શું હોળીનો તહેવાર દલિત, આદિવાસી, ઓબીસીએ ઉજવવો જોઈએ?

હોળીના તહેવારની ઉજવણીને લઈને એકથી વધુ મનુવાદી કથાઓ માર્કેટમાં મૂકી દેવામાં આવી છે. એ સ્થિતિમાં સવાલ એ થાય કે દલિત, આદિવાસી અને ઓબીસી સમાજે તેની ઉજવણી કરવી જોઈએ કે નહીં. આ લેખ તેનો જવાબ છે.

શું હોળીનો તહેવાર દલિત, આદિવાસી, ઓબીસીએ ઉજવવો જોઈએ?
image credit - Google images

હોળી એ હિન્દુઓનો તહેવાર નથી. તે ભારતીયોનો તહેવાર છે અને વધુ સારી રીતે કહીએ તો તે ભારતીય ખેડૂતો, મજૂરો, આદિવાસીઓ, ઓબીસી અને દલિત સમાજનો તહેવાર છે. અથવા આપણે એમ કહી શકીએ કે હોળી ભારતના સામાન્ય માણસનો તહેવાર છે. જો વિશેષ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો વાસ્તવમાં તમામ તહેવારો ખેડૂતોના તહેવારો છે. ઘઉંની લણણી પછી પ્રકૃતિનો આભાર માનવા માટે તહેવારોની રચના કરવામાં આવે છે. ધીરેધીરે જેમ જેમ ધર્મો અને સંસ્કૃતિઓનો વિકાસ થતો ગયો તેમ તેમ તેમણે તેમાં તેમના ધાર્મિક પ્રતીકો ઉમેર્યા. આ કામ તમામ દેશોમાં તમામ સમાજોમાં થયું છે.

એ પછી વિવિધ સમાજોમાં માહિતી અને જ્ઞાનની આપ-લે થઈ અને લોકો એકબીજાને મળવા લાગ્યા. એ પછી ધીરે ધીરે એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિ પર આધિપત્ય જમાવતી થઈ, એક સમાજે બીજા સમાજ પર હુમલો કરીને પોતાનો ગુલામ બનાવ્યો. આ રીતે તેમણે જૂના સમાજના તહેવારોમાં પોતાના નવા દેવીદેવતાઓ અને પ્રતીકોને જોડી જૂના પ્રતીકોને હટાવી દીધા. એવું નથી કે માત્ર ભારતમાં જ આર્ય બ્રાહ્મણોએ ભારતના મૂળ રહેવાસીઓ વિરુદ્ધ આવું કર્યું છે, આખી દુનિયામાં આવું થયું છે. આખી દુનિયામાં જે પણ મોટા ધર્મોનો ઉદય થયો છે તેમણે નવા વિસ્તારોમાં જઈને સ્થાનિક મૂળનિવાસીઓને તલવાર અને ષડયંત્ર દ્વારા જીત્યા અને પછી તેમને માનસિક અને સાંસ્કૃતિ રીતે ગુલામ બનાવીને તેમની જૂની પરંપરાઓમાં પોતાની પરંપરાઓની ભેળસેળ કરી દીધી.

અદ્દલ આવું જ ભારતમાં હોળી, દિવાળી, ગુરુ પૂર્ણિમા, વૈશાખી, પોંગલ, મકરસક્રાંતિ વગેરે તહેવારો સાથે થયું છે. એ પછી ભારતના મૂળનિવાસી મહાપુરૂષોના જીવન સાથે જોડાયેલા ઉત્સવો અને તહેવારોને પણ આર્ય બ્રાહ્મણોએ પોતાના ધર્મ પ્રમાણે બદલી નાખ્યા. ઉદાહરણ તરીકે, શિવ વાસ્તવમાં ભારતના આદિવાસી અથવા આદિવાસી સમુદાયના દેવતા રહ્યા છે, જેને મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત મહારાષ્ટ્ર, ઓરિસ્સા, તેલંગાણા, કર્ણાટક વગેરે રાજ્યોમાં સંભુ સેક કહેવામાં આવે છે. તેમની સાથે 'શંભુ નરકા' નામનો તહેવાર સંકળાયેલો છે જે હિન્દુઓએ પાછળથી શિવરાત્રીમાં બદલ્યો. આવા બીજા ઘણા ઉદાહરણો છે જેની વિગતવાર ચર્ચા કરી શકાય છે.

એકદમ એ રીતે જોવામાં આવે તો ભારતમાં ઉજવાતા તમામ તહેવારો મૂળભૂત રીતે ભારતીય ખેડૂતો અને મહિલાઓના છે. સમસ્યા એ છે કે આર્ય બ્રાહ્મણોએ આ પ્રાચીન તહેવારોને તેમના ભગવાન અને તેમના ધર્મ સાથે ભેળવી દીધા છે અને તેમને ખેડૂતો, મજૂરો અને મહિલાઓની સામે ઉભા કરી દીધા છે. તેથી, જ્યારે પૂછવામાં આવે છે કે આપણે દિવાળી જેવા તહેવારો ઉજવવા જોઈએ કે નહીં, તો જવાબ થોડો મુશ્કેલ છે. અહીં મુશ્કેલી એ છે કે આપણે સૌપ્રથમ એ શોધવું પડશે કે આર્યો તેમના ભગવાન અને ધર્મને મિશ્રિત કરતા પહેલા પ્રાચીન ભારતીયોએ આ તહેવાર કઈ રીતે ઉજવ્યો હતો. ત્યારે આપણે એ પણ જાણવાની જરૂર છે કે કઈ ભેળસેળ કરવામાં આવી છે અને એ ભેળસેળ કેવી રીતે દૂર કરવી. આ રીતે, જો આપણે ભારતના પ્રાચીન લોકો દ્વારા ઉજવાતા તહેવારોને સમજીએ અને તેમાંથી બ્રાહ્મણવાદના દેવી-દેવતાઓ અને વર્ણાશ્રમ ધર્મના દંભને દૂર કરીએ, તો આ તહેવારો ખૂબ જ સુરક્ષિત બની જશે અને પછી તમામ દલિત, પછાત અને મહિલાઓ આ તહેવારો ઉજવી શકે છે.

આજનો વિષય 'હોળીનો તહેવાર' છે, જો આપણે આ તહેવારને ઠીકથી જોઈએ તો તે મૂળભૂત રીતે ઈન્ડીજીનસ અથવા આદિવાસી લોકોનો અથવા ભારતના OBC, દલિતો અને ખેડૂતોનો તહેવાર છે. પ્રાચીન સમયમાં લણણી પછી જ્યારે પ્રથમ વખત પાક ગામમાં લાવવામાં આવતો ત્યારે આખું ગામ ઘર અને શેરીઓ સાફ કરવામાં આવતી. આ કુદરતની ફળદ્રુપતાને માન આપવા માટે કરવામાં આવ્યું હતું. ઘરો અને શેરીઓમાંથી નીકળતો કચરો એક જગ્યાએ એકઠો કરી સળગાવી દેવામાં આવતો હતો. આ રીતે દહન દરમિયાન અગ્નિની પૂજા કરવામાં આવતી હતી. અહીં અગ્નિ પરિપક્વતા, જ્ઞાન અને શક્તિનું પ્રતીક બની જતી હતી. પ્રાચીન કાળમાં ભગવાન વગેરેની શોધ થઈ ન હતી, ત્યારે માત્ર પ્રકૃતિની શક્તિઓને જ પૂજવામાં આવતી હતી. આજે પણ ભારતના આદિવાસી સમાજમાં ઈશ્વર કે સૃષ્ટિનો કોઈ ખ્યાલ નથી. આજે પણ ભારતનો આદિવાસી અને દલિત સમાજ બૌદ્ધ અને જૈન પરંપરા મુજબ ઈશ્વર અને સૃષ્ટિમાં માનતો નથી.

આ પણ વાંચોઃ તમને તો સંડાસ જવાના ડબલામાં પાણી આપવું જોઈએ, તો જ તમે નખરા ન કરો...


પ્રાચીન આદિવાસી અથવા ઈન્ડીજીનસ ખેડૂતો તેમના ઘરની સફાઈ કર્યા પછી ગામનો કચરો એક નિશ્ચિત જગ્યાએ બાળી નાખતા અને અગ્નિની પૂજા કરતા. આવી પૂજા કરતી વખતે નવા પાકની ઉપજનો થોડો ભાગ અગ્નિમાં અર્પણ કરીને બાળી નાખવામાં આવતો હતો. ઉદાહરણ તરીકે, નવા આવેલા ઘઉંના કેટલાક ડુંડા ગાયના છાણથી બનેલા રીંગ જેવા માળામાં બાંધીને એ આગમાં બાળી અથવા શેકીને ખાઈ જતા હતા. પછી બધાંએ આ આગનો ઉપયોગ પોતપોતાના ઘરમાં ચૂલો સળગાવવા માટે કર્યો. એ રીતે આ એક ખૂબ જ પ્રાચીન ખેડૂતોને તહેવાર છે. પાછળથી જ્યારે આર્ય બ્રાહ્મણોએ ભારત પર હુમલો કર્યો અને ધીમે ધીમે ભારતના નિર્દોષ લોકોને તેમના કાવતરાથી નબળા બનાવીને જીતી લીધા. પછી તેમના સીધા સાદા પ્રકૃતિ પૂજક તહેવારોમાં પોતાના દેવીદેવતાઓ ઇન્દ્ર, વિષ્ણુ, બ્રહ્મા, રુદ્ર અને તેમના કાલ્પનિક અવતારો વગેરેને તેની સાથે જોડી દીધાં. 

ભારતના મૂળનિવાસી સમાજમાં સ્ત્રી અને પુરૂષ વચ્ચે બહુ ભેદ કરવામાં નથી આવતો, ઉલટાની પ્રાચીન ભારતીય પરંપરા તો માતૃસત્તાક હતી. પણ જ્યારે આર્ય બ્રાહ્મણોએ ભારતમાં તેમના ભગવાનને થોપવાનું શરૂ કર્યું ત્યારે તેમણે સ્ત્રીઓને નબળી સાબિત કરીને પિતૃસત્તાક માળખું બનાવ્યું. તેથી જ તેમણે ભારતની પ્રાચીન દેવીઓ અને ગ્રામદેવીઓને તેમના પુરૂષ દેવતાઓની પત્નીઓ બનાવીને તેમના ગુલામ બનાવ્યા. અને ધીરેધીરે પ્રાચીન ભારતના ઉત્સવો જે સ્ત્રીઓની પ્રજનન ક્ષમતાને પ્રકૃતિની ફળદ્રુપતા સાથે જોડીને ઉજવવામાં આવતા હતા, એ ઉત્સવોમાં તેમના પુરુષો અને વૈદિક દેવતાઓનો સામેલ કરી દીધા. આમ સ્ત્રીઓ અને પ્રકૃતિની આરાધના કરતા તહેવારો પાછળથી માણસ અને ભગવાનને પૂજતા તહેવારો બની ગયા.

હવે આ બધાં તહેવારોમાં મહિલાઓને ન માત્ર ઓછું સન્માન આપવામાં આવે છે, પરંતુ તેમને પુરુષો કરતાં નબળી અને પુરુષો પર નિર્ભર પરિવારના સભ્યો તરીકે પણ દર્શાવવામાં આવે છે. આ દ્રષ્ટિકોણથી હોળીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે, જ્યારે આર્યો અને બ્રાહ્મણોના ભગવાન પ્રાચીન ભારતીય સમાજમાં નહોતા આવ્યા, ત્યારે ભારતીય લોકો સ્ત્રી અને પ્રકૃતિની પ્રજનન શક્તિની પૂજા કરતા હતા. બ્રાહ્મણોના ઈશ્વરે ધીમે ધીમે આમાં ફેરફાર કર્યો અને સ્ત્રીને માત્ર નબળી જ સાબિત કરી એટલું જ નહીં, તેણીની પ્રજનન ક્ષમતા અને બાળકો પેદા કરવાની ક્ષમતાને અપમાનિત કરીને તેને અસ્પૃશ્ય અને પાપી સાબિત કરી. હોળીના તહેવારમાં જે રીતે સ્ત્રીને માયાવી કે રાક્ષસ કહીને જે રીતે બાળવામાં આવે છે તે પોતે જ એક મોટા ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિવર્તનનો સંકેત આપે છે.

જો આજે આપણે તહેવારની ઉજવણી કરવી હોય તો સૌપ્રથમ આપણા પ્રાચીન ઈતિહાસ, આપણી આસપાસ રહેતા ઈન્ડીજીનસ કે આદિવાસી કે દલિત લોકોની પરંપરાઓ પર નજર નાખવી જોઈએ. તેના દ્વારા આપણને સમજાશે કે પ્રાચીન સમયમાં કોઈ એક વિસ્તારમાં આ તહેવાર કેવી રીતે ઉજવવામાં આવતો હતો. આ રીત જાણવી બહુ મુશ્કેલ નથી, જો આપણને આ પદ્ધતિની ખબર પડી જાય તો તે પછી આપણે એમાંથી બ્રાહ્મણોના ઈશ્વર અને વર્ણાશ્રમ ધર્મ સાથે જોડાયેલા પ્રતીકોને એમાંથી કાઢી શકીએ છીએ. અને પછી ધીમે ધીમે આપણે ભારતના મૂળનિવાસીઓના તહેવારોને પુનર્જીવિત કરી શકીએ છીએ. હવે આ કામ કોઈ એક વ્યક્તિ કે એક પરિવાર કે એક ગામ કરી શકે તેમ નથી, તેના માટે ભારતની મૂળનિવાસી બહુજન સંસ્થાઓએ આગળ આવવું જોઈએ અને ભારતના પ્રાચીન તહેવારોનું વાસ્તવિક સ્વરૂપ સામે લાવવું જોઈએ. જો આપણે આવી શરૂઆત કરી શકીએ તો ધીમે ધીમે આવતા 10-15 વર્ષમાં ભારતના તમામ તહેવારોને ફરીથી પ્રાચીન મૂળનિવાસીઓના તહેવારોની જેમ ઉભા કરી શકીએ છીએ.

તેથી આ તહેવારો લોકોને એકઠા કરીને તેમનામાં સામાજિકતાની ભાવના પેદા કરવા માટે બનાવવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે, ભારતમાં આર્ય બ્રાહ્મણોના આગમન પછી, ભારતીયોને નબળા બનાવવા અને તેમનામાં ભાગલા પાડીને શાસન કરવા માટે, તેઓએ ભગવાન અને દેવોના ધર્મને મિશ્રિત કર્યા અને તેમના તહેવારોમાં તેમના મતભેદો શીખવ્યા. આ પછી ભારતીય સમાજ સંપૂર્ણપણે તૂટી ગયો અને નબળો પડી ગયો. અને તેમાં જ્ઞાતિ અને વર્ણ વ્યવસ્થાનો સમાવેશ થયો.

જો આપણે આને યોગ્ય રીતે સમજીએ તો ખ્યાલ આવે છે કે ભારતમાં વર્ણવ્યવસ્થા, જાતિ વ્યવસ્થા અને દુનિયાભરની અંધશ્રદ્ધા વાસ્તવમાં તહેવારો અને વાર્તાઓના માધ્યમથી જ ફેલાવવામાં આવ્યા છે. એટલે ભારતમાં વર્તમાનમાં જે રીતે તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તેને સંપૂર્ણપણે બદલવાની જરૂર છે. તમે જોયું જ હશે અને આપણે બધાં જાણીએ છીએ કે અસ્પૃશ્યતા, ઊંચનીચના ભેદભાવ અને  સ્ત્રીઓનું અપમાન કરવું આ બધું શાળા, કોલેજ કે યુનિવર્સિટીમાં ભણાવવામાં આવતું નથી. આ બધી ગંદી વાતો લોકો ધાર્મિક વાર્તાઓ, પુરાણો, પૌરાણિક કથાઓ દ્વારા શીખે છે. અને ભારતમાં જેટલા પણ ઉત્સવો અને તહેવારો છે તે ગંદી, મહિલા વિરોધી, અસભ્ય વાર્તાઓ અને મૂલ્યોને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડે છે.

આ પણ વાંચોઃ શું બહુમતીના જોરે ભારતના બંધારણને બદલી શકાય ખરું?

તેનાથી સારો વિકલ્પ એ છે કે તમે તમારા પ્રાચીન તહેવારોમાં ઈશ્વર, આત્મા, પુનર્જન્મ અને વર્ણ વ્યવસ્થાની જે ભેળસેળ કરવામાં આવી છે તેને ઓળખી કાપીને બહાર ફેંકી દો અને તેમાં પ્રાચીન શ્રમણ અને આદિવાસી સંસ્કૃતિના મૂલ્યોને ફરીથી સામેલ કરી દો. જો આપણે આ કરી શકીએ તો આગામી 10-15 વર્ષમાં ભારતમાં કરોડો ઓબીસી, દલિતો, ખેડૂતો, મજૂરો અને મહિલાઓને પાપી બનાવતી પરંપરાને જડમૂળથી ઉખેડી નાખીશું અને ભારતના કરોડો લોકોને સન્માનજનક જીવન આપી શકીશું. પરંતુ આ કામ એક વ્યક્તિ, એક પરિવાર કે ગામ કરી શકે નહીં. આ માટે સમગ્ર ભારતમાંથી ઓબીસી દલિતો, આદિવાસી મહિલાઓ અને ધાર્મિક લઘુમતીઓએ આગળ આવવું જોઈએ.

આપણે એવા સંગઠનોનું નિર્માણ કરવું જોઈએ જે ભારતમાં તહેવારો ઉજવવાની રીત, એકબીજા સાથે વાત કરવાની રીત, એકબીજાને સંબોધવાની શૈલી, લગ્ન-જન્મદિવસની ઉજવણીની રીત, હોળી, દિવાળી ઉજવવાની રીતને બદલવાનું શરૂ કરી શકે. આ રીતે સ્થાયી સાંસ્કૃતિક પરિવર્તન ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. આજે આપણી પાસે ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા વગેરે જેવી સુવિધાઓ છે, જેની મદદથી આગામી 10 કે 15 વર્ષમાં આ કામ ખૂબ જ સરળતાથી થઈ શકે છે.

આવા સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન હંમેશા મુશ્કેલ કાર્ય રહ્યા છે. જો તે સરળ કાર્ય હોત તો તે પૂર્ણ થઈ ગયું હોત. બાબાસાહેબ આંબેડકર, મહાત્મા જ્યોતિરાવ ફુલે અને પેરિયારે આપણને મુશ્કેલ કામ કરવાનું જ શીખવ્યું છે. સરળ કામ કરવાથી મોટા પરિણામો પ્રાપ્ત થતા નથી, અને જો આપણે ભારતમાં લાખો ઓબીસી, દલિત, આદિવાસી અને મહિલાઓના જીવનમાં સુધારો કરવા માંગતા હોઈએ તો આપણે સખત મહેનત કરવી પડશે.

આજે પણ જો તમે ભારતના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોની મુલાકાત લેશો તો તમને શહેરોમાં ઉજવાતા તહેવારો ઓછા જોવા મળશે. જો તમે આદિવાસી વિસ્તારોમાં જશો તો સમજાશે કે ત્યાં છેલ્લા 20 વર્ષમાં વિવિધ પ્રકારના દેવી-દેવતાઓના ચિત્રો પહોંચી ગયા છે. તે પહેલા ત્યાં તેઓ જંગલો, પર્વતો વગેરે સાથે તેમના સ્થાનિક ગ્રામ્ય દેવતાઓની પૂજા કરતા હતા. પછી જ્યારે ટેલિવિઝન અને ફિલ્મો આવી ત્યારે વિવિધ દેવી-દેવતાઓની વાર્તાઓ ટીવી સિરિયલો અને ફિલ્મો દ્વારા ઘર-ઘર સુધી પહોંચી. આ વાર્તાઓએ ત્યાંની જાતિ વ્યવસ્થાને મજબૂત બનાવી અને સ્ત્રીઓનો વિરોધ કરવાની પરંપરા ઊભી કરી. આર્ય બ્રાહ્મણોએ પણ આ કામ ખૂબ જ ધીરે ધીરે અને મુશ્કેલીઓ સાથે કર્યું છે અને હજુ પણ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો કે તેઓ કેટલું આયોજન કરે છે, પૈસા ખર્ચે છે, હજારો અને લાખો લોકોને રોજગારી આપે છે અને આ કાર્ય પૂર્ણ કરે છે.

ભારતમાં કરોડો ઓબીસી, દલિતો, આદિવાસીઓ અને મહિલાઓનું જીવન બદલવા માટે આપણે નવી પરંપરાઓ બનાવવી પડશે. ઝંડા, દંડા અને રાજકીય નારાઓ લગાવવાથી કશું થવાનું નથી, જ્યાં સુધી સમાજની જીવનશૈલી અને તહેવારો ઉજવવાની રીત નહીં બદલાય ત્યાં સુધી આપણે બાબાસાહેબ આંબેડકર, જ્યોતિબારાવ ફૂલે અને બીપી મંડળના સપનાનું ભારત બનાવી શકીશું નહીં.

- સંજય શ્રમણ (યુનિવર્સિટી ઓફ સસેક્સના પૂર્વ વિદ્યાર્થી, ગંભીર લેખક, વિચારક, સ્કોલર છે)

આગળ વાંચોઃ અમે હોળીના છાણાં નાખવા ન ગયા, ને હોળીના જ દિવસે સવર્ણોએ વાસ પર સામૂહિક હુમલો કર્યો - દલપત ચૌહાણ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.