સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી પ્રતિબંધ મૂકવા સુપ્રીમનો ઈનકાર

સોમનાથ મંદિર આસપાસ મુસ્લિમ સમુદાયના ઘરો અને ધાર્મિક સ્થળો તોડી પાડવા મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો જવાબ માંગ્યો છે.

સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી પ્રતિબંધ મૂકવા સુપ્રીમનો ઈનકાર
image credit - Google images

સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં સોમનાથ મંદિરની આસપાસ બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. સોમનાથ મંદિર પાસે મુસ્લિમ સમુદાયના ઘરો અને ધાર્મિક સ્થળો પર બુલડોઝરની કાર્યવાહી સામે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમના ૧૭ સપ્ટેમ્બરના આદેશની અવગણના કરીને અહીં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અરજીમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આગામી સુનાવણી ૧૬મી ઓક્ટોબરે જવાબ દાખલ કરવા જણાવ્યું છે.

સુપ્રીમે બુલડોઝરની કાર્યવાહી રોકવાનો ઈનકાર કર્યો અને કહ્યું કે રાજ્ય સરકારનો જવાબ આવવા દો. જો અમને લાગે છે કે અધિકારીઓએ કોર્ટની અવમાનના કરી છે, તો અમે તેમને ન માત્ર જેલમાં મોકલીશું પરંતુ તેમને ત્યાં અગાઉની સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે પણ આદેશ કરીશું.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. હવે આ કેસની આગામી સુનાવણી ૧૬મી ઓક્ટોબરે થશે. જો કે, કોર્ટે યથા સ્થિતિ જાળવવાની અરજીકર્તાની માંગને ફગાવી દીધી છે.

સુનાવણી દરમિયાન ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ કેસ ૨૦૦૩થી ચાલી રહ્યો છે. મુસ્લિમ સમાજ તરફથી સમસ્ત પટણી મુસ્લિમ જમાત દ્વારા સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ પિટીશન દાખલ કરવામાં આવી હતી. કન્ટેમ્પ પિટીશનમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અરજીમાં દરગાહ માંગરોળ શાહ બાબા, ઇદગાહ, પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર સોમનાથ સ્થિત અન્ય ઘણા બાંધકામોના કથિત ગેરકાયદેસર તોડી પાડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બુલડોઝરની કાર્યવાહી રોકવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સોમનાથમાં બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવાતા સ્થાનિક બ્રાહ્મણો ઉપવાસ પર ઉતર્યા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.