SC-ST અનામતમાં પેટા વર્ગીકરણની રિવ્યૂ પિટિશન સુપ્રીમે ફગાવી
એસસી-એસટી અનામતમાં પેટા વર્ગીકરણ સામે સામે કરાયેલી રિવ્યૂ પિટિશન સુપ્રીમે ફગાવી દીધી છે. જાણો કોર્ટે આ મામલે વધુ શું કહ્યું.
સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (SC) અને જનજાતિ (ST) માટે અનામત (Reservation) માં પેટા-વર્ગીકરણ (Sub Classification) અંગેના તેના નિર્ણય સામે દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે આ સંદર્ભમાં 1 ઓગસ્ટે જ પોતાનો ચુકાદો આપ્યો હતો અને કહ્યું હતું કે જો રાજ્ય સરકારોને જરૂરી લાગે તો એસસી અને એસટી ક્વોટામાં કેટલીક જાતિઓ માટે સબ-ક્વોટા નક્કી કરી શકાય છે.
સુપ્રીમ કોર્ટના આ ચૂકાદા સામે એસસી, એસટી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને દેશભરમાં મોટું આંદોલન પણ તેના પર ચાલી રહ્યું છે. સુપ્રીમના આ ચૂકાદા સામે અરજીઓ પણ દાખલ કરવામાં આવી હતી. જેના પર આજે સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે તેમના પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બહુજન સમાજને મોટો ઝટકો લાગ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની 7 જજોની બેન્ચે કહ્યું કે નિર્ણયમાં એવી કોઈ ભૂલ નથી કે જેમાં પુનર્વિચારની જરૂર હોય. કોર્ટે કહ્યું, 'અમે રિવ્યૂ પિટિશન જોઈ છે. એવું લાગે છે કે જૂના નિર્ણયમાં કોઈ ખામી નથી જેના પર પુનર્વિચાર થવો જોઈએ. તેથી સમીક્ષા અરજીઓ ફગાવી દેવામાં આવે છે. આ બેંચમાં જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ, બેલા એમ. ત્રિવેદી, પંકજ મિત્તલ, મનોજ મિશ્રા અને સતીશ ચંદ્ર શર્મા સામેલ હતા. કોર્ટે કહ્યું કે અરજીઓમાં કોઈ નક્કર આધાર આપવામાં આવ્યો નથી કે કોર્ટે 1 ઓગસ્ટના નિર્ણય પર શા માટે પુનર્વિચાર કરવો જોઈએ.
કોર્ટે 24 સપ્ટેમ્બરે આ અરજીઓ પર સુનાવણી કરી હતી, પરંતુ નિર્ણય આજ પર અનામત રાખ્યો હતો. આ અરજીઓ સંવિધાન બચાવો ટ્રસ્ટ, આંબેડકર ગ્લોબલ મિશન, ઓલ ઈન્ડિયા એસસી-એસટી રેલવે એમ્પ્લોઈઝ એસોસિએશન સહિત ઘણી બધી સંસ્થાઓ દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેના પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે 1 ઓગસ્ટે જ 6-1ની બહુમતીથી પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. જેમાં રાજ્ય સરકારોને એસસી અને એસટી ક્વોટાના પેટા વર્ગીકરણ માટે મંજૂરી આપવામાં આવી હતી. આ અંતર્ગત એવું કહેવામાં આવ્યું હતું કે જો આ કેટેગરીમાં કોઈ ચોક્કસ જાતિને અલગથી અનામત આપવાની જરૂર હોય તો તેના માટે આ ક્વોટા હેઠળ જ જોગવાઈ કરવામાં આવે છે.
કોર્ટના આ નિર્ણયને દલિત અને આદિવાસી સમાજનો મોટાભાગનો વર્ગ અનામતની મૂળ ભાવનાનો વિરોધી ગણાવે છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે દલિતોમાં પણ અનેક જાતિઓ છે અને આ વર્ગને એકરૂપ ગણી શકાય નહીં. તેથી જો કોઈ જ્ઞાતિને અનામત માટે વિશેષ જોગવાઈઓ આપવાની જરૂર હોય, તો તે પણ કરવી જોઈએ.
આ પણ વાંચો: મહાસંમેલનમાં સૌનો એક જ સૂરઃ સરકારની મેલી મુરાદ પૂરી નહીં થવા દઈએ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Kantilal Chudasamaઅનુસૂચિત જાતિ પૈકીની પેટા જ્ઞાતિ એટલે કે ખૂબ અંત્યોદય સમાજ ને હજુ ગુજરાત સરકાર દ્વારા જોઈએ એવો લાભ મળતો નથી મોટાભાગનો લાભ મોટા સમાજને મળે છે અને અંત્યોદય સમાજ નો વિકાસ રૂંધાય છે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા જે જજમેન્ટ આપેલ છે તેમાં રાજ્ય સરકાર દ્વારા વિચાર કરી નાના નાના સમાજોને પણ વધુમાં વધુ અનામતના લાભ મળે તેની કાર્યવાહી કરવી જોઈએ ????????