ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે 1.51 લાખ મતોથી નગીના સીટ જીતી

ભીમ આર્મીના ફાયર બ્રાન્ડ નેતા ચંદ્રશેખર આઝાદની સંસદમાં એન્ટ્રી થવા જઈ રહી છે. યુપીની નગીના બેઠક તેમણે 1.51 લાખ મતોથી જીતી છે.

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે 1.51 લાખ મતોથી નગીના સીટ જીતી
image credit - Google images

લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપના સૂપડાં સાફ થઈ ગયા છે. અહીં ઈન્ડિયા ગઠબંધને 80 પૈકી અડધાથી વધુ સીટો જીતીને ભાજપનું 400 પ્લસ સીટો જીતવાનું સપનું તોડી નાખ્યું છે. જો કે સૌથી વધુ ચર્ચા નગીના સીટની થઈ રહી છે, જ્યાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર રાવણે 1 લાખ 51 હજાર જેવી જંગી લીડથી ભાજપના ઓમ કુમારને ધૂળ ચાટતા કરી દીધા હતા. નગીના સીટ ચંદ્રશેખર આઝાદને કારણે આ વખતે હોટ સીટ બની ગઈ હતી. અહીં તેમનો સીધો જંગ નહટોર સીટથી ત્રણ વાર ધારાસભ્ય રહેલા ભાજપના ઉમેદવાર ઓમ કુમાર સામે હતો. આ સીટ પર સમાજવાદી પાર્ટીએ પૂર્વ જજ મનોજકુમાર અને બીએસપીએ સુરેન્દ્ર પાલને ટિકિટ આપી હતી.

નગીના લોકસભા સીટ ઉત્તરપ્રદેશની 17 અનામત લોકસભા સીટો પૈકીની એક છે. વર્ષ 2009 પહેલા આ સીટ અસ્તિત્વમાં આવી હતી. આ વખતની ચૂંટણીમાં નગીના સીટ પર પહેલા તબક્કામાં મતદાન થયું હતું, જેમાં અંદાજે 60.75 ટકા વોટિંગ થયું હતું.

2019માં આ સીટ બીએસપીને મળી હતી

ગત લોકસભા ચૂંટણીમાં નગીના સીટ પર બહુજન સમાજ પાર્ટીના ગિરીશચંદ્ર જાટવ જીત્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ડો. યશવંતસિંહ બીજા નંબર પર રહ્યા હતા. આ વખતની ચૂંટણીમાં બીએસપીના ઉમેદવાર સુરેન્દ્ર પાલને 5,68,378 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર ઓમ કુમારના ખાતામાં 4,01,546 મત ગયા હતા. 2019ની ચૂંટણી અહીં બીએસપીના ખાતામાં કુલ મતોના 56.3 ટકા મતો ગયા હતા અને તેના ઉમેદવારની જીતનું અંતર 1.66 લાખ મતોનું હતું.

યુપીમાં બદલાશે દલિત રાજનીતિના સમીકરણો

આઝાદ સમાજ પાર્ટીના ચંદ્રશેખર રાવણે નગીના સીટ પરથી જંગી લીડથી જીત મેળવી છે. છેલ્લાં કેટલાક સમયથી તેઓ યુપીમાં દલિત રાજનીતિને યુવા સ્વરૂપ આપવા મથી રહ્યા છે.

એક બાજુ ચંદ્રશેખર રાવણ સાંસદ બનવા જઈ રહ્યાં છે, તો બીજી તરફ યુપી સહિત સમગ્ર ભારતમાં દલિત રાજનીતિના પાવર સેન્ટર રહેલા બીએસપીનું આ ચૂંટણીમાં ખાતું પણ ખૂલ્યું નથી. એવામાં બે સવાલ યુપીના રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઈ રહ્યાં છે કે, શું અહીંથી દલિત રાજનીતિ બદલાશે અને જો બદલાશે તો 

માયાવતીની બીએસપી માટે આગળનો રસ્તો શું હશે?

નગીનાથી ચંદ્રશેખર રાવણની જીતના અનેક અર્થ નીકળી રહ્યાં છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, બસપા જે રીતે સતત નબળી પડતી જઈ રહી છે, તે જોતા ચંદ્રશેખર રાવણમાં દલિત યુવાનોને નવો વિકલ્પ દેખાઈ રહ્યો છે. અમુક લોકોનું કહેવું છે કે, બસપા સુપ્રીમો માયાવતી આઝાદ સમાજ પાર્ટીની વધતી જતી તાકાતને કારણે બસપા માટે ભવિષ્યમાં વધતા જતા પડકારોને સમજે છે અને સમયાંતરે પોતાની રીતે સ્ટેન્ડ પણ લે છે. બીજી તરફ ચંદ્રશેખર પણ દલિત રાજનીતિમાં બસપા અને તેના પ્રમુખ બહેનજીના મહત્વને સારી રીતે સમજે છે. એટલે જ તેઓ માયાવતી અને બસપા વિશે વાત કરતી વખતે ખૂબ જ સતર્કતા અને આદર સાથે વાત કરે છે. જાણકારોનું માનવું છે કે, ચંદ્રશેખર યુપીમાં લાંબી રાજનીતિ રમવા માંગે છે. તેમણે નગીના સીટ પરથી ચૂંટણી લડવાનું પણ પોતાની એક ખાસ રણનીતિ અંતર્ગત નક્કી કર્યું હતું, કેમ કે અહીં દલિત મતદારોની સારી એવી સંખ્યા છે. 

જો કે, ભીમ આર્મી વિશે સતત એક વાત રાજકીય ગલિયારાઓમાં થતી રહે છે કે, તે ભાજપ તરફી વલણ ધરાવે છે અને બીએસપીનું અસ્તિત્વ ખતમ કરી નાખવા માટે મોદી સરકાર અને ભાજપ દ્વારા તેને પ્રમોટ કરવામાં આવી રહી છે. બીએસપી કોર્ડિનેટર આકાશ આનંદે એકથી વધુ વખત ભીમ આર્મીને આ બાબતે આડે હાથ લીધી છે. જોવાનું એ રહેશે કે, સંસદમાં ચંદ્રશેખર આઝાદ કેવું પ્રદર્શન કરે છે, દલિતોના પ્રશ્નોને લઈને શું સ્ટેન્ડ લે છે. કે પછી ખરેખર તે ભાજપનું પ્યાદું હોવાનું સાબિત થાય છે, એ તો આગામી દિવસોમાં તેના સંસદ અને તેની બહારના પ્રદર્શન પર આધાર રાખે છે.

આ પણ વાંચો: મલ્લિકાર્જુન ખડગેની વ્યૂહરચનાએ કૉંગ્રેસનું નસીબ બદલ્યું!


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.