છેલ્લાં 5 વર્ષમાં ગટર અને સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન દેશભરમાં 339 લોકોના મોત
કાયદેસર પ્રતિબંધ હોવા છતાં છેલ્લાં પાંચ વર્ષમાં ભારતમાં ગટર અને સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન 339 લોકો મોતને ભેટ્યા છે. આ આંકડો ખુદ સરકારે લોકસભામાં આપ્યો છે.

લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ કરતી વખતે દેશભરમાં 339 લોકોના મોતના કેસ નોંધાયા છે.
આ કેસ 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે. 2019 આ બાબતમાં સૌથી ભયાનક વર્ષ હતું. માત્ર 2019માં જ 117 લોકોના મોત થયા હતા. કોવિડ -19 મહામારી અને લોકડાઉન દરમ્યાન વર્ષ 2020 અને 2021માં અનુક્રમે 22 અને 58 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
કેટલાક રાજ્યોમાં સ્થિતિ ભયંકર છે
મહારાષ્ટ્રમાં ચિત્ર સૌથી ખરાબ છે, અહીં ગટર સાફ કરતી વખતે છેલ્લા પાંચ વર્ષમાં કુલ 54 લોકોના મોત થયા છે. તે પછી ઉત્તર પ્રદેશનો વારો છે જ્યાં આ પાંચ વર્ષમાં 46 લોકોના મોત થયા છે. દિલ્હીની સ્થિતિ પણ શરમજનક છે કારણ કે મહારાષ્ટ્ર કે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની સરખામણીમાં રાષ્ટ્રીય રાજધાની અને નાનો કેન્દ્રશાસિત પ્રદેશ હોવા છતાં, આ પાંચ વર્ષમાં ત્યાં 35 લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકારનું કહેવું છે કે આ લોકોના મોતનું કારણ ગટર અને સેપ્ટિક ટેન્કની ખતરનાક સફાઈ છે, કાયદામાં આપવામાં આવેલી સલામતીની વ્યવસ્થા રાખવામાં નથી આવતી, ઉપરાંત સફાઈ દરમિયાન ગટરમાંથી ઝેરી વાયુઓ બહાર આવે છે જે વ્યક્તિને મારી શકે છે.
સુધારો કેમ નથી આવતો?
કાયદા મુજબ સફાઈ એજન્સીઓ માટે સફાઈ કામદારોને માસ્ક અને મોજાં જેવા રક્ષણાત્મક ઉપકરણો આપવાનું ફરજિયાત છે, પરંતુ એજન્સીઓ ઘણીવાર તેમ કરતી નથી. કર્મચારીઓને કોઈપણ જાતના રક્ષણ વગર ગટરોમાં ઊતરવું પડે છે. માનવીઓ દ્વારા ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરવી એ મેન્યુઅલ સ્કેવેન્જિંગ કે મેલુ ઉપાડવાની પ્રથાનો એક ભાગ છે, જે ભારતમાં કાયદેસર રીતે પ્રતિબંધિત છે. કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ અથવા એજન્સીને 1 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બે વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જો કે, વાસ્તવમાં આ પ્રતિબંધનું પાલન થતું નથી જેના કારણે આ પ્રથા ચાલુ રહે છે.
આ પ્રથા સાથે સંકળાયેલા લોકોને રોજગારીની અન્ય તકો પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર એક યોજના પણ ચલાવે છે, જે હેઠળ દર વર્ષે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે. આ પાંચ વર્ષમાં આ યોજના માટે કુલ 329 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, પરંતુ પરિણામ શું છે એ તો સંસદમાં આપવામાં આવેલા આંકડા જ કહે છે.
જાતિવાદનું પરિમાણ
જાતિ વ્યવસ્થામાં ગંદકી સાફ કરવાનું કામ પરંપરાગત રીતે કહેવાતી નીચલી જાતિના લોકો કરતા આવ્યા છે. એવું માનવામાં આવે છે કે જ્યારે અંગ્રેજોએ શહેરોમાં ગટરોનું નિર્માણ કર્યું ત્યારે તેઓએ પણ શોષણની આ પરંપરાને આગળ ધપાવી અને સફાઈ માટે દલિત જાતિના લોકોને કામે રાખ્યા. આઝાદી પછી અસ્પૃશ્યતા પર પ્રતિબંધ સાથે સ્વતંત્ર ભારતમાં આ પ્રથા બંધ થવી જોઈતી હતી, પરંતુ આવું થઈ શક્યું નહીં અને તે આજ સુધી ચાલુ છે. આજે પણ આ પ્રકારની સફાઈનું કામ માત્ર દલિતો જ કરે છે.
ઘણા કાર્યકરો અને સંગઠનો આ સિસ્ટમ સામે લડી રહ્યા છે. જેમાં મેગ્સેસે એવોર્ડ વિજેતા બેજવાડા વિલ્સનનો સમાવેશ થાય છે. વિલ્સન સફાઈ કર્મચારી ચળવળના સ્થાપક છે અને આ મુદ્દા વિશે જાગૃતિ ફેલાવવા માટે છેલ્લા ઘણા મહિનાઓથી ભારતના દરેક ખૂણે પ્રવાસ કરી રહ્યા છે. વિલ્સન કહે છે કે આ 'ઝેરી ખાડાઓ'માં જતી નિર્દોષ જિંદગીઓ પર મૌન તોડવાની કોઈ ઈચ્છા જણાતી નથી.
આગળ વાંચોઃ ગુજરાતની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે - રિપોર્ટ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.