સવર્ણ પ્રેમિકાના પરિવારની મારામારીથી તંગ દલિત યુવકે આત્મહત્યા કરી

સવર્ણ યુવતીને દલિત યુવક સાથે પ્રેમ હોવાથી લગ્ન કરવા હતા. પણ તેનો પરિવાર સતત યુવકને હેરાન કરતો હતો. જેથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી લીધી.

સવર્ણ પ્રેમિકાના પરિવારની મારામારીથી તંગ દલિત યુવકે આત્મહત્યા કરી
image credit - Google images

મરાઠી ભાષાની સર્વાધિક કમાણી કરતી ડિરેક્ટર નાગરાજ મંજુળેની માસ્ટરપીસ ફિલ્મ "સૈરાટ" જેમણે જોઈ હશે તેમને ઓનરકિલીંગ વિશે વધુ કંઈ કહેવાની જરૂર નહીં પડે. ભારતમાં આજે પણ જાતિવાદને ટકાવી રાખવામાં ઓનરકિંલીંગ સૌથી મોટું કારણ છે. ભારતમાં દર વર્ષે અનેક પ્રેમી યુગલોની અન્ય જાતિમાં પ્રેમ લગ્ન કરવા બદલ તેમના પરિવારજનો દ્વારા હત્યા કરી દેવામાં આવે છે. હજુ બે દિવસ પહેલા એક યુવતીની અન્ય જાતિના યુવક સાથે લગ્ન કરવા બદલ તેના ભાઈએ જાહેર રોડ પર ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. 

ઓનરકિલીંગની આવી જ એક ઘટના તેલંગાણામાં સામે આવી છે. જ્યાં એક દલિત યુવક સાથે સવર્ણ યુવતીને પ્રેમ થઈ ગયો હતો અને તેણીને તેની જ સાથે લગ્ન કરવા હતા. યુવતીની આ વાત તેના પરિવારને જરાય પસંદ નહોતી. આથી તેઓ સતત યુવતીના પ્રેમી દલિત યુવકને હેરાન પરેશાન કરતા હતા. એકથી વધુ વખત યુવતીના ભાઈઓએ તેની સાથે મારામારી કરી હતી. તેમની આ હરકતોથી કંટાળી જઈને આખરે યુવકે આત્મહત્યા કરી લીધી હતી.

ઘટના તેલંગાણાના કુકટપલ્લી વિસ્તારની છે. જ્યાં એક ખાનગી કોલેજમાં બીકોમનો અભ્યાસ કરતા એક દલિત યુવકે આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે એક કથિત સવર્ણ જાતિની યુવતી દલિત યુવકના ગળાડૂબ પ્રેમમાં હતી. તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. પણ તેના પરિવારજનો તેના આ નિર્ણયની વિરોધમાં હતા. આથી તેમણે તેના પ્રેમી દલિત યુવકને માર મારી હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. એકથી વધુ વાર યુવક સાથે યુવતીના પરિવારજનોએ મારામારી કરી હતી.

આ પણ વાંચો: તમિલનાડુની સ્ટાલિન સરકારનું પ્રગતિશીલ પગલું, બાળકોને જાતિભેદથી વાકેફ કરાવવા શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજશે

યુવકનું નામ સુનીલ હોવાનું સામે આવ્યું છે. કૉલેજમાં તેની સાથે ભણતી એક કથિત સવર્ણ જાતિની યુવતીને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો અને તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. જેની જાણ તેના પરિવારજનોને થઈ જતા તેઓ યુવકની દલિત જાતિના કારણે લગ્નના વિરોધમાં હતા. આથી તેમણે યુવકને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું.

ઘટના સોમવાર રાતની છે. એ વખતે સુનીલ અને તેના મિત્રો એક દુકાને બેઠા હતા. જ્યાં યુવતીનો ભાઈ અને તેના કાકાનો દીકરો આવી પહોંચ્યા હતા. અચાનક બંનેએ મળીને સુનીલ પર બિયરની બોટલથી હુમલો કરી દીધો હતો. એ પછી તેઓ યુવતીની માતા સાથે સુનીલના ઘરે પહોંચી ગયા હતા અને સુનીલ અને તેના પરિવારજનો સાથે મારામારી કરી હતી. જેમાં સુનીલના પરિવારજનોને પણ ઈજા પહોંચી હતી. યુવતીના પરિવારજનો તરફથી થતા આવા સતત હુમલાઓથી અને સતામણીથી સુનીલ ભારે દુઃખી રહેતો હતો, એમાં એ લોકોએ ફરી તેના પરિવાર પર હુમલો કરતા સુનીલે એ જ રાત્રે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

આંધ્રપ્રદેશથી તેલંગાણા આવીને વસેલો સુનીલનો પરિવાર અહીંના કુકટપલ્લી પોલીસ સ્ટેશનમાં આવતા શમશીગુડામાં રહેતો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવતીના પરિવારજનો તેમના સંબંધથી ખુશ નહોતા. તેમ છતાં યુવતી સુનીલ સાથે જ લગ્ન કરવા માંગતી હતી, મનાઈ કરવા છતાં તેણે સુનીલ સાથે સંબંધ ચાલું રાખ્યા હતા અને ફોન પર તેની સાથે વાતચીત કરતી રહેતી હતી. બંનેના પરિવારજનો વચ્ચે અગાઉ પણ વિવાદ થઈ ચૂક્યો હતો પણ બંનેના પ્રેમસંબંધ ચાલુ રહેતા તેનું પરિણામ દુઃખદ આવ્યું હતું.

કુકટપલ્લી પોલીસના જણાવ્યા પ્રમાણે યુવતીની માતા, ભાઈ અને પિતરાઈ વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રેરવાની સાથોસાથ એસસી એસટી એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા છે અને તેમની શોધખોળ ચાલુ છે. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: "યાદ રાખજે! જ્યાં મળીશ ત્યાં જ મારી નાખીશ" અને એવું જ થયું...


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.