Alt News ના મોહમ્મદ ઝુબેરને તમિલનાડુ સરકારે કોટ્ટાઈ અમીર કોમ્યુનલ હાર્મની ઍવોર્ડથી સન્માનિત કર્યા
તમિલનાડુમાં કોટ્ટાઈ અમીર કોમ્યુનલ હાર્મની એવોર્ડ વ્યક્તિને સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપવા માટે તેમની ઉત્કૃષ્ટ સેવાઓ માટે આપવામાં આવતો પુરસ્કાર છે. જેમાં આ વર્ષો ઓલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબેરની પણ પસંદગી કરવામાં આવી છે.

Alt News ના કો-ફાઉન્ડર મોહમ્મદ ઝુબેરને તમિલનાડુની સ્ટાલિન સરકારે સન્માનિત કર્યા છે. ઝુબેરની ફેક્ટ-ચેકિંગ અને જવાબદાર રિપોર્ટિંગ દ્વારા સામાજિક સૌહાર્દને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં લઈને ડીએમકે સરકારે વર્ષ-૨૦૨૪ માટે તેમને કોટ્ટાઈ અમીર કોમ્યુનલ હાર્મની એવોર્ડથી નવાજ્યા છે.
મોહમ્મદ ઝુબેરનું કામ ફેક ન્યૂઝને કારણે સમાજમાં ફેલાતી હિંસાની ઘટનાઓને રોકવામાં મદદ કરે છે. માર્ચ ૨૦૨૩માં, સોશિયલ મીડિયા પર એક એવો મેસેજ વાયરલ થયો હતો કે તમિલનાડુમાં સ્થળાંતર થયેલા કામદારો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. વિડિયો ફૂટેજની સત્યતા ચકાસ્યા પછી ઝુબેરે ઓલ્ટ ન્યૂઝની વેબસાઈટ પર પ્રકાશિત કર્યું કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા આ વિડિયોમાંના ફૂટેજ વાસ્તવમાં તમિલનાડુમાંથી લેવામાં આવ્યા ન હતા. આ રીતે તમિલનાડુ વિરુદ્ધ અફવાઓ ફેલાતી અટકાવવામાં આવી હતી અને હિંસાને રોકવા માટે સરકારે કાર્યવાહી કરી હતી.
કોટ્ટાઈ અમીર કોમ્યુનલ હાર્મની એવોર્ડ એ તામિલનાડુની વ્યક્તિને સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપવા માટે તેમની ઉત્કૃષ્ટ સેવાઓ માટે આપવામાં આવતો એવોર્ડ છે. આ પુરસ્કાર દર વર્ષે ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવે છે. આ એવોર્ડમાં રૂ. ૨૫,૦૦૦ રોકડ પુરસ્કાર, મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.
ઝુબેરનું કામ ખરેખર તો લાખો કરોડોની જાહેરાતો મેળવતી અને હજારો પત્રકારો અને તંત્રીઓથી સજ્જ ગોદી મીડિયાએ કરવું જોઈએ, પરંતુ તે એકલવીર ઝુબેર કરી રહ્યાં છે. તે દરરોજ જોખમ લે છે અને જૂઠાણાં તથા અફવાઓ ફેલાવતા ન્યૂઝને પકડી પાડે છે. ઝુબેરનું અસ્તિત્વ દર્શાવે છે કે ગોદી મીડિયાની હવે કોઈ લાયકાત નથી રહી. ઝેરની જેમ ફેલાવવામાં આવતા જૂઠાણાને ખોટા સાબિત કરવાની હિંમત ગોદી મિડિયામાં બચી નથી. જો ઈચ્છાશક્તિ હોત તો તે એક નહીં પણ ૧૦૦-૧૦૦ ઝુબેર પેદા કરી શક્યું હોત, પણ કમનસીબે ફૅક્ટ ચેકનો ભાર માત્ર ઝુબેર જેવા બે-ત્રણ લોકોના ખભા પર જ ટકેલો છે. જે બતાવે છે કે, લોકો કોઈપણ મહેનત કર્યા વિના જ બધું પ્રાપ્ત કરવા માંગે છે. ફૅક ન્યૂઝના ચોતરફી હુમલા વચ્ચે ઝુબેર જેવી વ્યક્તિ સામા પ્રવાહે અને કોઈની પણ તમાં રાખ્યા વિના એકલી ઉભી છે અને ટકેલી છે તે પ્રશંસાને પાત્ર છે.
આ પણ વાંચો : દલિત મુસલમાનની અજાણી વ્યથા અને ઉકેલની દિશા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.