દાંતીવાડાના રાણોલની દૂધ મંડળીમાં વાલ્મિકી પશુપાલકોનું દૂધ લેવાનું બંધ કરાયું

ગામના જાતિવાદી તત્વોએ ફતવો બહાર પાડ્યો હતો અને હવે પછી દૂધ મંડળીમાં વાલ્મિકી સમાજના પશુપાલકોનું દૂધ લેવું નથી. જાણો શું છે આખો મામલો.

દાંતીવાડાના રાણોલની દૂધ મંડળીમાં વાલ્મિકી પશુપાલકોનું દૂધ લેવાનું બંધ કરાયું
image credit - Google images

બનાસકાંઠા જિલ્લો જાતિવાદ મામલે ગુજરાતના અન્ય જિલ્લાઓ સાથે સ્પર્ધા કરવા માંગતો હોય તેવી એક ઘટના અહીં બની છે. અહીં દાંતીવાડાના રાણોલ ગામમાં કેટલાક જાતિવાદી તત્વોએ ગામની દૂધમંડળીમાં વાલ્મિકી સમાજના પશુપાલકોનું દૂધ સ્વીકારવામાં નહીં આવે તેવો ફતવો બહાર પાડી દેતા ચકચાર મચી ગઈ છે. આભડછેટ પાળતા આવા તત્વો સામે વાલ્મિકી સમાજ સહિત સમાનતામાં માનતા તમામ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સમગ્ર મામલો જિલ્લા કલેક્ટરના ધ્યાને આવતા તેમણે મનસ્વી રીતે આ ફતવો જાહેર કરનાર તત્વો સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે. રણોલમાં 10 જેટલા વાલ્મિકી સમાજના લોકો પશુપાલન કરીને પોતાાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની સાથે આભડછેટ રાખીને ગામના કેટલાક મનુવાદીઓ દ્વારા આ ફતવો બહાર પડાયો હતો.

મંડળીની જાણ બહાર જાતિવાદી તત્વોએ ચાલ ચાલી

મળતી માહિતી મુજબ વાલ્મિકી સમાજના પશુપાલકોનું દૂધ ગામની દૂધ મંડળીમાં નહીં ભરવા દેવા માટે ગામના જ કેટલાક આગેવાનોએ ઘરની ધોરાજી ચલાવી હતી અને મંડળીની જાણ બહાર મનસ્વી રીતે એક કાગળ પર ઠરાવ કરી વાલ્મિકી સમાજના દૂધને મંડળીમાં નહીં સ્વીકારવામાં આવે તેવો ફતવો બહાર પાડ્યો હતો. અને આ મામલે મંડળી કંઈ જાણતી નથી તેવી માહિતી મળી હતી. જો કે આ વાત ખોટી હોય તેમ લાગે છે. કેમ કે મંડળીને જાણ ન હોય તો શા માટે અહીં અચાનક વાલ્મિકી સમાજના પશુપાલકોનું દૂધ લેવાનું બંધ કરી દેવાયું તે પણ સવાલ છે. 

વાલ્મિકી પશુપાલકોએ દૂધ ભરવા બહાર જાય છે

જાતિવાદી તત્વોના કારણે હાલ વાલ્મિકી સમાજના પશુ પાલકોને દૂધ ભરાવવા માટે બાજુમાં આવેલ ઓઢવા ગામે જવાની ફરજ પડી રહી છે. જાતિવાદી તત્વોની દાદાગીરી સામે આ વાલ્મિકી પરિવારોએ આ મામલે જિલ્લા કલેકટર, એસપી અને સમાજ કલ્યાણ વિભાગમાં રજૂઆત કરી છે. જેના કારણે જિલ્લા કલેક્ટર દ્વારા મંડળીની જાણ બહાર સહીઓ કરી મનસ્વી રીતે ઠરાવ કરનારા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવા સૂચના આપવામાં આવી છે.

ગામના મંદિરમાં મિટીંગ થઈ, જાતિવાદીઓએ સહી કરી

મળતી માહિતી મુજબ રાણોલ ગામે ગત.તા. ૨૩ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ગામના મંદિરમાં ગામના સવર્ણ પશુપાલકોની એક મીટિંગ મળી હતી. જેમાં રાણોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં વાલ્મીકિ સમાજના લોકોનું દૂધ ન લેવું તેવો ઠરાવ કરાયો હતો. જેમાં ગામના સવર્ણોએ સહીઓ કરી સંમતિ દર્શાવી હતી. પરંતુ દૂધ મંડળી આ તમામ બાબતથી અજાણ છે, તેવું લોકો દ્વારા જાણવા મળ્યું છે. આ મામલે કલેક્ટરને જાણ થતા તેમણે તપાસના આદેશ આપ્યા છે. જોવાનું એ રહેશે કે કલેક્ટરનો આદેશ ખરેખર વાલ્મિકી સમાજના પશુપાલકોને ન્યાય અપાવે છે કે પછી માત્ર એક ઔપચારિકતા બનીને રહી જાય છે.

આ પણ વાંચો: દલિત વિદ્યાર્થિનીએ બટેટા કાપ્યા તો રસોઈયાએ મધ્યાહન ભોજન ન બનાવ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.