અયોધ્યામાં રામના નામે જમીન કૌભાંડનો નવો અધ્યાય...

અયોધ્યા લોકસભાની ચૂંટણીમાં ભાજપની હાર માટે અને હવે અહીં નેતાઓ, બિલ્ડરો, અધિકારીઓ દ્વારા રામના નામે જમીન પડાવી લેવાને લઈને ચર્ચામાં છે. વાંચો આ રિપોર્ટ.

અયોધ્યામાં રામના નામે જમીન કૌભાંડનો નવો અધ્યાય...
image credit - Google images

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજકાલ ભગવાન રામ કરતા પણ વધુ ચર્ચા અહીંના જમીન કૌભાંડની થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ પણ પુષ્ટિ કરી રહ્યા છે કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ અયોધ્યા અને આસપાસના વિસ્તારોમાં જમીનની કિંમતો ઝડપથી વધી છે. તેનો લાભ લેવા માટે નેતાઓ, બિલ્ડરો, આઈએએસ, આઈપીએસ સહિતની ઉચ્ચ લોબીએ અહીં સસ્તા ભાવે જમીન ખરીદી હતી અને પછી કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. આરોપ છે કે અયોધ્યામાં જમીનની ખરીદી અને વેચાણમાં મોટા પાયે ગેરરીતિઓ થઈ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ કૌભાંડમાં ઘણા મોટા નેતાઓ, બિલ્ડરો, ડેવલપર્સ, ભૂમાફિયાઓ અને અધિકારીઓ પણ સામેલ છે.

અયોધ્યામાં જમીનના ખરીદ-વેચાણમાં કૌભાંડના આરોપો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. લાંબા સમયથી આ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હાલમાં આ મામલે રાજકારણ તેજ બન્યું છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે અયોધ્યામાં સ્થાનિક લોકોને તેમની જમીનની વાજબી કિંમત મળી નથી જ્યારે બહારના લોકો એ જ જમીનમાંથી કરોડો રૂપિયાનો નફો કમાઈ રહ્યા છે. 

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું છે કે ભાજપના શાસન દરમિયાન જમીનની ખરીદી અને વેચાણમાં મોટા પાયે કૌભાંડો થયા છે. તેમનું કહેવું છે કે અયોધ્યામાં બહારના લોકોએ આવીને જમીન ખરીદી છે, સ્થાનિક લોકોને તેનો બિલકુલ ફાયદો નથી થયો. આ જમીનો માત્ર અયોધ્યામાં જ નહીં, પરંતુ ગોંડા, બસ્તી અને અન્ય નજીકના જિલ્લાઓમાં પણ ખરીદવામાં આવી છે. સ્થિતિ એવી છે કે અયોધ્યામાંથી પસાર થતા હાઈવેની બંને બાજુના વીસ-ત્રીસ કિલોમીટરની અંદરના કોઈપણ ગામમાં હવે ભાગ્યે જ કોઈ કોમર્શિયલ પ્લોટ ઉપલબ્ધ છે.

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી માત્ર ભક્તોની જ અવરજવર નથી વધી, પરંતુ વેપારના નવા રસ્તા પણ ખુલ્યા છે. દરમિયાન, સરકારે ધાર્મિક પર્યટનના દૃષ્ટિકોણથી અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોના વિકાસની જાહેરાત કરી હતી. ખાનગી વસાહતો બનાવનારાઓ ઉપરાંત, યુપી હાઉસિંગ ડેવલપમેન્ટ કાઉન્સિલ અહીં 1800 એકરમાં એક ટાઉનશિપ પણ બનાવી રહી છે. આ બધાં કારણોને લીધે અયોધ્યા મોટા ઉદ્યોગપતિઓ અને ધંધાદારીઓ ઉપરાંત ભૂમાફિયાઓ અને દલાલોની નજરમાં આવી ગયું. હોટલો, રહેણાંક પ્રોજેક્ટ્સ અને વ્યાપારી સંસ્થાઓ માટે માંગમાં વધારો થતાં જમીનના ભાવ આસમાને પહોંચ્યા. આનો લાભ લઈને ઘણાં ભૂમાફિયાઓ અને બહારના લોકોએ સસ્તા ભાવે જમીનો ખરીદીને જંગી નફો મેળવવાનો પ્રયાસ કર્યો અને તેમાં સફળતા પણ મળી.

હાલમાં જ ઇન્ડિયન એક્સપ્રેસે આ મામલે એક મજબૂત રિપોર્ટિંગ સ્ટોરી કરી હતી. એ મુજબ અયોધ્યામાં જમીન કૌભાંડનો મામલો ખૂબ જ ગંભીર છે અને તેમાં ઘણા મોટા લોકો અને ગ્રુપ સામેલ છે. રિપોર્ટ મુજબ, અરુણાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી, યુપી એસટીએફના વડા અમિતાભ યશ, યુપીના ગૃહ વિભાગના સચિવ સંજીવ ગુપ્તા અને પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના સાંસદ પુત્ર કરણ ભૂષણ સહિત ઘણાં મોટા નેતાઓ અયોધ્યામાં જમીન ખરીદીને નફો રળનારાઓમાં સામેલ છે. આ સિવાય ઈન્ડિયન એક્સપ્રેસે ઘણા મોટા બિલ્ડરો અને ખાનગી કોલોનીઓનું નિર્માણ કરનારાઓ પર પણ આરોપો લગાવ્યા છે. અખબારના જણાવ્યા અનુસાર, આ મામલાની નિષ્પક્ષ તપાસ ખૂબ જ જરૂરી છે જેથી ભવિષ્યમાં આવા કૌભાંડો ફરી ન થાય.

આ પણ વાંચો: અયોધ્યા તો દૂર, આસપાસના 100 કિમી વિસ્તારમાં ભાજપ જીતી ન શકી!

વિપક્ષી નેતાઓનું કહેવું છે કે ગરીબો અને ખેડૂતો પાસેથી ઓછા ભાવે જમીન ખરીદી લેવી એ એક પ્રકારની ભૂમાફિયાગીરી છે. જે જમીનમાંથી ગરીબો, ખેડૂતોને ફાયદો મળવો જોઈતો હતો તે જમીન રાજકારણીઓ, અધિકારીઓ, વચેટિયાઓ અને જમીન માફિયાઓએ પચાવી પાડી હતી. રામ મંદિરનું નિર્માણ થયું ત્યારથી જ અયોધ્યામાં જમીન ખરીદવાની હોડ લાગતી રહી છે. દરેક પૈસાદાર પરિવારથી લઈને દરેક મોટા નેતા અને અધિકારીઓ અહીં જમીન ખરીદવામાં વ્યસ્ત છે. વિપક્ષનો આરોપ છે કે તેનાથી સ્થાનિક લોકોને એક પૈસા જેટલો પણ ફાયદો થયો નથી. ઉલટું, તેમને પોતાની મહામૂલી જમીનો નીચા ભાવે વેચવાની ફરજ પડી છે.

અલ્હાબાદ હાઈકોર્ટના વકીલ અજય મિશ્રાના જણાવ્યા અનુસાર, કૌભાંડના આરોપો એમ જ નથી લગાવવામાં આવી રહ્યાં. અયોધ્યા સહિત આસપાસના ઘણાં જિલ્લાઓમાં છેલ્લા સાત વર્ષથી જમીનના સરકારી ભાવમાં વધારો થયો નથી. આ અંગે અયોધ્યાના કેટલાક લોકોએ હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી, પરંતુ હજુ સુધી આ મામલે કંઈ થયું નથી. દેખીતી રીતે, જમીનના સરકારી ભાવ અને માર્કેટ રેટ વચ્ચે અનેક ગણો તફાવત છે. આવી સ્થિતિમાં કોણ કહી શકશે કે કોણે કેટલી કિંમતમાં જમીન ખરીદી અને કેટલામાં વેચી? હવે જો સરકારી ભાવ નહીં વધારવામાં આવે તો તેની અસર માત્ર જમીનની કિંમત જ નહીં પરંતુ તેના માટે મળતા સરકારી વળતર પર પણ પડશે. જમીન સંપાદન દરમિયાન ઉત્તર પ્રદેશમાં ગ્રામીણ વિસ્તારોમાં સરકારી ભાવનું ચારગણું વળતર મળે છે. શહેરી વિસ્તારોમાં વળતરનો દર સરકારી ભાવ કરતા બમણો છે. આવી સ્થિતિમાં સ્થાનિક રહીશોને નુકસાન થવું સ્વાભાવિક છે.

અયોધ્યામાં જમીન કૌભાંડના આરોપો નવા નથી. અગાઉ મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકો પર સ્થાનિક લોકો પાસેથી સસ્તામાં જમીન ખરીદીને મંદિર ટ્રસ્ટને અનેક ગણી ઊંચી કિંમતે વેચવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ સુલતાન અંસારી નામના પ્રોપર્ટી ડીલરનું નામ પણ સામે આવ્યું હતું, જેના દ્વારા આ પ્રકારની ગેમ રમવામાં આવતી હતી. વિપક્ષોએ ત્યારે આ મામલે તપાસની માંગ કરી હતી પરંતુ કંઈ ખાસ થયું નહીં અને સમય જતાં મામલો દબાઈ ગયો હતો. આ સિવાય અહીં ગરીબોની જમીનો પર ગેરકાયદે કબજો જમાવાયાના પણ આક્ષેપો થયા હતા.

અયોધ્યાના એક સ્થાનિક કહે છે, "લોકો તેમની જમીનના કાગળો લઈને એક ઓફિસથી બીજી ઓફિસ ભટકી રહ્યા છે, પરંતુ તેમની વાત સાંભળવામાં આવતી નથી. તમામ જમીન ભૂ માફિયાઓના કબજામાં છે. ગેરકાયદેસર કબ્જો જમાવનારા જમીન વેચે છે. વેચાણના ખતની વાત આવે ત્યારે મૂળ જમીન માલિકને અમુક રકમ ચૂકવીને મામલો થાળે પડે છે. એકંદરે જીસ કી લાઠી ઉસકી ભેંસ જેવો છે. આખો બિઝનેસ રાજકારણીઓ, અધિકારીઓ અને મોટા લોકોની મિલીભગતથી ચાલી રહ્યો છે. ગરીબોનું ક્યાંય કોઈ સાંભળતું નથી. નકલી દસ્તાવેજો બનાવીને પણ ઘણી જમીન વેચવામાં આવી હતી.

અન્ય એક સ્થાનિકનું કહેવું છે કે, રામ મંદિરના નિર્માણ બાદ તમામ ધંધામાં બહારના લોકોની દખલગીરી વધી ગઈ છે. જો અયોધ્યામાં યોગ્ય તપાસ કરવામાં આવે તો લખનૌ, ગોરખપુર, દિલ્હી અને ગુજરાત સુધીના લોકો બાંધકામ, કોન્ટ્રાક્ટ, કોલોની બનાવવા, જમીન ખરીદવા, હોટલ બનાવવા, રસ્તા બનાવવા અને અન્ય ધંધામાં ઘૂસી આવ્યા છે. સ્થાનિક લોકો પાસે તેમની સાથે સ્પર્ધા કરવા માટે પૂરતા પૈસા પણ નથી. સ્થિતિ એવી છે કે એક પછી એક ટ્રસ્ટ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સરકારી કોન્ટ્રાક્ટ પણ “બહારના લોકો” પાસે જઈ રહ્યા છે. આ કહેવાતા વિકાસનો કોઈ લાભ સ્થાનિક લોકોને મળી રહ્યો નથી.

આ પણ વાંચો: બુલડોઝરઃ અયોધ્યામાં ભાજપની હારનું એક મોટું ફેક્ટર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.