‘દલિત ચેતના’ કાર્યક્રમમાં પરસોત્તમ જાદવ, સાહિલ પરમાર, આત્મારામ ડોડીયાની કવિતાઓ છવાઈ

અમદાવાદમાં બે દિવસ પહેલાં યોજાયેલા ‘દલિત ચેતના’ કાર્યક્રમમાં પાંચ દિગ્ગજ દલિત કવિઓએ પોતાની રચનાઓ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રજાનો દિવસ ન હોવા છતાં હકડેઠઠ મેદની વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં પરસોત્તમ જાદવ, સાહિલ પરમાર, આત્મારામ ડોડીયા, રમણ વાઘેલા અને પ્રવીણ ગઢવીએ રંગ રાખ્યો હતો. વાંચો સમગ્ર કાર્યક્રમનો અહેવાલ.

‘દલિત ચેતના’ કાર્યક્રમમાં પરસોત્તમ જાદવ, સાહિલ પરમાર, આત્મારામ ડોડીયાની કવિતાઓ છવાઈ

તા. 24મી જાન્યુઆરી 2024ને બુધવારના રોજ કેન્દ્રીય સાહિત્ય અકાદમી અને ઓમ કોમ્યુનિકશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી સાહિત્ય પરિષદના હોલમાં ‘દલિત ચેતના’ કાર્યક્રમ અંતર્ગત પાંચ દિગ્ગજ દલિત કવિઓએ પોતાની રચનાઓથી શ્રોતાઓને જલસો કરાવી દીધો હતો. પૂર્વ સમાજ કલ્યાણ નિયામક અને સવાઈ દલિત સાહિત્યકાર પ્રવીણ ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં રજાનો દિવસ ન હોવા છતાં અને લગ્નની મોસમ હોવા છતાં આખો હૉલ શ્રોતાઓથી ભરાઈ ગયો હતો અને સૌ કોઈએ ભારે ઉત્સાહથી આ કાર્યક્રમ માણ્યો હતો.

શરૂઆત અકાદમીના પ્રમુખ ઓમપ્રકાશ નાગરના સ્વાગત પ્રવચનથી થઈ હતી. એ પછી કવિતાપઠનની શરૂઆત સાત દલિત કાવ્ય સંગ્રહો - જેમાં એક તો બાબાસાહેબને અંજલિ આપતો "મસીહા" નામનો ગઝલસંગ્રહ આપનાર કવિ આત્મારામ ડોડિયાએ બાબાસાહેબને અંજલિ આપતી ગઝલ 'પ્રેરણા પુરુષને' થી કરી હતી. 

એ પછી 'ત્રાસ લાગું છું', 'વરઘોડા', 'આકાર ઘણા છે', 'મહેરબાનો' કાવ્યો રજૂ કર્યા હતાં, જેને શ્રોતાઓનો જબરદસ્ત પ્રતિભાવ સાંપડ્યો હતો.

પછી જેમના "ઝીબ્રા ક્રોસિંગ", “ચૈત્ય ભૂમિ” અને બીજો એક કાવ્યસંગ્રહ એમ ત્રણ કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે તેવા કવિ અરવિંદ વેગડાએ 'ઘર તરફ', 'ધુમાડો', 'પડછાયાની પીડા',  'નવો ઈતિહાસ' અને 'હળવેથી ચાલ' કવિતાઓ વાંચી હતી, જેને શ્રોતાઓએ આનંદથી વધાવી લીધી હતી.

જેમના ‘વ્યથાપચીસી' અને 'મથામણ" એમ બે કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે તેવા  કવિ સાહિલ પરમારે 'વેદનાઓ એકધારી' ગઝલ, 'આમથેરા આવજો' 'જાતિ' ‘ઉદારીકરણ' અને 'સૂટ ધારીએ પૂછ્યું'તું' કવિતાઓ રજૂ કરી હતી, જેને શ્રોતાઓએ ઉમળકાથી વધાવી લીધી હતી.

કવિ રમણ વાઘેલાએ બે ગઝલ અને 'અમથું અમથું અડ્યા' 'કરમ અમારું કાઠું, મનવા' અને ભલે ધોધમાર વરસ્યો' (ત્રણે ત્રણ ગીત) રજૂ કર્યાં હતાં જેને શ્રોતાઓએ હરખથી વધાવી લીધાં હતાં.

તળપદી બોલીના બાદશાહ કવિ પુરુષોત્તમ જાદવે 'પગ' 'આ ગામ' 'ગામ છોડો' 'તું જાગનઅ' અને એક ગીત રજૂ કર્યું હતું જેને શ્રોતાઓએ હેતપૂર્વક વધાવી લીધું હતું.

અંતે જેમના આઠ કાવ્યસંગ્રહો અને 6 વાર્તાસંગ્રહો પ્રકાશિત થયા છે તેવા કાર્યક્રમના અધ્યક્ષ પ્રવીણ ગઢવી એ તેમની પાંચ કવિતાઓ રજૂ કરી હતી.

દરેક કવિના કાવ્યપાઠ પછી આખો હૉલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠતો હતો બે કલાકના આ કાર્યક્રમને શ્રોતાઓએ મન ભરીને માણ્યો હતો.

અંતે, કાર્યક્રમમાં રજૂ થયેલી પુરુષોત્તમ જાદવની એક કવિતાઃ

પગ
રસ્તો હતો;
પગ હતા,
પણ પગલાં નહોતાં!
પગલાં વગરના પગે
મર્યા કર્યું કે પછી,
જીવ્યા કર્યું..
જે હોય તે.
પણ, પગ છે તો હવે, ચાલશે!
પગનો સ્વભાવ છે -
પાડશે પગલાં...
પગને હવે, રોકી શકાશે નહીં;
પગને હવે, ટોકી શકાશે નહીં,
પગને હવે, ઠોકી શકાશે નહીં.
જીવવું હોય તો જીવો હવે;
મરવું હોય તો મરો હવે,
જે કરવું હોય તે કરો હવે.
પણ પગ છે તો હવે, ચાલશે...!
પગનો સ્વભાવ છે -
પાડશે પગલાં, 
કુમકુમ...
બહુ ઠોકરો ખાધી પગે,
હવે મારશે ય ખરા!
પગ પાસે ય વિચાર છે
ને આગવા ઉપચાર છે.
પગ હવે સ્પર્ધક છે. 
દોડશે...
છલાંગો ભરશે...
ભલે હોય કપરાં ચઢાણ
શે...


ભલે હોય ઊંચેરાં ઉડાણ
શે...શે...ડ... ડ... ઊ
પગને હવે, પાંખો ફૂટી છે;
પગને હવે, આંખો ફૂટી છે,
પગની નજરમાં આશ છે;
પગના સપનાં ય ખાસ છે.
પગ હવે, આગળ છે.
દુનિયા આખી પાછળ છે.
પગ હવે, આગળ છે...

(અહેવાલ - સાહિલ પરમાર) (લેખક દિગ્ગજ દલિત કવિ અને ઉચ્ચ કોટિના બહુજન સાહિત્યકાર છે)

આ પણ વાંચો : અમદાવાદ ખાતે ‘દલિત સાહિત્ય અને ઉપેક્ષિત સમાજ’ વિષય પર રાજ્ય કક્ષાનો પરિસંવાદ યોજાયો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.