજાગર કરવા માટે આંદોલને સોશિયલ મીડિયાનો સહારો લીધો. રાજનને ભોજન પીરસવાની ના પાડતા અન્ય એક વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. આ મામલે પાલમનેર રેવન્ય ડિવિઝનલ ઓફિસર (RDO) એન. મનોજકુમાર રેડ્ડી સહિતના જિલ્લાના અધિકારીઓનું ધ્યાન ગયું.

મામલતદાર કુમારસ્વામી અને પીએસઆઈ મોહન કુમારની સાથે મનોજ કુમારે નેલ્લીપાટલા ગામની મુલાકાત લીધી હતી. તેમણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે કરવામાં આવતા ભેદભાવોની ફરિયાદોની સંપૂર્ણ તપાસ કરી. ત્યારબાદ તેમણે ગ્રામસભા બોલાવી અને તમામ સમુદાયોને સંબોધિત કર્યા. અધિકારીઓએ ગામના વડીલોને ભેદભાવ સામે કડક ચેતવણી આપી અને જો હજુ આવું કરશો તો કાયદો તેનું કડકાઈથી પાલન કરશે તેવી સ્પષ્ટ સૂચના આપી. જેના કારણે સ્થાનિક સવર્ણો ફફડી ગયા. એ પછી અધિકારીઓ આંદોલનકારી યુવક રાજનને લઈને એ જ સ્થાનિક વાળંદને ત્યાં પહોંચ્યાં જેણે દલિત હોવાના કારણે તેના વાળ કાપવાની ના પાડી દીધી હતી. અધિકારીઓએ તે વાળંદને રાજનના વાળ કાપી આપવા કહ્યું અને તેણે વાળ કાપી આપવા પડ્યાં.

એક સ્થાનિક દૈનિક સાથે વાત કરતા આરડીઓ મનોજ કુમારે કહ્યું: “અમે ગામલોકોને અસ્પૃશ્યતા રાખવી અને તેના કાયદાકીય પરિણામો વિશે કડક શબ્દોમાં સમજાવ્યું. સાથે જ તમામ સમુદાયો સાથે સમાન ધોરણે વ્યવહાર કરવાના મહત્વ પર ભાર મૂકતા સ્પષ્ટ સૂચનાઓ જારી કરી હતી. ગામના વડીલોને કડક ચેતવણી આપવામાં આવી છે કે કોઈપણ દલિત સાથે ભેદભાવ સહન કરવામાં આવશે નહીં."

 

આ રીતે SC અને STને સ્થાનિક મંદિરોમાં પ્રવેશ ન આપવાનો વર્ષો જૂનો મુદ્દો પણ ઉકેલાઈ ગયો. એ પછી અધિકારીઓ દલિત સમાજના લોકોને લઈને સ્થાનિક મંદિરોમાં ગયા, જ્યાં તેમને વર્ષોથી પ્રવેશ નહોતો. અહીં પહોંચીને અધિકારીઓએ દલિતો પાસે પૂજા કરાવડાવી. લોકોની સાથે આરડીઓ અને અન્ય અધિકારીઓ સાથે દલિત સમુદાયના સભ્યોએ વિશેષ પૂજામાં ભાગ લીધો. છેલ્લે ગામલોકોએ ભેગા મળીને સાથે જમણવાર પણ કર્યો. આંદોલનના અવાજમાં કેટલી તાકાત રહેલી છે તેનું આ એક ઉદાહરણ છે, રાજન નામના યુવકે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો અને તેમની વર્ષો જૂની સમસ્યાઓનો એક સાથે અંત આવી ગયો. વાળ કાપવા મુદ્દે શરૂ થયેલું આંદોલન અનેક ભેદભાવોને ખતમ કરવામાં નિમિત્ત બન્યું.

આ પણ વાંચો:"સામે રેલવે ટ્રેક પર ભૂંડ કપાઈને મરી ગયું છે, ઉપાડી લો ને...."


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Rajendra Sutariya
    Rajendra Sutariya
    આંદોલન કરીને આટલી સરસ સફળતા મેળવવા બદલ ખુબ ખુબ અભિનંદન
    3 months ago