બિમાર હોવાથી ઢોલ ન વગાડ્યો, ગામે વાલ્મિકી પરિવારનો બહિષ્કાર કર્યો
એક ગામમાં વાલ્મિકી યુવક બિમાર હોવાથી ધાર્મિક કાર્યક્રમમાં ઢોલ વગાડવા જઈ શક્યો નહોતો. જેના કારણે ગામે તમામ વાલ્મિકીઓનો બહિષ્કાર કર્યો છે.

દલિત સમાજમાં વાલ્મિકી સમાજની સ્થિતિ સૌથી પીડાદાયક છે. ગુજરાતીમાં એક સવર્ણ કવિએ વાલ્મિકીને દલિતોના પણ દલિત કહીને પોતે સુધરવાને બદલે દલિતોમાં પેટાજાતિવાદ વકરાવવા કવિતા કરેલી. જો કે, એ કવિતા લખાયાના આજે વર્ષોના વાણા વાઈ ગયા છે અને પેટાજાતિવાદ નાબૂદ કરવામાં દલિત સમાજને સારી એવી સફળતા મળી છે. પણ સવર્ણો દ્વારા વાલ્મિકી સમાજ સાથે રખાતો જાતિભેદભાવ આજે પણ યથાવત છે અને આ ઘટના તેનો પુરાવો છે.
એક ગામમાં ગ્રામપંચાયતે વાલ્મિકી સમાજના પરિવારોનો બહિષ્કાર કરી દીધો છે. એ પણ માત્ર એટલા માટે કે વાલ્મિકી યુવક બિમાર હોવાથી મંદિરના કાર્યક્રમમાં ઢોલ વગાડવા માટે આવી શક્યો નહોતો. એ પછી ઉશ્કેરાયેલા ગામલોકોએ વાલ્મિકી પરિવારના દાણાપાણી બંધ કરી દીધાં છે અને તેમનો બહિષ્કાર કર્યો છે. આજે આ પરિવારો ગામની કોઈ દુકાનેથી કોઈ સામાન ખરીદી શકતો નથી કે નથી ગામના કોઈ વાહનમાં બેસીને ક્યાંય જઈ શકતો. તેના પરિવારના બાળકોની દુકાનેથી નાસ્તો લાવવાની જીદ પણ પુરી થઈ શકતી નથી. વાલ્મિકી પરિવાર પોતાની દરેક નાનીમોટી જરૂરિયાત પુરી કરવા માટે નજીકના ગામ અને મોટા શહેર સુધી લાંબો થવા મજબૂર બન્યો છે.
પહેલી નજરે વાંચતી વખતે આ ઘટના ગુજરાતના કોઈ ગામડાની હોય તેમ લાગે છે. સ્વાભાવિક છે કે, ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ બની હોવાથી આપણે તેનાથી પરિચિત છીએ, પણ આ મામલો ઉત્તરાખંડનો છે.
પીટીઆઈ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, મામલો ભારત-ચીન બોર્ડ પરની નીતિ ઘાટીમાં આવેલા સુભાઈ ગામનો છે. ચમોલી જિલ્લાના આ ગામમાં 14 જુલાઈના રોજ પંચાયત બોલાવવામાં આવી હતી. એ પછી બધાં દલિત પરિવારનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ મામલામાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને બે લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: એટ્રોસિટીના કેસમાં આંદોલન પછી જ આરોપીઓ પકડાય છેઃ નરેશ મહેશ્વરી
આ ગામમાં અંદાજે 6 જેટલા વાલ્મિકી સમાજના પરિવારો રહે છે. સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમમાં તેઓ ઢોલ વગાડવાનું કામ કરે છે, જેમાં તેમને નાનીમોટી રકમની સાથે સાંજે વાળુ મળી જાય છે.
થોડા દિવસ પહેલા અહીં ગામના મંદિરે ધાર્મિક કાર્યક્રમ હતો. જ્યાં પુષ્કરલાલ નામના વાલ્મિકી યુવકને ઢોલ વગાડવા માટે આવવાનું કહેવાયું હતું. પણ તે બિમાર હોવાથી કાર્યક્રમમાં જઈ શક્યો નહોતો. એ પછી સ્થાનિક પંચાયતે સમગ્ર દલિત સમાજનો બહિષ્કાર કરવાનો આદેશ આપ્યો હતો અને તેમનું દાણાપાણી બંધ કરાવી દીધું હતું.
આજે સ્થિતિ એ છે કે, આ પરિવારો ગામમાં જંગલ અને પાણીના સ્ત્રોતોનો પણ ઉપયોગ કરી શકતા નથી. ગામલોકોએ તેમને તળાવ, નદીમાંથી પાણી ભરવા પર પણ પ્રતિબંધ લાદી દીધો છે. સાથે જ તેમને દુકાનોમાંથી જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા, વાહનોમાં અવરજવર કરવાની સાથે બીજા પણ અનેક પ્રકારના પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે.
પીટીઆઈના રિપોર્ટ મુજબ ગ્રામ પંચાયતના સભ્યોએ ગામના લોકોને પણ ધમકી આપી છે કે, જેઓ વાલ્મિકી પરિવાર પર લાદવામાં આવેલા બહિષ્કારના નિયમોનો ભંગ કરશે તો તેમની સાથે પણ આ જ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવશે. જેથી ગામલોકો પણ મજબૂરીવશ પંચાયતના નિર્ણયનું પાલન કરી રહ્યાં છે.
પીડિત વાલ્મિકી પરિવારોએ જોષીમઠ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે રામકૃષ્ણ ખંડવાલ અને યશવીર સિંહ નામના બે લોકો પર આરોપ લગાવ્યા છે. બહિષ્કૃત પરિવારનો આરોપ છે કે, આ બે લોકોના કહેવા પર જ તેમના બહિષ્કારનો આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ જેમ મોડાસામાં પણ દલિત એન્જિનીયરીંગ સ્ટુડન્ટનું ભેદી મોત