સ્વામીએ કિશોરનું બ્રેઈનવોશ કર્યું, હવે તેને સાધુ બની જવું છે?

મોટા સમઢીયાળા ગામમાં ,જ્યાં સ્વામીનારાયણ ગુરૂકુળના એક સ્વામીએ એક કિશોરનું બ્રેઈનવોશ કરીને તેને સાધુ બનાવાની પ્રેરણા આપ્યાના આરોપ લાગ્યા છે.

સ્વામીએ કિશોરનું બ્રેઈનવોશ કર્યું, હવે તેને સાધુ બની જવું છે?
all image credit - Google images

ગીર-સોમનાથ જિલ્લાના મોટા સમઢીયાળાનો એક કિસ્સો હાલ ચોતરફ ચર્ચાઈ રહ્યો છે. આ એજ મોટા સમઢીયાળા ગામ છે જ્યાં બહુચર્ચિત ઉનાકાંડ થયો હતો. અહીં રહેતા દલિત સરવૈયા પરિવારના યુવાનોને કથિત ગૌરક્ષકો, જાતિવાદીઓએ જાહેરમાં બાંધીને માર માર્યો હતો. જાતિવાદ માટે કુખ્યાત થઈ ચૂકેલા આ ગામમાંથી હવે સ્વામીનારાયણ સંપ્રદાયના ગુરૂકુળનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

અહીંના સ્વામીનારાયણ મંદિરના એક સ્વામીજીએ ગુરૂકુળમાં ભણતા એક કિશોરનું એવું તો બ્રેઈનવોશ કરી નાખ્યું છે કે હવે તેને પોતાના માતાપિતા સાથે નથી રહેવું અને સાધુ બની જવું છે. આ કિશોરની ગુરૂકુળના સ્વામી સાથેની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે જેમાં તે બાળકને જો માતાપિતા તને ગુરૂકુળમાં મૂકવા ન આવે તો જમવાનું બંધ કરી દેવું અને કોઈની સાથે બોલવું નહીં તેવી સલાહ આપે છે. આ સિવાય આ ઓડિયો ક્લિપમાં સ્વામીજી 'તને નાઈટમેચ રમવાની મજા આવે છે ને?' તેવો સવાલ કરે છે, જેનો લોકો જુદો અર્થ તારવી રહ્યાં છે. આ મામલે હવે જેમની પર આરોપો લાગ્યા છે તે જનાર્દન સ્વામીએ ખુલાસો કર્યો છે અને અને બાળકના પરિવાર સાથે તેમને વાત થઈ ગઈ છે અને સમાધાન થઈ ગયું હોવાનું કહ્યું છે.

શું છે આખો મામલો?

ગીર-સોમનાથ જિલ્લાના મોટા સમઢીયાળામાં આવેલા સ્વામીનારાયણ મંદિરના ગુરૂકુળના એક સ્વામી પર સનસનીખેજ આરોપો લાગ્યા છે. જેમાં તેમણે ગુરૂકુળમાં અભ્યાસ કરતા એક કિશોરનું સાધુ બનાવવા માટે બ્રેઈનવોશ કર્યું હતું. કિશોર સ્વામીજીની જાળમાં એવો તો ફસાઈ ગયો હતો કે તે આખો દિવસ તેમની સાથે ફોન પર વાતો કર્યા કરતો હતો. એટલું જ નહીં તે પોતાના ઘરે રહેવાને બદલે તેને ગુરૂકુળ મૂકી જવા માટે માતાપિતાને પાસે જીદ કરતો હતો. આ જીદ પુરી કરવા માટે તે ખાવાપીવાનું પણ છોડી દેતો હતો. આ મામલે બાળકના પિતાને શંકા જતા તેમણે મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ એપ ડાઉનલોડ કરીને કિશોર અને સ્વામીજી વચ્ચેની વાતચીતના કોલ રેકોર્ડ કરી લીધાં હતા. જે સાંભળ્યા પછી તેમના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. કેમ કે, બાળક સંપૂર્ણપણે સ્વામીજીના નિયંત્રણમાં આવી ગયું હતું અને તેને સાધુ બનાવવા માટે બ્રેઈનવોશ કરાયું હોવાનું સમજાયું હતું. સ્વામીજી અને બાળક વચ્ચેની વાતચીતનો એક ઓડિયો પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે જેમાં સ્વામી બાળકને "તને નાઈટ મેચ રમવાની મજા આવે છે ને?" તેમ કરીને કોઈ જુદા જ કૃત્ય તરફ ઈશારો કરી રહ્યાં હોય તેમ લાગે છે. આ મામલે હવે સ્વામીએ તમામ આરોપો ફગાવી દીધા છે.

માતાપિતાએ ભણવા માટે મૂક્યો, સ્વામીએ બાળકને સાધુ બનવા પ્રેરણા આપી

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના વડલી ગામના અશોકભાઈ શિંગાળાએ મોટા સમઢીયાળામાં આવેલા સ્વામીનારયણ ગુરુકુળમાં તેમના પુત્રને ભણવા મૂક્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી તેમનો પુત્ર અહીં ગુરૂકુળમાં અભ્યાસ કરે છે. પરંતુ આજે પરિસ્થિતિ એવી પેદા થઈ છે કે કિશોર તેના માતાપિતા કે પરિવાર સાથે રહેવા માંગતો નથી. ગુરૂકુળમાં તે જનાર્દન સ્વામીના સંપર્કમાં આવ્યો હતો અને સ્વામીએ તેનું એવું તો બ્રેઈનવોશ કર્યું કે કિશોરને સંસારમાંથી રસ જ ઉડી ગયો અને તે હવે તેના માતાપિતા સાથે રહેવાને બદલે જનાર્દન સ્વામી સાથે ગુરૂકુળમાં જ રહેવા માંગે છે. કિશોરના પરિવારનો આરોપ છે કે જનાર્દન સ્વામીએ તેમના દીકરાનું બ્રેઈનવોશ કર્યું છે અને તેને સાધુ બનવા તરફ ધકેલી દીધો છે. હવે તે કોઈનું માનતો નથી અને માત્ર સ્વામીજીની જ વાતો કરે છે, તેમની સાથે આખો દિવસ ફોન પર લાગ્યો રહે છે. કિશોરના પરિવારે જનાર્દન સ્વામી પર તેમના પુત્રને પરિવાર વિરુદ્ધ ઉશ્કેરતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: ભાવનગરમાં આધેડે કુળદેવી સમક્ષ અગ્નિસ્નાન કરીને આત્મહત્યા કરી

પરિવારજનોનું કહેવું છે કે, જનાર્દન સ્વામીએ એ હદે તેમના પુત્રનું બ્રેઈનવોશ કર્યું છે કે અત્યારથી જ તેને સંસારમાં કોઈ રસ નથી, તે પરિવારના કોઈ પ્રસંગમાં પણ ઉત્સાહથી ભાગ નથી લેતો કે નથી કોઈની સાથે રાજીખુશીથી વાત કરતો. તે માત્ર સ્વામીજી સાથે જ વાત કરે છે. સામાન્ય રીતે પરિવારથી દૂર રહીને ભણતા વિદ્યાર્થીઓ ક્યારે વેકેશન પડે અને ઘરે જઈએ તેની રાહ જોતા હોય છે, પણ અહીં તેનાથી ઉલટું થઈ રહ્યું છે. અહીં તો આ કિશોર ઘરે જવાને બદલે માતાપિતાને પોતાને ગુરૂકુળ મૂકવા આવવાની જીદ કરે છે અને જો પરિવારજનો તેનું કહ્યું ન માને તો જમવાનું છોડી દે છે. પરિવારજનોને કિશોર પાસેથી કેટલીક નોટબુક પણ હાથ લાગી છે જેમાં સ્વામીએ માતા-પિતાનો આદર નહીં કરવાના સંસ્કાર આપ્યાનો દાવો કરાઈ રહ્યો છે. માતા-પિતા વિરુદ્ધ કેવા કૃત્યો કરવા, કેવી રીતે પોતાની વાત તેમની પાસેથી મનાવવી જેવા લખાણો તેમાં નોંધેલા છે.

નાઈટ મેચ રમવી એટલે શું?

જનાર્દન સ્વામી અને કિશોરનો એક ઓડિયો પણ સામે આવ્યો છે જેમાં કેટલીક ચોંકાવનારી વાતચીત સામે આવી છે. જેમાં જનાર્દન સ્વામી કિશોરને માતાપિતા સામે જીદ કરવાનું કહે છે. જો ગુરુકુળ આવવાની કોઈ ના પાડે તો જમવું નહીં, ગુરુકુળમાં જ રહેવું છે તેવી જીદ કરવાની જેવી વાતો શીખવે છે. આ સિવાય સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જનાર્દન સ્વામી કિશોરને પૂછે છે કે, "તને નાઈટ મેચ રમવાની મજા આવે છે ને?" આ સવાલનો લોકો જુદો જ અર્થ કાઢી રહ્યાં છે અને સમજવાવાળા તે સમજી ગયા છે. ભૂતકાળમાં સ્વામીનારાયણ ગુરૂકુળના સ્વામીઓ દ્વારા કુમળી વયના કિશોરોનું બ્રેઈનવોશ કર્યા બાદ જાતીય શોષણ પણ કરવામાં આવતું હોવાના કિસ્સાઓ બન્યાં છે. ત્યારે આ મામલે પણ કંઈક આવી જ બાબતની ગંધ આવી રહી હોવાનું સૂત્રોનું કહેવું છે.

ગુરૂકુળે કિશોરના બ્રેઈનવોશની વાત નકારી

જો કે, ગુરૂકુલના આચાર્યએ કિશોરનું બ્રેનવોશ કરાયાની વાતને નકારી કાઢી હતી. દરમિયાન જનાર્દન સ્વામીની પણ પ્રતિક્રિયા આવી છે, જેમાં તેમણે તમામ આરોપોને ફગાવી દઈને કહ્યું હતું કે, તેમને કિશોરના પરિવાર સાથે વાતચીત થઈ ગઈ છે અને આ મામલે સમાધાન થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના ગુરૂકુળોમાં કુમળી વયના બાળકોનું બ્રેઈવોશ કરીને તેમને સાધુ બનાવવાના આરોપ અનેક વખત લાગ્યા છે. આ સિવાય કેટલાક ગુરૂકુળોમાં કુમળાં બાળકો સાથે સ્વામીઓ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાતું હોવાના પણ કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે, ત્યારે આ મામલામાં આગળ શું વળાંક આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે.

આ પણ વાંચો: વાસ્તુદોષ દૂર કરવાની વિધિના બહાને તાંત્રિકે પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.