કાશી-વૃંદાવનમાં દર્શન કરીને પરત ફરી રહેલી બસમાં આગ લાગી, 9નાં મોત

કાશી અને વૃંદાવનમાં દર્શન કરીને પરત ફરી રહેલી એક બસમાં આગ લાગતા 9 લોકોના મોત થયા છે અને 24થી વધુ લોકો દાઝી ગયા છે.

કાશી-વૃંદાવનમાં દર્શન કરીને પરત ફરી રહેલી બસમાં આગ લાગી, 9નાં મોત
image credit - Google images

કાશી અને વૃંદાવનમાં ભગવાનના દર્શન કરીને પરત ફરી રહેલી એક ટુરિસ્ટ બસમાં અચાનક આગ લાગી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. હરિયાણાના નુહમાં ટુરિસ્ટ બસમાં બનેલી આ દુર્ઘટનામાં લગભગ ૬૦ લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી ૯ લોકોના મોત થયા છે અને ૨૪ ઘાયલ થયા છે. દુર્ઘટના નૂહ જિલ્લાના તાવડુ સબ ડિવિઝનની સરહદમાંથી પસાર થતા કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વે પર બની હતી.

મળતી માહિતી મુજબ, દુર્ઘટના રાત્રે લગભગ ૧.૩૦ વાગે બની હતી. બસમાં મુસાફરી કરી રહેલા મોટાભાગના લોકો ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા નીકળ્યા હતા અને બનારસ અને વૃંદાવનથી પરત ફરી રહ્યા હતા. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ આગ ઓલવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ તે પહેલા સ્થાનિક લોકોએ આવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રામજનો અને ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમતથી આગને કાબુમાં લીધી હતી. સરકારી શહીદ હસન ખાન મેવાતી મેડિકલ કોલેજ, નલ્હારમાં ૯ મૃતદેહો આવ્યા છે, જેમાંથી ૬ મહિલાઓ અને ૩ પુરૂષો છે. અકસ્માતનો ભોગ બનેલા લોકો પંજાબ અને ચંદીગઢના રહેવાસી હોવાનું કહેવાય છે, જેઓ મથુરા અને વૃંદાવનની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા. માહિતી મળ્યા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. 

આ પણ વાંચો: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હોળી રમતી વખતે ગર્ભગૃહમાં આગ લાગી, 13 પૂજારીઓ દાઝ્યાં

બસમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુ સરોજ પુંજ અને પૂનમે જણાવ્યું હતું કે તેઓ ગયા શુક્રવારે ટુરિસ્ટ બસમાં ભાડા પર બનારસ અને મથુરા વૃંદાવન ગયા હતા. બસમાં મહિલાઓ અને બાળકો સહિત ૬૦ લોકો સવાર હતા. તે બધા નજીકના સગા હતા, જેઓ પંજાબના લુધિયાણા, હોશિયારપુર અને ચંદીગઢના રહેવાસી હતા અને શુક્રવાર-શનિવારે રાત્રે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. મોડી રાત્રે બસમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી. સ્થાનિક ગ્રામજનોની મદદથી તેને કોઈ રીતે બચાવી લેવાઈ હતી. 

મદદ માટે સ્થળ પર પહોંચેલા ગામવાસીઓ સાબીર, નસીમ, સાજીદ અને એહસાન વગેરેએ જણાવ્યું કે રાત્રે લગભગ ૧: ૩૦ વાગ્યે તેમણે ચાલતી બસમાં આગ લાગેલી જોઈ હતી. તેમણે બૂમો પાડીને ડ્રાઈવરને બસ રોકવા કહ્યું, પરંતુ બસ ઉભી ન રહી. ત્યારબાદ એક મોટરસાઇકલ સવાર યુવકે બસનો પીછો કરીને ડ્રાઇવરને આગ અંગે જાણ કરી હતી. એ પછી બસ બંધ થઈ ગઈ પરંતુ ત્યાં સુધીમાં આગ વિકરાળ બની ચૂકી હતી. ગ્રામજનોએ આગ ઓલવવા તમામ પ્રયાસો કર્યા હતા. પોલીસને પણ જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલા ગ્રામજનોના જણાવ્યા અનુસાર પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ મોડી પહોંચી હતી. ત્યાં સુધીમાં બસમાં સવાર લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા, જેમાંથી આઠના મોત થયા હતા. આ પછી તાવડુ સદર પોલીસ સ્ટેશને એમ્બ્યુલન્સ બોલાવી અને ઘાયલોને હોસ્પિટલ મોકલ્યા. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અધિક્ષક નરેન્દ્ર બિજરાનિયા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ પણ વાંચો: શા માટે ધર્મસ્થળો માણસોથી ઉભરાય છે? આ રહ્યો તર્કબદ્ધ જવાબ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.