‘તારી ઔકાત શું છે?’ કહી સરપંચે દલિતનું જાહેરમાં અપમાન કરતા ફરિયાદ
મહેમદાવાદના મોદજની ઘટના. આવકનો દાખલો કઢાવવા ગયેલા દલિત યુવાનનું સરપંચે જાતિસૂચક અપશબ્દો બોલી ધમકી આપતા ફરિયાદ નોંધાઈ.
આઝાદ ભારતના ગામડાઓમાં લોકશાહી ઢબે ચૂંટાતા હોવા છતાં કેટલાક સરપંચો તેમની ચોક્કસ જાતિની ધાકને કારણે આજેય દલિત-બહુજન સમાજને ધમકાવવાનું ચૂકતા નથી. આવા તત્વો એમ માનતા હોય છે કે, દલિતો સાથે આમ જ વર્તાય અને તો જ તેઓ માપમાં રહે. જો કે તેઓ એ ભૂલી જાય છે કે, કાયદાના રાજમાં તમારી આ બધી દાદાગીરી સોંસરી નીકળી જાય તેમ છે. સવાલ માત્ર તેના યોગ્ય અમલનો હોય છે. જ્યારે કાયદો કાયદાનું કામ કરે, ત્યારે આવા જાતિવાદી તત્વોની સાન સેકન્ડોમાં ઠેકાણી આવી જતી હોય છે.
આવું જ કંઈક ખેડા જિલ્લાના મહેમદાવાદના એક ગામમાં બન્યું છે. અહીં મોદજ ગામના સરપંચ સહિત અન્ય એક સામે દલિત સમાજના એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. આવકનો દાખલો લેવા ગયેલા દલિત અરજદારને સરપંચે જાતિસૂચક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા અને આવકનો દાખલો પણ નહોતો કાઢી આપ્યો. એટલું જ નહીં સરપંચે તેમને આરટીઆઈ કરી ગ્રામ પંચાયતની માહિતી માગવા બદલ ધમકી પણ આપી હતી. જેનાથી અપમાનિત થયેલી દલિત વ્યક્તિએ મહેમદાવાદ પોલીસમાં ફરિયાદમાં નોંધાવી છે.
મળતી માહિતી મુજબ દલિત સમાજની આ વ્યક્તિએ અગાઉ ગામને મળતી ગ્રાન્ટને લઈને RTI અરજી કરતા સરપંચ અને અન્ય એક શખ્સને તેમના પર ખાર હતો. આથી તેમણે આવકનો દાખલો કાઢવા આવતી વખતે તે દાઝ ઉતારી હતી અને દલિત વ્યક્તિને જાતિસૂચક અપશબ્દો બોલી ધમકાવી હતી. આ બાબતની પોલીસ ફરિયાદ મહેમદાવાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મામલો શું છે?
મહેમદાવાદ તાલુકાના મોદજ ગામે રોહિત વાસમાં 38 વર્ષિય જયંતિભાઈ બાબુભાઈ મકવાણા રહે છે. તેમના સંતાનને સ્કૂલ તરફથી સ્કોલરશીપનો લાભ મેળવવાનો હોય અને તેના માટે જયંતિભાઈને આવકના દાખલાની જરૂર હોવાથી તેઓ ગત 5 ડિસેમ્બર 2024ના રોજ આ દાખલો મેળવવા પોતાની કૌટુંબીક વ્યક્તિઓ સાથે ગ્રામપંચાયત ઓફિસે ગયા હતા. જ્યાં અરજીમાં સાક્ષી તરીકે પુરૂષોની સહી ચાલશે સ્ત્રીની નહી ચાલે તેમ કહીને તેમને કોમ્પ્યુટર ઓપરેટરે બેસાડ્યા હતા. એ દરમિયાન સાક્ષીઓની સહી કરી દાખલો લેવા બેઠેલા જયંતભાઈને ત્યાં હાજર ગામના સરપંચ બેચરભાઈ રાજાભાઈ ચૌહાણે (રહે.મોદજ) એકાએક અકળાઈને, “તારી શું ઔકાત છે?” તેમ કહી જાતિસૂચક અપશબ્દો બોલી અપમાન કર્યું હતું.
જોકે બાદમાં મામલો થાડે પડ્યો હતો પરંતુ આ સરપંચે આ ઘટનાનો ખાર રાખી જયંતિભાઈને આવકનો દાખલો કાઢી આપ્યો નહોતો. જેથી અરજદાર જયંતિભાઈએ બીજા દિવસે તલાટી કમ મંત્રી મોદજ ગ્રામ પંચાયત પાસે મોદજ ગ્રામ પંચાયતને મળતી તમામ ગ્રાન્ટની માહિતી આપવા બાબતે આર.ટી.આઈ.થી અરજી કરી હતી. જેથી આ દિવસે મોદજ ગામના સરપંચ બેચરભાઈ રાજાભાઇ ચૌહાણે સાંજના આશરે સાડા છ વાગ્યાના સુમારે મોદજ ગામના બસ સ્ટેશન નજીક જયંતિભાઈને મળેલા અને ગામમાં રહેવું ભારે પડશે તેવી ધમકી આપી હતી અને બીજા દિવસે પણ સરપંચે જયંતિભાઈને ફોન પર ગાળો ભાંડતા આખરે તેમણે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં સરપંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: ‘તું તો ચહેરા પરથી જ ચોર લાગે છે, ચમાર છો ને?’