અયોધ્યા તો દૂર, આસપાસના 100 કિમી વિસ્તારમાં ભાજપ જીતી ન શકી!
અયોધ્યા અને રામમંદિરના નામે ભાજપ સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી જીતવા માંગતો હતો. પણ અયોધ્યા તો દૂર, તેની આસપાસના 100 કિમી વિસ્તારમાં પણ તે જીતી શક્યો નથી.
આ વખતની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ કોઈ બાબતની ચર્ચા થઈ રહી હોય તો તે અયોધ્યામાં ભાજપની ભૂંડી હારની છે. વડાપ્રધાન મોદી સહિતના ભાજપના નેતાઓ જાણે પોતે જ રામને ધરતી પર અવતરિત કરી રહ્યાં હોય તેમ પ્રચાર કરી રહ્યા હતા. રામમંદિરનું ઉદ્ઘાટન જાણે ભાજપનો ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ હોય તેવો માહોલ પેદા કરવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા અને મતદાનના છેલ્લા તબક્કા સુધી ભાજપના નાના-મોટા નેતાઓ રામ મંદિરનો ઉલ્લેખ કરતા જોવા મળ્યા હતા. પરંતુ આ મુદ્દો સંપૂર્ણપણે બેકફાયર થયો છે. કેમ કે, અયોધ્યામાં ભાજપને લોકસભા ચૂંટણીમાં મોટી હારનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં, અયોધ્યાની આસપાસની તમામ બેઠકો પણ તેમના હાથમાંથી સરકી ગઈ છે.
અયોધ્યામાં રામમંદિરના નિર્માણ પછી આ પહેલી લોકસભા ચૂંટણી હતી. ચૂંટણીની જાહેરાત પહેલા અને છેલ્લા તબક્કાના મતદાન સુધી રામ મંદિરને લઈને ઘણી ચર્ચા થઈ હતી. પીએમ મોદીથી લઈને સીએમ યોગી આદિત્યનાથ સુધી ભાજપના તમામ મોટા નેતાઓ રામ મંદિરના મુદ્દાનો ઉલ્લેખ કરતા જોવા મળ્યા હતા. ભાજપના નાના-મોટા નેતાઓ કહેતા હતા કે, 'જેઓ રામને લાવ્યા છે અમે તેમને લાવીશું'. રામમંદિરના મુદ્દાની રાજકીય પ્રયોગશાળા કહેવાતા યુપીમાં ભાજપે ચૂંટણીમાં ફાયદો મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ મામલો ભાજપને ભૂંડી રીતે નડી ગયો છે, કેમ કે ભાજપને એ જ અયોધ્યામાં ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. એટલું જ નહીં અયોધ્યાની આસપાસની તમામ બેઠકો પણ ગુમાવવી પડી હતી.
જનરલ સીટ પર દલિત ઉમેદવારે ભાજપને હરાવ્યો
રામના રાજકારણની રાજધાની કહેવાતા અયોધ્યામાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. બીજેપીના વર્તમાન સાંસદ અને ફૈઝાબાદ લોકસભા સીટના ઉમેદવાર લલ્લુ સિંહને સમાજવાદી પાર્ટીના દલિત ઉમેદવાર અવધેશ પ્રસાદે હાર આપી છે. અખિલેશ યાદવે ફૈઝાબાદ બેઠક પર એક નવીન પ્રકારનો રાજકીય પ્રયોગ કર્યો હતો. આ એક જનરલ બેઠક હતી અને તેમ છતાં અહીં દલિત સમાજમાંથી આવતા અવધેશ પ્રસાદને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જ્યાં તેમને 554289 મત મળ્યા હતા જ્યારે ભાજપના લલ્લુ સિંહને 499722 મત મળ્યા હતા. આ રીતે અવધેશ પ્રસાદ 54567 મતોથી જીત્યા હતા. આ એ જ ફૈઝાબાદ લોકસભા મતવિસ્તાર છે, જેને અયોધ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ અયોધ્યામાં એક દલિત ઉમેદવારે જનરલ સીટ પર ચૂંટણી લડીને ભાજપના ઉમેદવારને પછડાટ આપી છે.
આ પણ વાંચો: ‘રામ’ને ખબર નથી મેરઠના મુદ્દાઓ, લોકોએ અરુણ ગોવિલને ટ્રોલ કર્યા
રામમંદિરની કોઈ અસર જોવા ન મળી
આ વર્ષની શરૂઆતમાં અયોધ્યામાં રામ મંદિરની કથિત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે મંદિરનો અભિષેક કર્યો હતો. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં વિપક્ષોના સામેલ ન થવાને રાજકીય મુદ્દો બનાવી દેવાયો. જ્યારે કોંગ્રેસ અને સપા સહિતના મોટા વિપક્ષી નેતાઓએ આ કાર્યક્રમથી પોતાને દૂર રાખ્યા ત્યારે ભાજપ દ્વારા તેમના પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. એ પછી ચૂંટણી પ્રચારમાં ભાજપે કહ્યું હતું કે જો સપા-કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં આવશે તો તેઓ રામ મંદિર પર બુલડોઝ ચલાવી દેશે અને રામલલ્લાને ફરીથી તંબુમાં મોકલી દેશે. જો કે, ભાજપનો આ નકારાત્મક પ્રચાર લોકોને ગળે ઉતર્યો નહોતો. જેનું પરિણામ એ આવ્યું કે, ભાજપ માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ અયોધ્યાની આસપાસના 100-100 કિલોમીટર સુધીના વિસ્તારમાં પણ ભૂંડી રીતે હારી ગયું.
આ પણ વાંચો: મોદીનું ત્રીજીવાર વડાપ્રધાન બનવાનું સપનું નીતિશ સાકાર નહીં થવા દે?
અયોધ્યા સીટ પર ચૂંટણી હારવાની સાથે ભાજપે અયોધ્યા વિસ્તારમાં સામેલ ફૈઝાબાદ, બારાબંકી, આંબેડકર નગર, સુલતાનપુર અને અમેઠી લોકસભા બેઠકો પણ ગુમાવી દીધી છે. એટલું જ નહીં અયોધ્યાને અડીને આવેલી બસ્તી, શ્રાવસ્તી અને જૌનપુર બેઠકો પણ ભાજપ બચાવી શકી નથી. યોગી સરકારે એરપોર્ટથી લઈને અયોધ્યા સુધી તમામ પ્રકારના વિકાસ કામો કરાવ્યા, પરંતુ કોઈ રાજકીય અસર જોવા મળી નથી. રાજ્યની સૌથી હોટ સીટ અયોધ્યામાં રાજકીય જંગ જીતવાની સાથે સમાજવાદી પાર્ટી આસપાસની તમામ બેઠકો જીતવામાં સફળ રહી હતી.
ફ્ક્ત કૈસરગંજ-ગોંડા બેઠક પર જ જીત મળી
અયોધ્યા આસપાસના વિસ્તારમાં ફક્ત ગોંડા બેઠક જીતવામાં ભાજપ સફળ રહી હતી. આ સિવાય અયોધ્યાથી બલિયા સુધીના વિસ્તારમાં ભાજપનો સંપૂર્ણ સફાયો થઈ ગયો હતો. અયોધ્યાને અડીને આવેલી બારાબંકી સીટ પર કોંગ્રેસના ઉમેદવાર તનુજ પુનિયાએ ભાજપના ઉમેદવાર રાજરાની રાવતને 215704 મતોથી હરાવ્યા છે. તેવી જ રીતે ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અયોધ્યાને અડીને આવેલી અમેઠી લોકસભા સીટ પરથી કોંગ્રેસના કિશોરી લાલ શર્મા સામે 1 લાખ 62 હજાર મતોથી હાર્યા હતા. અયોધ્યાને અડીને આવેલી અન્ય એક સુલ્તાનપુર લોકસભા સીટ પર સપાના રામ ભુઆલ નિષાદ બીજેપીના વરિષ્ઠ નેતા મનિકા ગાંધીને હરાવવામાં સફળ રહ્યા હતા.
સમાજવાદી પાર્ટી પહેલીવાર બસ્તી સીટ જીતી
સપા તેના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર અયોધ્યાને અડીને આવેલી બસ્તી લોકસભા સીટ જીતવામાં સફળ રહી છે. આ બેઠક ભાજપ માટે મજબૂત માનવામાં આવતી હતી, જ્યાંથી હરીશ દ્વિવેદીને સપાના રામ પ્રસાદ ચૌધરીએ હરાવ્યા હતા. આ જ અયોધ્યાને અડીને આવેલી બીજી બેઠક આંબેડકર નગર છે, જેમાં અયોધ્યા જિલ્લાની ગોસાઈગંજ બેઠક પણ સામેલ છે, જ્યાંથી સપાના ધારાસભ્ય અભય સિંહ ભાજપ સાથે ઉભા હતા. આ સિવાય જલાલાબાદના સપા ધારાસભ્ય રાકેશ પાંડેએ પણ બળવો કર્યો હતો. આમ છતાં, સપાના ઉમેદવાર લાલજી વર્મા આંબેડકર નગર બેઠક પરથી ભાજપના રિતેશ પાંડેને હરાવવામાં સફળ રહ્યા હતા. આ તમામ સીટો સિવાય અયોધ્યા જિલ્લા સાથે જોડાયેલી લોકસભા બેઠકોને અડીને આવેલા પૂર્વાંચલના બાકીના વિસ્તારોમાં પણ ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
શા માટે આવું થયું?
અયોધ્યા જેવા વિસ્તારમાં ભાજપની ભૂંડી હારનું સ્પષ્ટ તારણ કાઢતા રાજકીય નિષ્ણાતો જણાવે છે કે, લોકોએ ધર્મના નામે રાજકારણ કરીને પોતાનું રાજ ચલાવતા જવાની ભાજપની ચાલને સફળત થવા દીધી નથી. અયોધ્યામાં સેંકડો લોકોના ઘરો પર કારણ વિના જ બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકો બેઘર બની ગયા હતા. અયોધ્યામાં રીતસરના બે ભાગ પડી ગયા હતા. અહીં રામમંદિર આસપાસનો આખો વિસ્તાર બ્રાહ્મણો અને ભાજપના નેતાઓએ કબજે કરી લીધો હતો. જેના કારણે સામાન્ય માણસનું કોઈ ભલું થયું નહોતું. મંદિર આસપાસના તમામ ધંધા રોજગાર પર ભાજપના નેતાઓએ અને તેમના સગાઓએ કબ્જો જમાવી લીધો હતો.
આ પણ વાંચો: ચંદ્રાબાબુ નાયડુઃ પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત....
આ સિવાય રામમંદિરમાં જે રીતે વડાપ્રધાન મોદીએ પોતાને રામ કરતા પણ પોતે મોટા હોવાનો જે માહોલ ઉભો કર્યો હતો તે અયોધ્યાવાસીઓને ગમ્યો નથી. ભાજપના નેતાઓ એવો પ્રચાર કરી રહ્યા હતા કે, મોદી રામને અયોધ્યામાં પરત લાવ્યા છે - આ વાત અયોધ્યાના લોકોને બરાબરની ખટકી હતી. આ સિવાય સૌથી મોટો મુદ્દો હિંદુત્વવાદીઓની રંજાડ રહી. ખાસ કરીને લઘુમતી સમાજ પર કથિત હિંદુત્વવાદી તત્વોએ જે અત્યાચારો કરવા માંડ્યા હતા તેના કારણે સરેરાશ સદભાવ ધરાવતો દરેક મતદાર અંદરથી દુખી થયો હતો. નિર્દોષ લોકોને કારણ વિના માર મારવો, તેમના ઘર તોડી પાડવા જેવા મુદ્દાઓનો ઘા મતાદારોએ મતદાન કરીને કાઢ્યો હતો. યુપીમાં યુવાનો ભયંકર બેરોજગારીનો સામનો કરી રહ્યાં છે, સરકારી નોકરી માટે ગમે તેટલી મહેનત કરે તો પણ મળતી નથી. અગ્નિવીર યોજના, પેપરલીક સાથે સતત વધતી જતી મોંઘવારીને કારણે સૌ ભાજપ સરકારથી ત્રસ્ત થઈ ગયા હતા. જેનું સ્પષ્ટ પરિણામ અયોધ્યામાં ભાજપની હારમાં પ્રતિબિંબિત થાય છે.
આ પણ વાંચો: ભાજપ ક્યાં ચૂક્યો? ૪૦૦ તો દૂર 250ના પણ ફાંફા