મહેસાણાના ધનપુરામાં જાતિવાદીઓ બેફામ, દલિત વરરાજાનો વરઘોડો રોકી ધોકા-લાકડીઓથી હુમલો કર્યો

ગુજરાતમાં જાતિવાદી તત્વોને જાણે કાયદો-વ્યવસ્થાનો કોઈ ડર જ ન હોય તેમ વર્તી રહ્યાં છે. ગઈકાલે મહેસાણાના ધનપુરામાં ગામમાં દલિત યુવાનનો વરઘોડો જાતિવાદીઓએ રોકીને હુમલો કર્યો હતો. વાંચો સમગ્ર અહેવાલ વિસ્તારથી.

મહેસાણાના ધનપુરામાં જાતિવાદીઓ બેફામ, દલિત વરરાજાનો વરઘોડો રોકી ધોકા-લાકડીઓથી હુમલો કર્યો

કહેવાતા વિકસિત ગુજરાત અને દેશના કથિત રામરાજ્યમાં દલિતો પરના અત્યાચારોમાં જરાય ઓટ આવી નથી. જાતિવાદી તત્વો બેફામ બનતા જાય છે અને દલિતો જાણે તેમના ગુલામ હોય તેમ વર્તે છે. આવો જ એક બનાવ ગઈકાલે મહેસાણા જિલ્લાના ધનપુરા ગામમાં બન્યો હતો. જ્યાં ગામના એક દલિત યુવકે વરઘોડો કાઢતા માથાભારે જાતિવાદી તત્વોએ તેમને રોક્યા હતા અને લાકડી-ધોકાઓ વડે હુમલો કરી વરરાજા અને તેમના પરિવારજનોને જાતિસૂચક ગાળો બોલીને હડધૂત કર્યા હતા. જો કે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના યુવા એકવોકેટ કૌશિકભાઈ પરમારની જાણમાં આખો મામલો આવતા તેમણે પોલીસને જાણ કરતા પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે ગઈકાલે તા. 29 જાન્યુઆરીના રોજ મહેસાણાના બેચરાજી તાલુકાના ધનપુરા ગામે દલિત યુવાન રાહુલ બળદેવભાઈના લગ્ન હોવાથી તેમણે ઘોડી પર બેસીને વરઘોડો કાઢ્યો હતો. જે ગામના કેટલાક દરબાર અને ઠાકોર સમાજના જાતિવાદી તત્વોને ગમ્યું નહોતું. વરઘોડો કાઢવો જાણે તેમનો જ અધિકાર હોય તેમ આવા 4-5 લુખ્ખા તત્વોએ રાહુલભાઈનો વરઘોડો રોક્યો હતો અને ધોકા, લાકડીઓથી હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. સાથે જ ઘોડીવાળાને પણ માર મારીને ભગાડી મૂક્યો હતો. આ જાતિવાદી લુખ્ખા તત્વોએ વરરાજા અને તેમના પરિવારજનોને જાતિસૂચક ગાળો બોલીને ‘તમે નીચી જાતિના છો, તમે ગામમાંથી વરઘોડો ના કાઢી શકો’ એમ હડધૂત કરીને હુમલો કરતા જાનમાં અફડાતફડી મચી ગઈ હતી.

બીજી તરફ આ સમગ્ર ઘટનાની જાણ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના યુવા એકવોકેટ કૌશિકભાઈ પરમારને થતા તેમણે તાત્કાલિક મહેસાણા એસ.પી., ક્રાઈમ બ્રાન્ચ સહિતના લાગતા વળગતા પોલીસ અધિકારીઓને જાણ કરી હતી. આથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો ધનપુરામાં ઉતરી પડતા જાતિવાદી તત્વો ભાગી છુટ્યાં હતા. એ પછી પોલીસની હાજરીમાં ફરી ઘોડી મંગાવીને વરરાજા રાહુલભાઈનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલામાં એડવોકેટ કૌશિકભાઈ પરમારની કામગીરીની પ્રશંસા કરવી પડે, તેમની સમાજ પ્રત્યેની નિષ્ઠા, પ્રતિબદ્ધતાને કારણે પોલીસ સમયસર અહીં પહોંચી શકી હતી અને મામલો થાળે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દર વર્ષે લગ્નની સિઝનમાં દલિત વરરાજાના વરઘોડા પર હુમલાના બનાવો બને છે પરંતુ કથિત મુખ્યધારાનું મીડિયા તેને જરાય ગંભીરતાથી લેતું નથી. જાતિવાદી તત્વોને છાવરવાની મીડિયાની આ માનસિકતાને કારણે ચોથી જાગીર પર દલિત-પીડિત, શોષિત સમાજનો તેના પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. હાલ સમગ્ર ગામ પોલીસ સુરક્ષા હેઠળ હોવા છતાં કથિત મુખ્યધારાના મીડિયામાં તેની ગંભીરતા જરાય દેખાતી નથી.

આ પણ વાંચો :  પરિવર્તનનો પવનઃ અમરેલીમાં વર-કન્યાએ બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા!

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.

 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.