‘તું તો ચહેરા પરથી જ ચોર લાગે છે, ચમાર છો ને?’
આ શબ્દો વાંચીને જ જો તમને અપમાનજનક લાગતું હોય, તો વિચારો જેને આવું કહેવામાં આવ્યું હશે તેના પર શું વિતતી હશે.
દેશભરની યુનિવર્સિટીઓમાં આજેય દ્રોણાચાર્યો બેઠાં છે અને તેઓ આજેય દલિત-આદિવાસી વિદ્યાર્થીઓના અંગૂઠા કાપવા માટેની તકની રાહ જોતા હોય છે. આવી વધુ એક ઘટના દિલ્હીમાંથી સામે આવી છે, જ્યાં એક કોલેજના આચાર્યે દલિત વિદ્યાર્થીને વોટ્સએપ ગ્રુપ હેક કરવાનો આરોપ લગાવીને જાતિસૂચક અપશબ્દો કહીને અપમાનિત કર્યો હતો. હવે આ મામલે વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ સામે મોરચો માંડ્યો છે.
ઘટના દિલ્હી યુનિવર્સિટીની શહીદ ભગત સિંહ કોલેજની છે. અહીં એક વિદ્યાર્થીને પ્રિન્સિપાલ દ્વારા માનસિક ત્રાસ આપવાનો અને જાતિસૂચક અપશબ્દો કહેવાનો મામલો સામે આવ્યો છે. નારાજ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનો છેલ્લાં ઘણા દિવસોથી આ મામલે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી રહ્યા છે. જ્યારે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનને આ ઘટનાની જાણ થઈ તો તેઓ પણ આ વિરોધમાં જોડાયા હતા. શહીદ ભગત સિંહ કોલેજમાં 18 નવેમ્બરે વિદ્યાર્થીઓએ પહેલીવાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ત્યારથી વિદ્યાર્થીઓ સતત વિરોધ કરી રહ્યા છે. આજે પણ તેમણે માલવિયા નગર પોલીસ સ્ટેશન સામે પ્રદર્શન કર્યું અને ન્યાયની માંગ કરી હતી.
દિલ્હી યુનિવર્સિટીના AISAની સચિવ અંજલિએ આરોપ લગાવ્યો કે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. ગયા મહિને, 24 ઓક્ટોબરની આસપાસ કોલેજના ક્લાસના એક વોટ્સએપ ગ્રુપ પર કેટલાક વિદ્યાર્થીઓના ફોનમાંથી અશ્લીલ વીડિયો મોકલવામાં આવ્યો હતો. છેલ્લા સેમેસ્ટરમાં પણ આવું જ કંઈક બન્યું હતું. કેટલાક વિદ્યાર્થીઓએ શિક્ષકોને પત્ર લખીને આ મામલે તપાસ કરવાની માંગ કરી હતી. એ પછી શંકાના આધારે કોલેજતંત્ર દ્વારા બે વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમને એક ફોર્મ ભરવા અને સહી કરવાનું કહેવામાં આવ્યું હતું, જેના આધારે એવું માનવામાં આવતું હતું કે આ વિદ્યાર્થીઓએ આ ભૂલ કરી છે, જેમાં તે ભૂલ સ્વીકારી રહ્યાં છે અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવું વચન આપી રહ્યાં છે.
જોકે, વિદ્યાર્થીઓએ ફોર્મ પર સહી કરવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, તેમણે ગ્રુપમાં આ વીડિયો મોકલ્યા જ નથી તો, તેઓ શું કામ તેનો સ્વીકાર કરે. જો કે, ભારે દબાણ બાદ વિદ્યાર્થીઓએ ફોર્મ પર સહી કરી હતી.
આ મામલે જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે વર્ગના વોટ્સએપ ગ્રુપમાં તેમના નંબર પરથી અશ્લીલ વીડિયો કેવી રીતે આવ્યો, તો તે વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમનું વોટ્સએપ હેક થઈ ગયું હતું. વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ સારી રીતે જાણે છે કે જો તેઓ આવું જાણી જોઈને કરે તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. એટલે અમે આવું શા માટે કરીએ?
વધુ થોડા દિવસો સુધી ચાલેલી તપાસ દરમિયાન ક્લાસના કુલ વિદ્યાર્થીઓમાંથી લગભગ 10-12 વિદ્યાર્થીઓને આ ઘટનામાં શંકાના દાયરામાં રાખવામાં આવ્યા હતા. અને દરેકના ફોનમાં તેમની અંગત માહિતી, ફોટા, ઓડિયો વગેરે હોવા છતાં, તેમની સંમતિ વિના તમામના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.
જેમના ફોન જપ્ત કરવામાં આવ્યા તેમાં એક સુમિત ચૌહાણ પણ હતો. જોકે, વીડિયો તેના ફોનમાંથી શેર નહોતો થયો. પરંતુ તે પણ શંકાના દાયરામાં હતો. તપાસ દરમિયાન કોલેજ પ્રશાસનને જાણવા મળ્યું કે સુમિતના ફોન પર બે વોટ્સએપ એપ હતી.
યુનિવર્સિટીએ માત્ર બે વોટ્સએપ એકાઉન્ટના આધારે જાતે એ ધારી લીધું કે આ કોઈ નવી ટેક્નોલોજી હોવી જોઈએ અને તેણે કદાચ વોટ્સએપ એકાઉન્ટ હેક કર્યું હશે.
એ પછી તમામ શિક્ષકોએ સુમિતને એક ફોર્મ ભરવા અને તેના પર સહી કરવા દબાણ કરવાનું શરૂ કર્યું. જેથી તે સ્વીકારી લે કે તેણે આ કર્યું છે.
જોકે, સુમિતે એમ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે, તેણે જે કર્યું જ નથી તેનો કેવી રીતે સ્વીકાર કરે? એ પછી શિક્ષકો અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તેનું જાહેરમાં અપમાન થવા લાગ્યું. જેના કારણે તે માનસિક ત્રાસ અનુભવવા લાગ્યો હતો.
સુમીતે આક્ષેપ સ્વીકાર ન કરતા તેને આચાર્ય પાસે લઈ જવાયો હતો. આરોપ છે કે, આચાર્ય અરુણ કુમાર અત્રીએ સુમિતને કહ્યું હતું કે - “તું તો ચહેરાથી જ ગુનેગાર જેવો દેખાય છે. તું કઈ જાતિનો છે? ચમાર છો!”
એ પછી આચાર્યે સુમિતને 4-5 થપ્પડ મારી દીધી હતી અને મારવા માટે શિક્ષકો પાસેથી દંડો મગાવ્યો હતો. એ પછી સુમિત આચાર્ય વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા માટે માલવિયા નગર પોલીસ સ્ટેશન ગયો હતો, જો કે પોલીસે તેની ફરિયાદ લીધા બાદ પણ એફઆઈઆર નોંધી નહોતી.
સ્ટુડન્ટ યુનિયનની સચિવ અંજલિ કહે છે, એક યુવક હાંશિયામાં ધકેલાઈ ગયેલા સમાજમાંથી આવે છે. તેથી તેને ધમકાવવામાં આવે છે, માનસિક ત્રાસ અપાય છે. અમે 4-5 દિવસથી સતત વિરોધ કરી રહ્યા છીએ. અમારી માંગ છે કે આરોપીઓ વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ FIR નોંધવામાં આવે અને આચાર્યની ધરપકડ કરવામાં આવે.
આ મામલે આચાર્ય અરૂણકુમાર અત્રીએ કહ્યું હતું કે, "આ તમામ આરોપો ખોટા, પાયાવિહોણા અને પ્રાયોજિત છે.”
આ ઘટનાને લઈને ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર રાવણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ લખી હતી. આઝાદે લખ્યું, "અમે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને દિલ્હી યુનિવર્સિટી પાસેથી માંગ કરીએ છીએ કે પ્રિન્સિપાલ અરુણ કુમાર અત્રીને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવે અને આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ન્યાય આપવામાં આવે. જો ન્યાય નહીં મળે તો અમે ચૂપ નહીં બેસીએ અને વિરોધ ચાલું રાખીશું."
આ પણ વાંચો: મેં ભૂખા તો નહીં મરુંગા, ચમાર હું...