અંબાજીમાં સફાઈકર્મીઓની સુરક્ષા માટે 10 બાઉન્સરો રાખવા પડ્યાં

અંબાજીમાં કોઈ સેલિબ્રિટી, અભિનેતા કે અભિનેત્રીની સુરક્ષા માટે નહીં પણ સફાઈકર્મીઓની સુરક્ષા માટે બાઉન્સરો રાખવા પડ્યાં છે. 

અંબાજીમાં સફાઈકર્મીઓની સુરક્ષા માટે 10 બાઉન્સરો રાખવા પડ્યાં

સામાન્ય રીતે આપણે બાઉન્સરોનું નામ પડે એટલે તે કોઈ મોટી સેલિબ્રિટી, અભિનેતા, અભિનેત્રી કે રાજકારણીની સુરક્ષા માટે હોય એવું માનતા હોઈએ છીએ. પણ યાત્રાધામ અંબાજીમાં સફાઈ કર્મચારીઓની સુરક્ષા માટે બાઉન્સરો રાખવા પડી રહ્યાં છે અને એ પણ એક-બે નહીં પરંતુ દસ. આ તમામ બાઉન્સરો અહીં સફાઈ કર્મચારીઓ જ્યારે સફાઈ કરતા હોય છે ત્યારે તેમની સુરક્ષા કરે છે. દરરોજ વહેલી સવારે અને સાંજે બાઉન્સરોની હાજરીમાં સફાઈ કરતા સફાઈકર્મીઓને જોઈને સ્થાનિકોના મનમાં ભારે કૂતુહલ સર્જાયું છે.

શું છે મામલો?

સફાઈ કર્મચારીઓની સુરક્ષા માટે બાઉન્સરો રાખવા પાછળ મંદિરની સફાઈનો કોન્ટ્રાક્ટ કારણભૂત છે. મળતી વિગતો પ્રમાણે યાત્રાધામ અંબાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર અંબાજીની સાફસફાઈ માટેનું ટેન્ડર અપાયું છે. આ ટેન્ડર હાલ વેસ્ટર્ન કંપનીને અપાતા અગાઉ જે કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો તેના સફાઈ કર્મચારીઓમાં નારાજગી પ્રવર્તી હતી. અને તેમણે વેસ્ટર્ન કંપનીના કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો. આ હુમલાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે હુમલો કરનારા લોકો જૂની કંપની રાજદીપ એજન્સીના છુટા કરાયેલા કર્મચારીઓ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટ મેળવનાર નવી કંપની વેસ્ટર્નના સંચાલકો દ્વારા અંબાજીમાં સફાઈ અને સુપરવિઝનની કામગીરી કરતા કર્મચારીઓ માટે બાઉન્સરો  તૈનાત કરાયા છે. જેમાં 5 મહિલા અને 5 પુરુષો એમ કુલ 10 બાઉન્સરો હાલ સફાઈ કામદારોને સુરક્ષા પુરી પાડી  રહ્યા છે. નવી કંપની દ્વારા હાલ અંબાજી ખાતે બહારગામથી સફાઈ કામદારો લાવીને સફાઈ કરાવવામાં આવી રહી છે. જેના કારણે જૂની કંપનીમાં કામ કરતા સફાઈકર્મીઓમાં રોષ ફેલાયો હતો અને તેમણે હુમલો કરી દીધો હતો. આવું ફરી ન બને તે માટે સફાઈ કામદારોની સુરક્ષા માટે બાઉન્સરોની હાજરીમાં સફાઈ કામગીરી કરાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો:આણંદમાં ગટરના કામમાં મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને વળતર ચૂકવવા આદેશ

આ બાબતે અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેકટરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અંબાજી ખાતે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને તેવામાં અંબાજી ધામની નિયમિત સફાઈ થાય તે જરૂરી છે. આ માટે સફાઈનું ટેન્ડર આપવામાં આવ્યું છે. જેથી અંબાજી સાફસુથરું રહે અને યાત્રિકોનું આરોગ્ય પણ જોખમાય નહીં. પણ જૂના કર્મચારીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તે નિંદનીય છે. તેને લઈને પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. સાથે જ સફાઈ કામગીરી કરતી કંપનીએ પોતાના કર્મચારીઓ માટે ખાનગી એજન્સીના સુરક્ષાગાર્ડ્સ પણ મૂક્યા છે. હાલ તો હુમલાની જે ઘટના બની હતી તેમાં સામેલ બહારગામના સફાઈકર્મીઓ જતા રહ્યા છે. તેમાંથી ફક્ત 20 સફાઈ કામદારો જ હાલ કામ કરી રહ્યાં છે. તેમ છતાં ફરી કોઈ હુમલો ન થાય તે માટે કોન્ટ્રાક્ટર કંપની દ્વારા બાઉન્સરો રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો:છેલ્લાં 5 વર્ષમાં ગટર અને સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન દેશભરમાં 339 લોકોના મોત

.

કોન્ટ્રાક્ટ પદ્ધતિએ સફાઈકર્મીઓને અંદરોઅંદર લડાવ્યા?

આ સમગ્ર ઘટના મામલે એક સ્થાનિક સફાઈકર્મીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આખી ઘટનાના મૂળમાં વર્તમાન સરકારની કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે. દરેક જગ્યાએ મળતિયા લોકોને કોન્ટ્રાક્ટ આપીને સરકાર સફાઈ કર્મચારીની જેમ અન્ય કામોના કર્મીઓનું પણ શોષણ કરે છે. વર્ષોથી ગુજરાતમાં જડ ઘાલી ગયેલી આ સમસ્યા હાલ તો દૂર થાય તેમ લાગતું નથી. ઉપરથી અમારા માટે પગાર મંજૂર થયો હોય છે તેનો અડધો પગાર પણ અમને આપવામાં આવતો નથી. કોન્ટ્રાક્ટ પર હોવાથી અમારી નોકરીની કોઈ સુરક્ષા નથી. ગમે ત્યારે કોન્ટ્રાક્ટર બદલાય એટલે અમને કારણ દર્શાવ્યા વિના છુટા કરી દેવામાં આવે છે.

આ પણ વાંચો:સફાઈ કામદારોને ગટરમાં ઉતારનારા તત્વો સામે ફોજદારી કાર્યવાહી થશે

ગરીબ સફાઈકર્મી બિચારો ક્યાં જાય? તેની સહનશક્તિની પણ હદ આવી ગઈ હશે ત્યારે જ તેઓ અંદરોઅંદર એકબીજાને મારવા પર ઉતરી આવ્યા હશે. કોન્ટ્રાક્ટર તેમના ભાગની મલાઈ તારવીને પોતાનું ઘર ભરીને છુટો થઈ ગયો, હવે નવી કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો છે એટલે એ મલાઈ ખાશે. કામ અમે કરીશું અને મલાઈ કોન્ટ્રાક્ટ કંપનીના માલિકો ખાશે. પવિત્ર યાત્રાધામમાં માતાજીના પરિસરમાં જ અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે અને કોઈ અમારું સાંભળનાર નથી.

આ પણ વાંચો: અમદાવાદની SVP હોસ્પિટલના 150થી વધુ સફાઈકર્મીઓ હડતાલ પર

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Naresh
    Naresh
    આવું જ તલાલાની ધરતી પર બની ગયું છે... લાંબુ ચાલેલું આંદોલન સફાઈ કર્મચારીઓની એકતાનાં અભાવે અને ઘરની તાવડી ગરમ રાખવા જૂકવું પડ્યું.... ભારતમાં અનુસૂચિત જાતિમાં આવતા સફાઈ કામદારો એકતા સાથે એલાન આપે તો ગમે તેવી સરકાર પણ તેમના પ્રશ્નોને સંભાળવા મજબુર થઈ જાય પણ એકતામાં અનેક્તા
    3 months ago
  • Jeshingbhai
    Jeshingbhai
    ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમે મજૂર, કિસાન, નાના ઉદ્યોગ પર નભનારા, કંપની કર્મચારીઓ, સ્વરોજગાર કરનારા અને ગરીબોનું જીવવું દુષ્કર કરી નાંખ્યું છે. પાનીથી ચોટી સુધી સિસ્ટમ બદલાય અને એમાં સુધારો થાય તો કંઇક આશા બંધાય. બાકી અત્યારે તો દૂર દૂર સુધી કોઈ એંધાણ દેખતા નથી આ લોકોના સારા દન આવવાના !!!!
    3 months ago