દલિત દંપતિને નિર્વસ્ત્ર કરી ફટકાર્યું, પત્નીની સામે જ પતિના મોંમાં પેશાબ કર્યો

એક ગામમાં દલિત દીકરીના લગ્ન દરમિયાન લુખ્ખાઓએ દલિત દંપતિને નિર્વસ્ત્ર કરીને માર માર્યો, પછી પત્નીની નજર સામે જ પતિના મોંમાં પેશાબ કર્યો હતો.

દલિત દંપતિને નિર્વસ્ત્ર કરી ફટકાર્યું, પત્નીની સામે જ પતિના મોંમાં પેશાબ કર્યો
પ્રતિકાત્મક તસવીર, image credit - Google images

દેશમાં દલિતો પર અત્યાચારની જે પણ ઘટનાઓ બને છે તેમાં દિનપ્રતિદિન ઘટાડો થવાને બદલે વધારો થઈ રહ્યો છે. એમાં પણ આરોપીઓ જે રીતે ક્રૂરતાની હદ વટાવી રહ્યાં છે તે જોઈને કોઈપણ વ્યક્તિનું માથું શરમથી ઝૂકી જાય. જો વ્યક્તિ ગરમ મિજાજની હોય તો તે પિત્તો ગુમાવી બેસે અને ન કરવાનું કરી જાય. 

દલિત અત્યારની આવી જ એક ક્રૂર ઘટના સામે આવી છે જે વાંચીને કોઈપણ વ્યક્તિનું લોહી ગરમ થઈ ઉઠે. આ ઘટનામાં એક દલિત પતિ-પત્નીને માથાભારે તત્વોએ નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં પત્નીની સામે જ લુખ્ખા તત્વોએ તેના પતિના મોંમાં પેશાબ કરી તેને અપમાનિત કર્યો હતો. મામલાની જાણ થતા અન્ય લોકો દંપતિને બચાવવા આવ્યા હતા, જો કે ત્યાં સુધીમાં આરોપીઓએ તેમનું ઘર સળગાવી દીધું હતું અને પછી વાસ સળગાવી દેવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.

મામલો બિહારના મુઝફ્ફરપુરનો છે. અહીં દલિત પરિવાર પર માથાભારે તત્વોએ સામાન્ય બાબતમાં હુમલો કરી દીધો હતો. જેમાં દલિત પતિ-પત્નીને નિર્વસ્ત્ર કરીને ફટકાર્યા બાદ પત્નીની નજર સામે જ પતિના મોંમાં લુખ્ખાઓએ પેશાબ કર્યો હતો અને તેમનું ઘર પણ સળગાવી દીધું હતું.

આ પણ વાંચોઃ બહેનનું મોત થતા બે ભાઈઓ મૃતદેહ ખભે ઉઠાવી 5 કિમી ચાલ્યાં

ક્રૂરતાપૂર્ણ અને શરમજનક આ ઘટના બિહારના મુઝફ્ફરપુરના મનિયારી પોલીસ સ્ટેશનમાં ઘટી છે. અહીં સામાન્ય મામલે માથાભારે તત્વોએ એક દલિત દંપતિને નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો હતો. એ પછી લુખ્ખા તત્વોએ જરાય શરમ રાખ્યા વિના દલિત મહિલાની સામે જ તેના પતિના મોંમાં પેશાબ કર્યો હતો. 

મળતી માહિતી પ્રમાણે અહીં મહાદલિત જાતિના વાસમાં દલિત યુવતીના લગ્ન હતા. ભોગ બનનાર દંપતિના પડોશમાં જ રહેતી યુવતીના લગ્ન હોવાથી સૌએ સાથે મળીને જાનને આવવામાં કોઈ સમસ્યા ન નડે તે માટે ઘરે પાસેથી પસાર થતા કાદવ-કીચડના રસ્તા પર માટી નાખીને તેને વ્યવસ્થિત કર્યો હતો.

જેનાથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે દલિતવાસ પર હુમલો કરી દીધો હતો. સૌથી પહેલા તેમણે મંડપ તોડી નાખ્યો હતો અને લગ્ન કરાવનારાઓને જાતિસૂચક ગાળો ભાંડીને માર માર્યો હતો અને ચાકૂથી હુમલો કરી દીધો હતો.

એ પછી લુખ્ખા તત્વોએ દલિત દંપતિને નિર્વસ્ત્ર કરીને નિર્દયતાથી માર માર્યો અને પછી પત્નીની નજર સામે જ તેના પતિનું મોં ખોલાવીને તેના મોંમાં પેશાબ કર્યો હતો. એ દરમિયાન વાસના અન્ય લોકોને આખી ઘટનાની જાણ થતા આરોપીઓએ દલિત દંપતિના ઘરને આગ લગાવી દીધી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ રાત્રે ટોઈલેટ જવા નીકળ્યા હતા, સવારે દલિત આધેડની હત્યા કરાયેલી લાશ મળી

આ મામલે પીડિત દંપતિએ મણિયારી પોલીસ સ્ટેશનમાં ગામના જ બાપ-દીકરા(ફરી સવર્ણ મીડિયાની ચાલ જુઓ, આટલી મોટી ઘટનામાં તેમણે ન તો ક્યાંય આરોપીઓનું નામ લખ્યું છે, ન તેમની જાતિનો ઉલ્લેખ જોવા મળે છે. ખબરઅંતર.કોમે આરોપીઓના નામ અને જાતિ શોધવા માટે અનેક લિંકો વાંચી જોઈ, પણ આટલી મોટી ઘટનાની બહુ ઓછા પ્લેટફોર્મે નોંધી હતી અને તેમાં પણ આરોપીઓનું નામ કે જાતિનો ઉલ્લેખ નહોતો.) સામે નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. મણિયારી પોલીસ સ્ટેશનના પીઆઈ દેવવ્રતકુમારે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે એફઆઈઆર નોંધી લેવાઈ છે અને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓની શોધખોળ ચાલુ છે અને જલ્દી તેમને પકડી લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે.

આગળ વાંચોઃ દલિત યુવકનું મારથી મોત થઈ ગયું, ગામલોકો યુવકનો મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Navin maheshwari
    Navin maheshwari
    Anyay atyachar virudha hamari akata hi hamara hathiyar he,aao ham aka bane apani avaj buland jare har julmositam ke khilaf, Jay bheem jay savidhan Jay mulnivasi
    4 months ago