બહેનનું શબ ખભે ઉઠાવીને બે ભાઈ 5 કિ.મી. સુધી પગપાળા ચાલ્યાં

કોલેરામાં યોગ્ય સારવાર ન મળી શકતા 15 વરસની બહેનનું મોત થઈ ગયું. એ પછી બે ભાઈઓએ તેના મૃતદેહને વારાફરતી ખભે નાખીને ઘરે પહોંચાડ્યો.

બહેનનું શબ ખભે ઉઠાવીને બે ભાઈ 5 કિ.મી. સુધી પગપાળા ચાલ્યાં
image credit - Google images

વડાપ્રધાન મોદી જ્યારે પણ કોઈ વિદેશની યાત્રાએ જાય છે ત્યારે મસમોટી વાતો કરે છે. ખાસ કરીને 'વિશ્વગુરૂ' શબ્દ તેમને એવો તો મોંઢે ચડી ગયો છે કે, તેમના દરેક ભાષણમાં તેનો ઉલ્લેખ ચોક્કસ થાય છે. જો કે, જમીની વાસ્તવિકતા તેમના ભાષણો કરતા સાવ વિરુદ્ધની હોવાથી હવે લોકોએ પણ તેમના ભાષણોને ગંભીરતાથી લેવાનું બંધ કરી દીધું છે. દુનિયાના અન્ય દેશોમાં જ્યાં નાગરિક હિત સર્વોપરી હોય છે ત્યાં ભારતમાં તેનાથી સાવ ઉલટું જોવા મળે છે, અને તેનું તાજું ઉદાહરણ આ ઘટના છે. 

મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીંના લખીમપુર ખીરીમાં પૂરની ભયાવહ સ્થિતિ વચ્ચે એક એવી તસવીર સામે આવી છે જે સૌ કોઈનું કાળજું કંપાવી દે છે. પૂરના કારણે યોગ્ય સારવાર ન મળી શકવાને કારણે એક કિશોરીનું મોત થઈ ગયું હતું. એ પછી તેને ઘર સુધી લઈ જવા માટેની સગવડ ન થઈ શકતા તેના બે ભાઈઓએ વારાફરતી તેનું શબ ખભે ઉપાડીને 5 કિમી ચાલીને તેને ઘર સુધી પહોંચાડ્યું હતું.

વરસાદને કારણે ઉત્તરપ્રદેશની નદીઓ તોફાની સ્થિતિમાં આવી ગઈ છે. તરાઈના લખીમપુર ખીરીમાં પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પૂરમાં લોકોની લાચારી વચ્ચે એક ખૂબ જ દર્દનાક સમાચાર આવ્યા છે, જેણે સૌ કોઈને હચમચાવી નાખ્યા છે. આની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જિલ્લાના એક ગામમાં રહેતી કિશોરીનું યોગ્ય સારવાર ન મળવાથી મોત થઈ ગયું હતું. એ પછી જે થયું તે માણસાઈને સાવ નેવે મૂકી દેવા જેવું હતું. કિશોરીના બે ભાઈ તેના મૃતદેહને ખભા પર લાદીને પાંચ કિલોમીટર સુધી પગપાળા ચાલીને હોસ્પિટલથી પોતાના ગામ સુધી પહોંચ્યા હતા.

ઘટના લખીમપુર ખીરીના મૈલાણી પોલીસ સ્ટેશનમાં આવતા એલનગંજ મહારાજાનગરની છે. ગામમાં રહેતી 15 વર્ષની શિવાનીને ટાઈફોઈડ થઈ ગયો હતો. સારવાર માટે તેને પલિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની તબિયત સુધરી રહી નહોતી એટલે ડોક્ટરે તેને લખીમપુર લઈ જવા કહ્યું. પરંતુ વરસાદને કારણે પલિયાથી બહાર જવાના રસ્તા બંધ થઈ ગયા હતા. બિમાર શિવાનીને બીજે ક્યાંય ન લઈ જઈ શકાઈ અને તેણે રસ્તામાં જ દમ તોડી દીધો.

સારવારના અભાવે શિવાનીનું મોત થઈ ગયું. એ  પછી તેના મૃતદેહને પણ ત્યાંથી લઈ જવા માટેની કોઈ વ્યવસ્થા નહોતી થઈ શકતી. લાચાર થઈને આખરે તેના બંને ભાઈઓએ તેના શબને ખભા પર નાખીને રેલવે ટ્રેકના કિનારે કિનારે અંદાજે પાંચેક કિલોમીટર સુધી ચાલીને ઘર સુધી લઈ જવો પડ્યો. તેની સાથે પરિવારના અન્ય લોકો પણ હતા. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ પણ વાંચો: શું ગાંધીજીના આગમન પહેલા ગુજરાતના દલિતો નિર્લેપ અવસ્થામાં હતા?

મૃતક શિવાની 12માં ધોરણની વિદ્યાર્થિની હતી. પલિયામાં રહીને ભણતી શિવાનીની બે દિવસ પહેલા તબિયત ખરાબ થઈ ગઈ હતી. ટાઈફોઈડ થતા તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. પણ તબિયત વધારે ખરાબ થતા ડોક્ટરોએ તેને લખીમપુર લઈ જવા કહ્યું. જ્યાં રસ્તામાં જ તેણે દમ તોડી દીધો. પૂરના કારણે આગળનો રસ્તો બંધ હોવાથી તેના બંને ભાઈઓ મૃતદેહ ખભે નાખીને પગપાળા જ ગામ જવા નીકળી પડ્યા હતા.

માનવતાને શરમજનક સ્થિતિમાં મૂકતા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, બંને ભાઈ જ્યારે પણ શબ ઉપાડીને થાકી જાય છે ત્યારે શબને જમીન પર મૂકીને થોડીવાર આરામ કરે છે. પછી આંખોમાં આંસુ સાથે શબને ફરી ખભા પર લાદીને ચાલવા માંડે છે. એ વખતે બંને ભાઈઓની મનોસ્થિતિની કેવી હશે તેની તો માત્ર કલ્પના જ થઈ શકે તેમ છે. શિવાની મૃતદેહને ખભા પર લાદીને ચાલતા ચાલતા ઘરે પહોંચવામાં તેમને બે કલાક જેટલો સમય લાગ્યો હતો. જો કે, આટલો સમય વીતવા છતાં વહીવટી તંત્ર, અધિકારી કે અન્ય કોઈ વ્યક્તિ તેમની મદદે નહોતું આવ્યું. ઘટના બુધવારની છે પણ તેનો વીડિયો આજે સામે આવ્યો છે.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ વીડિયો પોતાના એક્સ એકાઉન્ટ પર શેર કરતા લખ્યું હતું કે, "યુપીના લખીમપુર ખીરીથી એક દુઃખદ સમાચાર મળી રહ્યાં છે કે પૂરના કારણે સમયસર હોસ્પિટલ પહોંચીને સારવાર ન મળવાને કારણે એક કિશોરીનું મોત થઈ ગયું. લાચાર ભાઈએ પોતાની બહેનના મૃતદેહને ખભા પર લાદીને ઘર સુધી પહોંચાડવો પડ્યો. સરકાર પાસે અપેક્ષા છે કે, તે પૂરની સ્થિતિમાં ઈમરજન્સી સારવારની વ્યવસ્થામાં વધારો કરે અને યાદ રાખે કે ગરીબના જીવનની પણ કોઈ કિંમત હોય છે."

ઉલ્લેખનીય છે કે, લખીમપુર ખીરીના 150થી વધુ ગામો પૂરની ઝપટમાં આવી ગયા છે. શારદાના નદીનું જળસ્તર વધવાથી આખા જિલ્લામાં પૂર આવી ગયું છે. રસ્તાઓ બંધ થઈ ગયા છે. પલિયા, નિઘાસન, ફૂલબેહડ, ઘૌરહરા અને બિજુઆ વિસ્તારના ગામડાઓમાં પૂરના પાણી હજુ પણ ઓસર્યાં નથી. પરિસ્થિતિ એ હદે ખરાબ છે કે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી.

આ પણ વાંચો: દલિત યુવકનું મારથી મોત થઈ ગયું, ગામલોકો લાશ સાથે પોલીસ પાસે પહોંચ્યાં


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.