દલિત છું એટલે ટોઈલેટ જાઉ તો પણ નોટિસ આપી દે છે...
હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે, જેમાં એક વ્યક્તિ રોતા રોતા જણાવે છે કે, પોતે દલિત હોવાથી ઓફિસના ઉચ્ચ અધિકારીઓ તેમને હેરાન કરે છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ભારે વ્યથિત ચહેરે રોતી જોવા મળે છે. હકીકતે તે જમીન સંરક્ષણ વિભાગના જુનિયર એન્જિનિયર છે અને પોતે દલિત સમાજમાંથી આવતા હોવાથી તેમની સાથે ઓફિસના અન્ય ઉપરી અધિકારીઓ કેવું વર્તન કરી રહ્યાં છે તેને લઈને ફરિયાદ કરી રહ્યાં છે.
મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. જ્યાં જમીન સંરક્ષણ વિભાગના એક જુનિયર એન્જિનિયરનો 1 મિનિટ 11 સેકન્ડનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ આરોપ લગાવી રહ્યાં છે કે તેઓ દલિત સમાજમાંથી આવતા હોવાથી તેમને ઓફિસના ઉપરી અધિકારીઓ નાની અમથી બાબતને લઈને હેરાન પરેશાન કરી રહ્યાં છે. વાયરલ વીડિયોમાં જુનિયર એન્જિનિયર લોકો પાસે મદદની માંગ કરી રહ્યાં છે. વીડિયોમાં તેઓ કહે છે કે, તેઓ દલિત સમાજમાંથી છે એટલે તેમનું કોઈ સાંભળતું નથી. તેમને ઓફિસના ઉચ્ચ અધિકારી ભારે હેરાન કરે છે. તેઓ જો ટોઈલેટ માટે પણ જાય તો તેમને નોટિસ ફટકારીને ખૂલાસો કરવા કહેવામાં આવે છે અને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે.
આત્મહત્યા કરવાની વાત કરી
વીડિયોમાં પાછળના ભાગમાં એક ઓફિસ દેખાઈ રહી છે અને ત્યાં કેટલાક લોકો કામ કરતા જોઈ શકાય છે. વીડિયોમાં પોતાને જુનિયર એન્જિનિયર ગણાવતા અધિકારી મોટે મોટેથી રડતા જોવા મળે છે અને આત્મહત્યા કરવાની પણ વાત કરતા દેખાય છે.
આ પણ વાંચો: અનામત સાથે જોડાયેલા કેટલાક જૂઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ
તેઓ કહે છે કે, જો તેમને આ જ રીતે ઉચ્ચ અધિકારીઓ હેરાન કરતા રહેશે તો તેઓ આત્મહત્યા કરી લેશે. તેઓ ન્યાય માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અને સ્થાનિક તંત્ર સુધી લડત આપશે.
ત્રણ મહિનાનો પગાર રોકી દીધો
વીડિયોમાં જુનિયર એન્જિનિયર કહી રહ્યાં છે કે તેમને ત્રણ મહિનાથી પગાર નથી મળ્યો. તેમને માનસિક અને આર્થિક એમ બંને મોરચે હેરાન કરવામાં આવી રહ્યાં છે. તેમણે જમીન સંરક્ષણ અધિકારી સંજય સિંહ પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમના કહેવા પ્રમાણે ત્રણ મહિનાથી તેમને પગાર ન મળ્યો હોવાથી તેમનું ઘર પરિવાર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે.
આ વીડિયોની તપાસ કરતા ખ્યાલ આવે છે કે, જુનિયર એન્જિનિયર વ્યક્તિનું નામ અજીત કુમાર છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, જમીન સંરક્ષણ વિભાગના અધિકારી સંજય સિંહ છેલ્લાં એક વર્ષથી તેમને હેરાન કરી રહ્યાં છે, કારણ કે તેઓ દલિત સમાજમાંથી આવે છે.
વીડિયોમાં તેઓ આગળ જણાવે છે કે, જો તેમને મહેનતનો પગાર નહીં મળે અને આ જ રીતે હેરાન કરવામાં આવશે તો તેઓ આત્મહત્યા કરી લેશે. તેમણે વિભાગના અધિકારી સંજય સિંર પર કાર્યવાહી કરવાની પણ વાત કરી છે. વધુમાં તેઓ જણાવે છે કે, હવે તેમની સહનશક્તિની હદ આવી ગઈ છે અને તેઓ અંદરથી સાવ તૂટી ગયા છે. જો કે આ વાયરલ વીડિયોની ખબરઅંતર.કોમ પુષ્ટિ નથી કરતું.
આ પણ વાંચો: તું 'જય ભીમ વાળો' છે, અમે 'જય ભીમ વાળા'ને નોકરી નથી આપતા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Arun Karsanbhai Parikhજવાબદાર અધિકારી સામે સખત પગલાં લેવા જોઈએ.