તું નાડિયા થઈને મૂછો રાખે છે કહીને નશામાં ધૂત બે દરબારોએ યુવક પર કુહાડીથી હુમલો કર્યો.

ઉત્તર ગુજરાતમાં જાણે જાતિવાદી તત્વોને કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ દલિતો પર અત્યાચારની એક પછી એક ઘટનાઓ સામે આવી છે. હાલમાં જ અનુસૂચિત જાતિ સમાજના લગ્નોમાં હુમલાની તમામ ઘટનાઓ પણ આ વિસ્તારમાં બની છે. જેની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં વધુ એક દલિત અત્યાચારની ઘટના બની છે. જેમાં બે દરબારોએ કશા જ કારણ વિના એક નાડિયા સમાજના યુવકને રસ્તામાં રોકીને જાતિસૂચક ગાળો બોલી, ચશ્મા ઉતરાવી, ઈન શર્ટ કઢાવી, મૂછો રાખવા બદલ ગાળો ભાંડીને કુહાડીથી હુમલો કર્યો હતો. વાંચો આ રિપોર્ટ.

તું નાડિયા થઈને મૂછો રાખે છે કહીને નશામાં ધૂત બે દરબારોએ યુવક પર કુહાડીથી હુમલો કર્યો.

વધુ એક વાર અનુસૂચિત જાતિના યુવક પર કારણ વિના ફક્ત તેની જાતિના કારણે નશામાં ધૂત બે માથાભારે દરબારોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મામલો મહેસાણા જિલ્લાનો છે. અહીં કડી તાલુકાના આદુંદરા ગામનો એક અનુસૂચિત જાતિ સમાજનો યુવક પરિવારમાં લગ્નપ્રસંગ હોઈ ચાના કપ લેવા માટે બાજુના ગામ નગરાસણ ગયો હતો, જ્યાં રસ્તામાં નશામાં ધૂત બે દરબારોએ તેને રોકીને તેની જાતિ પૂછ્યા બાદ તેના ચશ્મા કઢાવ્યા હતા, મૂછો રાખવા બદલ તેને થપ્પડ મારી દીધી હતી અને ઈન શર્ટ કર્યું હતું તે કઢાવી માફી મગાવી હતી. આટલું ઓછું હોય તેમ યુવક ત્યાંથી ભાગવા જતા કુહાડીથી હુમલો કરતા યુવકની આંગળી પર ફ્રેક્ચર થઈ ગયું હતું. એ પછી પણ આ નશામાં ધૂત બંને દરબારો યુવકના ઘરે પહોંચી ગયા હતા અને તેના પરિવારજનોને બેફામ ગાળો બોલી હતી. આ મામલે કડી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. 

શું થયું હતું?

મામલો મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા આદુંદરા ગામનો છે. અહીં અજયભાઈ નાડિયા તેમના મોટાબાપુની દીકરીના લગ્ન હોવાથી મહેમાનો માટે ચાના કપ લેવા માટે બે મિત્રો સાથે બાજુમાં આવેલા નગરાસણ ગામે ઓટો રિક્ષા લઈને ગયા હતા. બપોરે બે વાગ્યા આસપાસ તેઓ પરત ફરતી વખતે નવાની તલાવડી તરીકે ઓળખાતા રસ્તેથી પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન નશામાં ધૂત બે શખ્સો રસ્તાની બાજુમાં આવેલા વાડામાંથી આવીને રિક્ષાને રોકાવી બેફામ ગાળો બોલવા લાગ્યા હતા. અજયભાઈએ તેમને ગાળો ન બોલવા વિનંતી કરતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને વધુ ઉગ્રતાથી ગાળો બોલવા લાગ્યા હતા. એ દરમિયાન આરોપીઓએ તેમની જાતિ પૂછી હતી. જેમાં અજયભાઈએ પોતે આદુંદરા ગામના નાડિયા સમાજના હોવાનું જણાવતા બંને દરબારોએ તેમને, “તું ઢે#@ નાડિયો થઈને ચશ્મા પહેરે છે, મૂછો રાખે છે, ઈન શર્ટ કરીને ફરે છે ચાલ ઉતાર.” એમ કહીને તેમના ડાબા ગાલ પર લાફો માર્યો હતો અને પછી ચશ્મા ઉતરાવી, ઈન શર્ટ કઢાવીને માફી મગાવી હતી. એ દરમિયાન અજયભાઈની સાથે રહેલા બે મિત્રોએ બંનેને સમજાવવા પ્રયત્ન કર્યો હતો પણ નશામાં ધૂત તેઓ માન્યા નહોતા. આખરે અજયભાઈ સહિતના લોકો રિક્ષા ચાલુ કરીને ત્યાંથી ભાગી નીકળવા પ્રયત્ન કરતા આરોપી દરબાર પૈકીના એકે રિક્ષા બેસવા જતા અજયભાઈ પર કુહાડીથી હુમલો કર્યો હતો. જો કે અજયભાઈએ બચાવમાં હાથ આડો કરી દેતા કુહાડી અવળી થઈ ગઈ હતી અને તેનો હાથો તેમના હાથની આંગળી પર વાગ્યા ફ્રેક્ચર થઈ ગયું હતું. જેમ તેમ કરીને તેઓ ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને જાણ કરીને લગ્ન પ્રસંગે પહોંચ્યા હતા. એ દરમિયાન બંને આરોપીઓ તેમનો પીછો કરતા છેક ઘર સુધી આવી પહોંચ્યા હતા. જો કે, અજયભાઈ ઘરે હાજર ન હોવાથી બંને આરોપીઓ તેમના પરિવારની મહિલાઓ સાથે બેફામ ગાળાગાળી કરી હતી. આખરે સ્થાનિકો અને ગામના અન્ય એક દરબારે સમજાવતા તેઓ ગાળો બોલતા જતા રહ્યા હતા. આ મામલે કડી પોલીસ સ્ટેશનમાં નગરાસણના ભુરાજી દિલુજી ગોહિલ અને તેમના સાથી એવા અજાણ્યા આરોપી સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

કડી પોલીસે કાચી ફરિયાદમાંથી મહત્વની હકીકત ગાયબ કરી નાખી

આ ઘટનામાં કડી પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઈ છે. ફરિયાદી અજયભાઈના જણાવ્યા પ્રમાણે, તેમણે પોલીસ સ્ટેશનમાં કાચી ફરિયાદમાં જે વિગતો લખાવી હતી તેમાંથી પોલીસે તેમને આરોપીઓએ જાતિવિષય ગાળો બોલી ચશ્મા ઉતરાવ્યા, ઈન શર્ટ કઢાવ્યું અને નાડિયા થઈને મૂછો કેમ રાખે છે, જેવી સૌથી મહત્વની ગણાતી માહિતી ઓનલાઈન ફરિયાદની કોપીમાંથી કાઢી નાખી હતી. કડી પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડ(જેઓ પોતે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે.) પર આ મામલે શંકાની સોય તકાઈ છે. આ પોલીસ સ્ટેશનના રાઈટર પોતે દરબાર જ્ઞાતિના હોવાથી તેમનો પણ આમાં હાથ હોવાનું ફરિયાદી અજયભાઈનું માનવું છે.

આ મામલે નવસર્જન ટ્રસ્ટના કાર્યકર ભરતભાઈ પરમાર, શાંતાબહેન, દલિત સમાજના આગેવાનો સુરેશભાઈ, વિશાલભાઈ તથા ભીમ આર્મીના દેવેન્દ્રભાઈને પોલીસની કામગીરીને લઈને વિરોધ નોંધાવ્યો છે. આ તમામ સામાજિક કાર્યકરોએ પીડિત અજયભાઈની સાથે રહીને ફરિયાદ નોંધાવવામાં મદદ કરી હતી. અને ફરિયાદીએ કાચી ફરિયાદમાં લખાવેલી ફરિયાદ મુજબ જ ઓનલાઈન ફરિયાદમાં વિગતો ઉમેરવા જણાવ્યું છે.

ફરિયાદીઓ પર દબાણ લાવવા અનેક દરબારો પોલીસ સ્ટેશન પહોંચી ગયા

પીડિત અજયભાઈ નાડિયાના જણાવ્યા પ્રમાણે, આરોપીઓ દરબાર કોમના હોવાથી તેમના પર ફરિયાદ ન નોંધાય તે માટે તેમની કોમના અનેક લોકો ફરિયાદ લખાવવા દરમિયાન પોલીસ સ્ટેશનની બહાર પહોંચી ગયા હતા. આડકતરી રીતે તેમના પર ફરિયાદ ન કરવા અને સમાધાન કરી લેવા માટે ભારે દબાણ કરવામાં આવ્યું હતું. પણ અજયભાઈએ જરાય નમતું ન જોખીને સમાજના કાર્યકરોની મદદથી ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : મહેસાણાના ધનપુરામાં જાતિવાદીઓ બેફામ, દલિત વરરાજાનો વરઘોડો રોકી ધોકા-લાકડીઓથી હુમલો કર્યો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.

 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.