નિવૃત્ત ફૌજીએ દલિત પરિવાર પર ફાયરિંગ કર્યુંઃ 1 નું મોત, 2 ઘાયલ

વીજળીનો તાર કપાઈ જતા એક નિવૃત્ત ફૌજીએ દલિત પરિવાર પર પિસ્તોલથી ફાયરિંગ કરતા 1 વ્યક્તિનું મોત થઈ ગયું, જ્યારે અન્ય બે લોકોની હાલત ગંભીર છે.

નિવૃત્ત ફૌજીએ દલિત પરિવાર પર ફાયરિંગ કર્યુંઃ 1 નું મોત, 2 ઘાયલ
image credit - Google images

જાતિવાદી તત્વોને જ્યારે કોઈ બાબતે વાંધો પડે છે અને સામેના પક્ષે દલિત કે આદિવાસી સમાજની વ્યક્તિ હોય ત્યારે તેઓ પોતાની જાતિના અભિમાનની સાથે પોતે કાયદાથી પણ પર હોય તેમ વર્તવા માંડે છે. સામે પડનાર દલિત છે એ જાણ્યા પછી તેમનામાં એક જુદા પ્રકારનો આત્મવિશ્વાસ આવી જતો હોય છે. એ પછી તેમને કાયદો વ્યવસ્થાનું પણ ભાન નથી રહેતું અને સામેની વ્યક્તિ કે પરિવારને સીધા સબક શીખવાડવાના ઈરાદા સાથે મારઝૂડ પર ઉતરી આવે છે. આવી જ એક ઘટના ગઈકાલે બની ગઈ. જ્યાં એક નિવૃત્ત આર્મીમેને સામાન્ય બાબતમાં પડોશમાં રહેતા દલિત પરિવાર પર ગોળીબાર કરી દીધો. જેમાં ત્રણ લોકો ઘાયલ થઈ ગયા અને પરિવારના મોભીનું મોત થઈ ગયું અને બે લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

નિવૃત્ત ફૌજીની દાદાગીરી
મામલો મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરના મહારાજપુરા પોલીસ સ્ટેશનના રસૂલપુર વિસ્તારનો છે. જ્યાં સામાન્ય બાબતે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. નિવૃત્ત ફૌજી યશવીર ભદૌરિયાએ લાયસન્સવાળી પિસ્તોલથી દલિત પરિવારના સભ્યો પર ફાયરિંગ કરી દીધું. આ હુમલામાં દલિત પરિવારના મોભીનું મોત થઈ ગયું જ્યારે અન્ય બે સભ્યો ઘાયલ થયા હતા. આરોપી યશવીરના ઘર બાજુ જતી વીજળીની લાઈનનો તાર કપાવાથી આ વિવાદ ઉભો થયો હતો. જેને લઈને ઉશ્કેરાયેલા યશવીર ભદૌરિયાએ દલિત પરિવાર પર પોતાની લાયસન્સવાળી પિસ્તોલથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. દલિત પરિવારના મોભીનું મોત થતા પરિવારજનોએ ભારે હોબાળો કર્યો હતો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

વીજળીનો તાર કાપવાનો વિવાદ
પીડિત પરિવારનું કહેવુ છે કે, તેમના પરિવારના રાજવીર જાટવે ફૌજી યશવીર ભદૌરિયાને ટ્રાન્સફોર્મર પર ગેરકાયદેસર રીતે તાર નાખતા રોક્યો હતો. જેને લઈને રવિવારે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. એ વખતે પડોશીઓએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો. પણ બીજા દિવસે સવારે યશવીર ભદૌરિયા તેના પિતા અને અન્ય બે સાથીઓ સાથે પિસ્તોલ લઈને આવી પહોંચ્યો હતો. એ દરમિયાન રાજવીર જાટવ, તેનો ભાઈ ધર્મવીર જાટવ અને ભાભી સંજના જાટવ પોતાના ઘરે જ હાજર હતા. આરોપી યશવીર ભદૌરિયાએ ગાળાગાળી કરીને રાજવીર, ધર્મવીર અને સંજના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું અને પછી ભાગી ગયો. ઘટનામાં રાજવીર, ધર્મવીર અને સંજના જાટવ ગોળી વાગવાથી ઘાયલ થઈ ગયા. તેમને સારવાર માટે જયારોગ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં રાજવીરનું મોત થઈ ગયું હતું.

આ પણ વાંચોઃ ચાર પોલીસ સ્ટેશનના જાપ્તા વચ્ચે દલિત પરિવારનો વરઘોડો નીકળ્યો

રવિવારે યશવીર ભદૌરિયાના ઘરે જતો વીજળીનો તાર કપાઈ ગયો હતો અને વીજળી જતી રહી હતી. જેને લઈને ભદૌરિયાને લાગ્યું કે રાજવીર જાટવના પરિવારના કોઈ સભ્યે તેના ઘરની વીજળીનો સપ્લાય બંધ કરવા માટે તાર કાપી નાખ્યો છે. એ પછી તે વેર વાળવા ઉતાવળો બન્યો હતો.

ગોળીબારમાં 3 લોકો ઘાયલ, 1 નું મોત
માથાભારે ભદૌરિયાએ કરેલા ગોળીબારમાં દલિત રાજવીરના પરિવારના ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન રાજવીરનું મોત થઈ ગયું. જ્યારે બાકીના બે લોકોની સારવાર ચાલી રહી છે.

રાજવીરના પરિવારના એક સંબંધી અજય જાટવે આરોપ લગાવતા કહ્યું હતું કે, "વીજળીની લાઈન તો એક બહાનું છે. હકીકતે ભદૌરિયા વર્ષોથી અમે દલિત હોવાના કારણે અમને હેરાન કરતો હતો. તેને કોઈને કોઈ રીતે અમને સબક શીખવાડવાનું બહાનું જોઈતું હતું. તે કોઈપણ ભોગે અમને અહીંથી ખદેડવા માંગતો હતો. તે ઈચ્છતો હતો કે અમે આ ઘર છોડીને જતા રહીએ. મધ્યપ્રદેશની સરકાર તો હવે સીધી બુલડોઝર લઈને જ ન્યાય તોળવા નીકળી પડે છે. તો શું ભદૌરિયા જેવા જાતિવાદી તત્વોના ઘર પર તેઓ બુલડોઝર ચલાવીને તેનું ઘર તોડી પાડશે ખરા? અમે અમારા ઘરનો મોભી ગુમાવ્યો છે. ભદૌરિયા જેવા નિવૃત્ત આર્મીમેન ઘણીવાર પોતાને કાયદાથી પણ ઉપર સમજીને દલિતો, આદિવાસીઓ સાથે મનફાવે તેવું વર્તન કરતા હોય છે. આવા લોકોને કડકમાં કડક સજા થાય તો આવા બીજા તત્વોની સાન ઠેકાણે આવે. અમે તો અમારો સભ્ય ગુમાવ્યો છે, ભદૌરિયા જેવા તત્વોને સજા થાય તે જરૂરી છે."

આ ગોળીબારમાં રાજવીર અને ધર્મવીરને બે-બે ગોળીઓ વાગી હતી. જ્યારે ધર્મવીરની પત્ની સંજનાના હાથમાં ગોળી વાગી છે. ફાયરિંગ કર્યા બાદ યશવીર ભદૌરિયા અને તેના સાગરિતો ફરાર થઈ ગયા છે. ઘટનાની જાણ થતા પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને રણજીત નામના તેના સાગરિતને ઝડપી પાડ્યો હતો. જો કે મુખ્ય આરોપી યશવીર ભદૌરિયા, તેનો બાપ અને અન્ય એક સાગરિત હજુ ફરાર છે. પોલીસે હત્યાનો મામલો નોંધીને તપાસ શરૂ કરી છે.

આગળ વાંચોઃ માથાભારે તત્વોના ત્રાસથી 5 દલિત પરિવારના 40 લોકોએ હિજરત કરી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Durgesh
    Durgesh
    Tamaro phone number aapva ni ti saheb Kem Sabarmati ma ketli gatna che saheb
    1 month ago