"મારી માતાનું એક જ લક્ષ્ય હતું, મને ભણાવવાનું..."
દિલ્હી યુનિ.ના 56 વર્ષના દલિત પ્રોફેસર G. N. Saibaba હવે આપણી વચ્ચે નથી રહ્યાં, તેમનો સંઘર્ષ કઠણ કાળજાના માણસને પણ રડાવી દે તેવો છે.
“હું 90% દિવ્યાંગ છું. મારી માતા મને તેડીને સ્કૂલે મૂકવા આવતી અને લઈ જતી. એનું એક જ લક્ષ્ય હતું મને ભણાવવાનું. હું જેલમાં હતો ત્યારે મારી માતા બીમાર હતા, તેના અંતિમ દર્શન માટે મને પેરોલ ન મળી, માતાના મૃત્યુ વેળાએ પેરોલ ન મળી, મૃત્યુ બાદની વિધિ વખતે મને પેરોલ ન મળી!” આ દર્દ હતું દિલ્હી યુનિવર્સિટીના 56 વર્ષના અંગ્રેજીના પૂર્વ પ્રોફેસર જી. એન. સાઈબાબા (G. N. Saibaba) નું.
આ દર્દ, જેલની હાડમારી, માનસિક આઘાતના કારણે ભાંગી પડેલ સાંઈબાબા, NIMS હૈદરાબાદમાં સારવાર લઈ રહ્યા હતા; દરમિયાન 12 ઓક્ટોબર 2024ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
કોઈ બુદ્ધિજીવી; ગરીબ, વંચિત, દલિત, આદિવાસીની તરફેણ કરે તેને ‘માઓવાદી’, ‘વામપંથી’ ‘અર્બન નક્સલ’નું લેબલ મારી દેવામાં આવે છે. મૂળ કારણ તો સરકારની ગરીબો વિરોધી અને કોર્પોરેટ મિત્રો તરફી નીતિઓનો કોઈ વિરોધ ન કરે; તે સબક શિખવાડવાનો હોય છે.
સાઈબાબા ઉપર આરોપ હતો કે ‘પ્રતિબંધિત માઓવાદી પાર્ટી સાથે તેમને સંબંધ છે અને તેઓ તેમને મદદ કરે છે’ 9 મે 2014ના રોજ, મહારાષ્ટ્ર પોલીસે તેમને એરેસ્ટ કર્યા હતા. ચોંકાવનારી બાબત એ હતી કે પોલીસે ન તો સાઈબાબાની પૂછપરછ કરી કે ન રીમાન્ડ મેળવ્યા. તેમને કોર્ટ સમક્ષ રજૂ કરી જેલમાં મોકલી દીધા. 2017માં ગઢચિરૌલીની સેશન્સ કોર્ટે સાઈબાબા અને બીજાને UAPA તથા IPC હેઠળ આજીવન કેદની સજા કરી હતી.
આ પણ વાંચોઃ લંકેશ ચક્રવર્તીનું 'પલ્લી પરિવર્તન અભિયાન' શું છે?
બોમ્બે હાઈકોર્ટે 14 ઓક્ટોબર 2022ના રોજ સાઈબાબાને નિર્દોષ ઠરાવી જેલમુક્ત કરવા આદેશ કરેલ; તે આદેશને સુપ્રિમ કોર્ટના જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ બેલા ત્રિવેદીની બેંચે બીજે દિવસે સ્થગિત કરી દીધો હતો.
સાઈબાબા 90% દિવ્યાંગ હતા, વ્હીલચેર પર જ હરીફરી શકતા હતા. તે નીચે બેસી શકતા ન હતા. સાઈબાબાના વકીલ આકાશ સરોદે કહ્યું હતું કે ‘સાઈબાબા લાંબા સમયથી વિનંતિ કર્યા કરે છે કે પોતાને સાંકડા અંડા સેલમાંથી બહાર કાઢવામાં આવે; જેથી વેસ્ટર્ન ટોઈલેટ મળે; થોડી રાહત મળે. વ્હીલચેર ટોઈલેટ સુધી જતી નથી. ન્હાવાની જગ્યા નથી. તેઓ પોતે પગ પર ઊભાં રહી શકતા નથી. બાથરૂમ જવા, ન્હાવા, બેડમાં શિફ્ટ થવા બે માણસોની જરૂર પડે. પરંતુ તેમની વિનંતિ ગ્રાહ્ય રાખવામાં આવતી નથી”
સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે ‘બોમ્બે હાઈકોર્ટે મેરિટ પર નહીં, ટેકનિકલ ગ્રાઉન્ડ પર છોડેલ છે. સાંઈબાબા સામે કેસ ચલાવવાની મંજૂરી લીધી ન હતી; પરંતુ આ કેસમાં મંજૂરી લેવાની જરુર ન હતી!’ અરે જજ સાહેબ, શું સાંઈબાબાએ કોઈની હત્યા કરી હતી? જેમણે ફેક એન્કાઉન્ટર કરી અનેક હત્યાઓ કરેલ તે પોલીસ અધિકારીઓ ‘કેસ ચલાવવાની સરકારની મંજૂરી લીધી નથી’ એ ટેકનિકલ ગ્રાઉન્ડ પર જેલમુક્ત થયા ન હતા?
સાંઈબાબાની પત્નીએ કહ્યું હતું કે ‘કેસમાં 23 સાક્ષી હતા, તેમાં 22 પોલીસવાળા છે. એકને બળજબરીથી સાક્ષી બનાવેલ હતો. ઘરમાંથી જે સામાન સીઝ કરેલ તે સીલ કર્યા વિના લઈ જવામાં આવેલ!’
ન્યાયતંત્રનો કદરૂપો ચહેરો જુઓઃ બે મર્ડર અને બળાત્કાર, એમ ત્રણ કેસમાં સજા ભોગવતા બાબા રામ રહીમ 40 દિવસ પેરોલ પર છૂટે છે અને સાઈબાબાને બોમ્બે હાઈકોર્ટે જેલમુક્ત કરવા આદેશ કર્યાના દિવસે જ સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરીને સાઈ બાબાને જેલમુક્ત થતાં રોકી દીધા! આપણે કેવો સમાજ નિર્માણ કર્યો છે તેનું આ ઉદાહરણ છે.
આ પણ વાંચોઃ વહીવટમાં જે સમસ્યાઓ છે, તેનો રામબાણ ઈલાજ 'લેટરલ એન્ટ્રી' નથી
5 માર્ચ 2024ના રોજ, બોમ્બે હાઈકોર્ટે સાઈબાબાને નિર્દોષ ઠરાવતા કહ્યું કે “ઈન્ટરનેટથી કોમ્યુનિસ્ટ, નક્સલ સાહિત્ય ડાઉનલોડ કરવું કે કોઈ વિચારધારાનું સમર્થન કરવું તે UAPA હેઠળ ગુનો બનતો નથી.” આ ચુકાદા સામે મહારાષ્ટ્ર સરકારે ફરી સુપ્રીમકોર્ટમાં અપીલ કરી હતી, જે પેન્ડિંગ છે.
સાંઈબાબાનો વાંક એટલો જ કે તેમણે ઓપરેશન ગ્રીન હન્ટ, ખનન સામે અવાજ ઊઠાવ્યો, ગરીબ આદિવાસીઓના હક્ક માટે લડ્યા. બદલો શું મળ્યો? 10 વર્ષ જેલમાં રહેવું પડ્યું. એપ્રિલ 2021માં દિલ્હી યુનિવર્સિટીએ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા. સરકારને એક દિવ્યાંગ પ્રોફેસર પણ ખતરનાક લાગે છે!
સાંઈબાબાનો વાંક એ હતો કે ભયંકર ગરીબી હોવા છતાં, દિવ્યાંગ હોવા છતાં તેઓ ભણ્યા, અંગ્રેજીના પ્રોફેસર બન્યા. તેઓ બુદ્ધિજીવી હતા એ જ તેમનો મોટો ગુનો! એટલે તેઓ માતાને છેલ્લી વખત મળી ન શક્યા. આ દેશમાં, બળાત્કારી, હત્યારાને માંગે ત્યારે પેરોલ મળે, દેશના અભણ શાસકોના મતે બુદ્ધિજીવી, આંદોલનજીવી તો બળાત્કારી, હત્યારા કરતા વધુ ખતરનાક છે?
- રમેશ સવાણી
(લેખક પૂર્વ આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)
આ પણ વાંચોઃ શા માટે ધર્મસ્થળો માણસોથી ઉભરાય છે? આ રહ્યો તાર્કિક જવાબ