એટ્રોસિટીના કેસમાં કોર્ટે પહેલીવાર ‘માનસિક યાતના’ મુદ્દે આરોપીને રૂ. 10 હજાર દંડ ફટકાર્યો
ગુજરાતમાં એટ્રોસિટીના કેસોમાં સજાનો દર 3 ટકા કરતા પણ ઓછો છે. ગંભીર ગુનાઓના આરોપીઓને પણ કોર્ટ છટકબારીઓનો લાભ આપીને જામીન આપી દેતી હોય છે, એવામાં હાલોલની કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચૂકાદો આપતા પહેલીવાર એટ્રોસિટીના કેસમાં પીડિતને માનસિક યાતના પહોંચાડવા બદલ આરોપીને રૂ. 10,000 દંડ ફટકાર્યો છે. વાંચો આખો મામલો વિસ્તારથી.

શું હતો મામલો?
આ કેસની મળતી વિગતો પ્રમાણે પીડિત વાલજીભાઈ મુળાભાઈ વણકર કે જેઓ રામપુર (જોડકા) ડુંગરી ફળીયુ, તા.ગોધરા જી.પંચમહાલ મુકામે તેઓના કુટુંબ સાથે રહે છે. તા.૧૯/૫/૨૦૨૦ ના રોજ બપોરના ત્રણેક વાગ્યે તેઓ તથા તેમના પત્ની ઘરે હતા તે વખતે તેમના ઘરની સામે રહેતા ગોરધનભાઈ શનાભાઈ બારીયા તેના ભાણીયા કિરણને ગાળો બોલતા હતા. આથી વાલજીભાઈએ તેમને ગાળો નહી બોલવા કહેતા ગોરધનભાઈએ તેમને જાતિસૂચક ગાળો બોલીને અપમાનિત કર્યા હતા. આથી પીડિત વાલજીભાઈ સાઈકલ લઈને ગામના સરપંચ કનુભાઈને જાણ કરવા જતા આરોપી ગોરધનભાઈએ છરીથી તેમના માથાના પાછળના ભાગે હુમલો કર્યો હતો. જેમાં વાલજીભાઈને ગંભીર ઈજા થઈ હતી. દરમિયાન બુમાબુમ થતા વાલજીભાઈના પત્ની સહિતના લોકો દોડી આવ્યા હતા અને તેમને વધુ મારથી બચાવ્યા હતા. એ દરમિયાન આરોપી ગોરધનભાઈ "હવે તો જવા દઉં છું, પણ બીજીવાર મારું નામ લઈશ તો જાનથી મારી નાખીશ" તેવી ધમકી આપી જતો રહ્યો હતો. જ્યારે વાલજીભાઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
આ મામલે આરોપી સામે ફરિયાદી વાલજીભાઈએ જ્ઞાતિ નિર્મૂલન સમિતિના સહસંયોજક મનુભાઈ રોહિતના માર્ગદર્શન હેઠળ તા.૧૯/૦૫/૨૦૨૦ ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૨૦૭૦ ૭૬૨૦૦૨૭૭/૨૦૨૦, ઈ.પી.કો. કલમ: ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી. એકટ કલમઃ ૧૩૫ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૧) (આર) (એસ), ૩(૨)(૫-એ) મુજબ ફરિયાદ નોધાવી હતી. મનુભાઈ દ્વારા કાનૂની માર્ગદર્શન અને સહયોગથી ફરિયાદ નોંધાવ્યા બાદ કેસની સમગ્ર દરમિયાન ટ્રાયલ દરમ્યાન પણ કાનૂની મદદ કરવામાં આવી હતી. સદર કેસ એસ.સી.ગાંધી સાહેબ, બીજા સ્પેશીયલ જજ(એટ્રોસીટી એકટ) એડિશનલ કોર્ટ હાલોલ ખાતે સ્પે. એટ્રો. ૦૪/૨૦૨૦ થી ચાલી જતા આ કામના આરોપી ગોરધનભાઈ શનાભાઈ બારીયાને ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ:૨૩૫(૨) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમઃ૩ર૪ મુજબના ગુન્હાના કામે ૨ વર્ષની સાદી કેદ, ભારતીય દંડ સંહિતાની કલમઃ ૫૦૪ મુજબના ગુન્હાના કામે ૧ વર્ષની સાદી કેદ, એટ્રોસીટી એકટની કલમઃ ૩(૨)(૫-એ) મુજબના ગુનાના કામે ૨ વર્ષની સાદી કેદની સજા અને રૂ.૫,૦૦૦/- દંડ, ગુજરાત પોલીસ એકટની કલમઃ૧૩૫ મુજબના ગુનાના કામે ૧ વર્ષની સાદી કેદની સજા એમ કુલ 6 વર્ષની સજા, અને જો આરોપી તેને કરવામાં આવેલ કુલ દંડની રકમ રૂ.૫,૦૦૦/-(અંકે રૂપીયા પાંચ હજાર પુરા) ભરપાઈ કરવામાં કસુર કરેથી દંડની રકમ ભારતીય દંડ સંહિતાની કલમ-૬૭ મુજબ વસુલ કરવાનો હુકમ કરવામાં આવેલ છે.
પહેલીવાર માનસિક યાતના આપવા બદલ આરોપીને રૂ. 10000 દંડ ફટકારાયો
આ કેસની સૌથી નોંધનીય બાબત એ રહી કે કદાચ પહેલીવાર કોર્ટે એટ્રોસિટીના કેસમાં આરોપી દ્વારા પીડિતને માનસિક યાતના આપવા બદલ રૂ. 10 હજાર દંડ ફટકાર્યો છે. આ કેસના ફરિયાદી વાલજીભાઈએ સતત માનસિક યાતનાઓનો ભોગ બનવું પડ્યું હતું. જેને ધ્યાને લઈને કોર્ટે ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમઃ ૩૫૭ મુજબ તેમજ સર્વોચ્ચ અદાલતે, એ.આઈ.આર.૨૦૧૩, સુપ્રિમ કોર્ટ, પાન નં.ર૪૫૪ થી લીટાસિંહ અને બીજાઓ વિ. સ્ટેટ ઓફ રાજસ્થાનના ચૂકાદામાં પ્રસ્થાપિત કરેલ સિધ્ધાંત મુજબ ગુન્હાના ભોગ બનનાર તરીકે આરોપી પાસેથી રૂ.૧૦,૦૦૦/- (અંકે રૂપીયા દસ હજાર) વળતર તરીકે અપાવવાનો હુકમ કર્યો હતો. સાથે જો આરોપી આ રકમ ચૂકવવાનો ઈનકાર કરે તો સુપ્રીમ કોર્ટના વર્ષ 2012ના આર. મોહન વિ. એ.કે. વિજયાકુમારના ચૂકાદામાં પ્રસ્થાપિત કરેલા સિધ્ધાંત મુજબ આરોપી ને ૩(ત્રણ) માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કર્યો છે.
આ મામલે જ્ઞાતિ નિર્મૂલન સમિતિના સહ સંયોજક મનુભાઈ રોહિતે જણાવ્યું હતું કે, "મારી ૨૫ વર્ષની સામાજિક કાર્યકર અને માનવ અધિકાર સંરક્ષક તરીકેની કારકિર્દીમાં આ પહેલો એવો કેસ જોયો છે, જેમાં કોર્ટે ફરિયાદીને થયેલા શારીરિક અને માનસિક યાતનાના નુકસાનીના વળતર પેટે રૂ. 10,000 હજારનો દંડ ફટકાર્યો હોય. જો આરોપી સદર વળતર ફરિયાદીને ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજા જાહેર કરેલ છે. આ એક ઐતિહાસિક ચૂકાદો છે, જે ભવિષ્યમાં એટ્રોસિટીના અન્ય કેસોમાં પણ મદદગાર સાબિત થશે.”
જ્ઞાતિ નિર્મૂલન સમિતિના સંયોજક સંજય પરમારનું કહેવું છે કે, “અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) સુધારણા અધિનિયમ-૨૦૧૮ની મૂળ કલમ ૩(૧) (ઈસી) મુજબ ભોગ બનનારે આ અધિનિયમ હેઠળના અરજદાર/આરોપીઓએ કરેલા ગુનાના પરિણામે શારીરિક, આર્થિક, મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક નુકસાન અનુભવેલ હોઈ તે સદર અધિનિયમ હેઠળ અત્યાચાર ગણાય. આમ અત્યાચાર અધિનિયમની મૂળ કલમ ૩(૧) હેઠળ માનસિક યાતના/નુકશાની પેટે વળતર ચૂકવવાનો હુકમ કરવો તે નામદાર અદાલતનું સરાહનીય અને પ્રશંસનીય કામ છે.”
આ પણ વાંચો : જે હોટલમાં દલિતોને પ્રવેશવા નહોતા દીધા, એમાં જ બેસાડીને મીઠાઈ ખવડાવવી પડી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.