ટોળાંએ દલિત આંગણવાડી કાર્યકર મહિલાને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો
'બાળકોને ઈંડા ખાવા કેમ નથી આપતી?' કહી ટોળાંએ દલિત આંગણવાડી કાર્યકર મહિલાને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો હતો. હાલ તેની હાલત ગંભીર છે.
માણસ આધુનિકતાની સાથે સુધરવાને બદલે દિન પ્રતિદિન જંગલી બનતો જતો હોય તેવી સ્થિતિ પેદા થઈ રહી છે. ખાસ કરીને દલિતો, આદિવાસીઓના મામલાઓમાં તો માથાભારે તત્વો બમણાં આક્રમક થઈને તૂટી પડે છે. સામેની વ્યક્તિ માણસ છે અને તેની સાથે આ રીતે ન વર્તી શકાય તેવું જાણતા હોવા છતાં તેમને કાયદો વ્યવસ્થાનો જરાય ડર લાગતો નથી અને એવું કૃત્ય કરી બેસે છે જેના વિશે વિચારીને પણ કંપારી છુટી જાય.
આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે. જેમાં એક ગામમાં આંગણવાડી કેન્દ્રમાં કથિત રીતે બાળકોને ખાવાનું ઉપલબ્ધ ન કરાવવા બદલ ગામલોકોએ એક દલિત આંગણવાડી કાર્યકર મહિલાને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો.
ઘટના ઓરિસ્સાના બાલાસોરની છે. અહીં મહાપાડા ગામમાં આવેલા આંગણવાડી કેન્દ્રમાં કાર્યકર દલિત મહિલા બાળકોને ખાવાનું ઉપલબ્ધ કરાવી શકી નહોતી. જેનાથી ઉશ્કેરાયેલા ગામલોકોએ તેને ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. ઘટના 19 સપ્ટેમ્બરની હોવાનું કહેવાય છે. કોઈએ આ ઘટનાનો વીડિયો મોબાઈલ ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં મૂકી દેતા તે વાયરલ થયો હતો.
નાયબ મુખ્યમંત્રીએ વીડિયો જોયો અને કાર્યવાહીના આદેશ આપ્યા
વાયરલ વીડિયો રાજ્યના ડેપ્યુટી સીએમના ધ્યાન પર આવતા તેમણે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ઓડિશાના નાયબ મુખ્ય પ્રધાન પ્રભાતી પરિદા પીડિત મહિલા ઉર્મિલા સામલને મળ્યા હતા અને તેને મફત તબીબી સહાય અને સુરક્ષા પ્રદાન કરવાનું વચન આપ્યું હતું. પરિદાએ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી (CDMO) અને પોલીસ અધિક્ષકને આ મામલે તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો છે.
ગ્રામજનોએ મહિલાને ઝાડ સાથે બાંધીને માર માર્યો
મળતી માહિતી મુજબ ગ્રામજનો આંગણવાડી કેન્દ્રમાં ઘૂસી ગયા હતા અને મહિલા સાથે ગેરવર્તન કર્યું હતું. જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો ગામલોકોએ તેને ઝાડ સાથે બાંધી અને નિર્દયતાથી માર માર્યો. જ્યારે મહિલાને માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે કેટલાક લોકો મૂકદર્શક બનીને તમાશો જોઈ રહ્યા હતા પરંતુ કોઈ મહિલાની મદદે આવ્યું નહોતું.
આ પણ વાંચો: આંગણવાડીનું કામ ટલ્લે ચડતાં બાળકો 8 વર્ષથી કાર્યકરના ઘરમાં ભણે છે
લોકોએ મહિલા પર ઈંડા ફેંક્યા
મળતી માહિતી મુજબ એ સમયે કેટલાક લોકોએ આંગણવાડી કાર્યકર મહિલા પર ઈંડા પણ ફેંક્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે હુમલો કરનારમાં ઘણી મહિલાઓ પણ હતી. જે તેમના બાળકોને નિયમિત ભોજન ન મળતા ગુસ્સામાં હતી. આ મહિલાઓનું કહેવું છે કે ઉર્મિલા તેમના બાળકોને ભોજન આપતી ન હતી, તેમણે આ અંગે અગાઉ પણ ઘણી વખત ફરિયાદ કરી હતી.
પીડિત દલિત મહિલાની હાલત ગંભીર
ઘટનાની માહિતી મળતાં જ બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસર પાર્વતી મુર્મુ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જેમતેમ કરીને મહિલાને બચાવી હતી. એ પછી મહિલાને બસ્તા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જો કે તેની હાલત ગંભીર હોવાનું જણાતા બાલાસોર જિલ્લા સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
પોલીસ કેસની તપાસમાં લાગી ગઈ
આ ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ માર મારવાનું સ્પષ્ટ કારણ હજુ બહાર આવ્યું નથી. એમ માનવામાં આવે છે કે આ હુમલો સુભદ્રા યોજના સાથે સંબંધિત હોઈ શકે છે. આ ઘટનાથી આંગણવાડી કાર્યકરોની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે અને અન્ય કામદારોમાં પણ ભયનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં 2128 સરકારી આંગણવાડીઓમાંથી 1405 ભાડાના મકાનમાં ચાલે છે