ગાંધીનું ગુજરાત દલિત અત્યાચારોમાં અવ્વલ, છેલ્લાં 4 વર્ષમાં દલિત અત્યાચારની કુલ 5588 ઘટનાઓ નોંધાઈ

ગાંધીનું ગુજરાત દલિત અત્યાચારોમાં અવ્વલ, છેલ્લાં 4 વર્ષમાં દલિત અત્યાચારની કુલ 5588 ઘટનાઓ નોંધાઈ

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓ મુજબ ગુજરાતમાં અનુસૂચિત જાતિના લોકો પર અત્યાચાર અન્ય રાજ્યોની સરખામણીમાં અનેકગણો વધારે છે. આ મામલે ગુજરાત દેશભરમાં જે ક્રમે છે તેની કલ્પના કદાચ કોઈએ કરી નહીં હોય..

ગુજરાતી પ્રજાની છાપ આમ તો ધર્મભીરૂ પ્રજા તરીકેની છે. પણ વાત જ્યારે જાતિવાદની આવે ત્યારે આ જ પ્રજા બીજા કોઈપણ રાજ્યની કટ્ટર જાતિવાદી પ્રજા સાથે સ્પર્ધા કરે તેમ છે. ગુજરાતમાં જાણે અંધેર નગરીને ગંડુ રાજા હોય તેવી સ્થિતિ પ્રવર્તે છે. કેમ કે, ભયંકર જાતિવાદી ગુજરાતમાં અનુસુચિત જાતિ વર્ગના લોકો પર જુદાજુદા પ્રકારે અત્યાચારનો વણથંભ્યો સિલસિલો ચાલુ રહ્યો છે. રાજ્ય સરકાર પણ દલિતો પર અત્યાચાર અટકાવવામાં કોઈ નક્કર પગલાં લેવા માગતી ન હોય તેવું વધતા જતા આંકડાઓ કહે છે.

સામાજિક અગ્રણી અને ચળવળકાર કાંતિલાલ પરમાર દ્વારા નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ ગાંધીનગર પાસે આરટીઆઈ દ્વારા કેટલીક માહિતી માંગવામાં આવી હતી. જે અનુંસંધાને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર, ગુજરાત હેઠળ કાર્યરત નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની ઓફિસ દ્વારા છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત રાજ્યમાં અનુસુચિત જાતિના લોકો પર થયેલ અને ફક્ત પોલીસ દફતરે જ નોંધવામાં આવી હોય તેવી દલિત અત્યાચારની ઘટનાઓની વિગતો પુરી પાડવામાં આવી હતી.

 

છેલ્લાં ચાર વર્ષમાં દલિત અત્યાચારની 5588 ઘટનાઓ બની

કાંતિભાઈ દ્વારા આરટીઆઈની માહિતીનું વિશ્લેષણ કરવામાં આવતા જણાયું હતું કે, 1 જાન્યુઆરી 2019થી 31 ડિસેમ્બર 2022 સુધીના 4 વર્ષના સમયગાળામાં ગુજરાતમાં દલિતો પર અત્યાચારની કુલ 5588 ઘટનાઓ જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં નોંધાઈ હતી.

દલિતોની હત્યા મામલે અમદાવાદ ટોચ પર

આઘાતની વાત એ છે કે આમાં કુલ 123 જેટલી તો હત્યાઓ છે. અનુ. જાતિના લોકોની સૌથી વધુ 28 હત્યાઓ અમદાવાદમાં નોંધાઈ છે. એ રીતે દલિતોની હત્યાના મામલે અમદાવાદ જિલ્લો પ્રથમ ક્રમે છે. બીજા ક્રમે રાજકોટ છે જ્યાં 21 દલિતોની હત્યા થઈ હતી. ત્રીજા અને ચોથા ક્રમે અનુક્રમે સુરત અને વડોદરા જિલ્લા છે, જ્યાં આ સમયગાળામાં અનુક્રમે 15 અને 07 દલિતોની હત્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા.

છેલ્લાં 4 વર્ષમાં દલિત મહિલાઓ પર દુષ્કર્મની 480 ઘટનાઓ

વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૨ સુધીના ચાર વર્ષમાં અનુસુચિત જાતિ વર્ગના લોકો પર થયેલ ગંભીર હુમલાઓમાં ભોગ બનનારને ગંભીર ઇજાઓ થઈ હોય તેવી 333 ઘટનાઓ બની હતી. જ્યારે અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે દુષ્કર્મની 480 ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે.

અનુ. જાતિના લોકોને ગંભીર ઈજા પહોંચાડવા અને તેમની મહિલાઓ પર દુષ્કર્મ મામલે પણ અમદાવાદ જિલ્લો મોખરે છે. અહીં ગંભીર ઈજાઓના 55 બનાવો જ્યારે દલિત મહિલા પર દુષ્કર્મની 91 ઘટનાઓ નોંધાયેલી છે. એ રીતે કહી શકાય કે અમદાવાદ જિલ્લો દલિત અત્યાચારનું એપી સેન્ટર છે.

બીજા નંબર રાજકોટ છે જ્યાં ગંભીર ઈજાના 40 બનાવો અને દુષ્કર્મની 57 ઘટનાઓ નોંધાઈ છે.

આ ક્રમમાં ત્રીજા નંબરે સુરત આવે છે જ્યાં ગંભીર ઈજાના 11 અને દલિત મહિલાઓ પર દુષ્કર્મના 25 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.

ચોથા ક્રમે વડોદરા છે જ્યાં ગંભીર ઈજાઓના 07 અને દુષ્કર્મની 40 ઘટનાઓ નોંધાઈ છે.

દલિત અત્યાચારની સૌથી વધુ ઘટનાઓ કચ્છ જિલ્લામાં ઘટી

રાજ્યમાં 2019 થી 2022ના ચાર વર્ષ દરમિયાન અનુ. જાતિના લોકો સાથે અત્યાચારની કુલ 5588 ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જિલ્લાવાર જોઈએ તો કચ્છ જિલ્લો તેમાં પહેલા નંબરે આવે છે, જ્યાં દલિત અત્યાચારની 515 ઘટનાઓ નોંધાઈ છે. અન્ય ક્રમની વાત કરીએ તો 322 ઘટનાઓ સાથે બનાસકાંઠા બીજા ક્રમે, 310 બનાવો સાથે ભાવનગર ત્રીજા ક્રમે અને 276 ઘટનાઓ સાથે જૂનાગઢ જિલ્લો ચોથા ક્રમે આવે છે.

દલિત અત્યાચાર મામલે રાજ્ય સરકારની ઢીલી નીતિ

વિકસિત ગુજરાતના મોડેલને ભલે રાજ્ય સરકાર ગાઈ વગાડીને દેશ અને દુનિયામાં પ્રમોટ કરી રહી હોય, પરંતુ વાત દલિતો પર થઈ રહેલા અત્યાચારો પર નિયંત્રણ લાવવાની અને તેના પર કાર્યવાહી કરવાની આવે ત્યારે તદ્દન સામા છેડાનું ચિત્ર ઉપજે છે.

આંકડાઓ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે, રાજ્યમાં અત્યાચાર ધારા હેઠળ નોંધાયેલ ગુનાઓમાં તેની સાથે આઈ.પી.સી.(ભારતીય ફોજદારી ધારો -૧૮૬૦)ની કલમો હેઠળ નોંધાયેલ કુલ ગુનાઓ ૪૬૨૭ છે. જેમાં વર્ષ 2019માં 1268, 2020માં 1128, 2021માં 1083 અને વર્ષ 2022માં 1148 ગુનાઓ નોંધાયા છે.

ભારતમાં આભડછેટ નાબુદી માટે છેક 1955માં નાગરિક હક સંરક્ષણ ધારો ઘડાયેલો છે અને તે આજેય દેશભરમાં PCR Act 1955(નાગરિક હક્ક સરંક્ષણ અધિનિયમ-155) તરીકે અમલી છે. પણ ગુજરાતમાં તેનું જાણે કોઈ અસ્તિત્વ જ ન હોય તેવી સ્થિતિ ભાસે છે. ગુજરાતમાં આભડછેટનું પ્રમાણે મોટા પ્રમાણમાં છે, દરરોજ તેની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે, મીડિયામાં આવતી રહે છે, પરંતુ રાજ્ય સરકાર તેની સામે રીતસરના આંખ આડા કાન કરી રહી છે.

આભડછેટ નાબુદી માટેનો કાયદો અસ્તિત્વમાં હોવા છતાં ફક્ત કહેવા ખાતર જ પોરબંદર-ગાંધીનગર અને રાજકોટમાં 1 – 1 મળીને 3 અને બનાસકાંઠામાં 4 એમ ફક્ત 7 જ બનાવોમાં આભડછેટનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે સ્પષ્ટ રીતે જણાવે છે કે ગુજરાત સરકાર આભડછેટ જેવી ગંભીર બાબતમાં જરાય ગંભીર વલણ ધરાવતી નથી.

વાત આટલેથી અટકતી નથી, ગુજરાત રાજ્યમાં એટ્રોસિટી એક્ટનાં કડક અમલીકરણ અને સમીક્ષા કરવા ૨૦ સભ્યોની ‘રાજ્ય તકેદારી અને મોનીટરીંગ સમિતિ’ રાજ્યના મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને રચવામાં આવેલ હોય છે.

કાયદાકીય જોગવાઈ મુજબ જોઈએ તો સીએમના અધ્યક્ષ સ્થાને ધારાસભ્યો, મંત્રીઓ, ડીજીપી, સચિવ, નાણા, ગૃહ, મહેસુલ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સહિતના ૨૦ સભ્યોની આ ઉચ્ચસ્તરીય કમિટીની નિયમ ૧૬ હેઠળ વર્ષમાં જાન્યુઆરી અને જુલાઈ માસમાં ફરજિયાત બેઠક મળવી જોઈએ. એ રીતે જોઈએ તો વર્ષ 2019 થી 2022 સુધીના 4 વર્ષમાં કુલ 8 વખત આ બેઠક મળવી જોઈએ. પરંતુ ફક્ત 3 જ વાર તે બોલાવવામાં આવી છે. જે રાજ્ય સરકાર દલિતોના પ્રશ્ને કેટલી ગંભીર છે તે દર્શાવે છે.

દુઃખની વાત તો એ છે કે, વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની નવી ચૂંટાયેલી સરકારે તો હજુ સુધી રાજ્ય તકેદારી અને મોનીટરીંગ સમિતિની રચના જ કરેલ નથી. જ્યાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જ કાયદાનું પાલન કરવામાં આવતું ન હોય ત્યાં સ્પષ્ટ રીતે સમજી શકાય કે દલિતો પર અત્યાચાર કરનારાઓને કાયદાનો ડર ન લાગે. એવામાં અનુસૂચિત જાતિ અને જન જાતિના નબળા વર્ગના લોકોની સુરક્ષા માટે ઘડાયેલો એટ્રોસિટીનો કાયદો મજાક બનીને રહી ગયો છે.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.