વહીવટમાં જે સમસ્યાઓ છે તેનો રામબાણ ઈલાજ લેટરલ એન્ટ્રી નથી

લેટરલ એન્ટ્રીના અંધ સમર્થકો તેની તરફેણમાં જે તર્કો રજૂ કરે છે તેની સામે આ લેખ એક મજબૂત જવાબ છે.

વહીવટમાં જે સમસ્યાઓ છે તેનો રામબાણ ઈલાજ લેટરલ એન્ટ્રી નથી

ચંદુ મહેરિયા

ભારત સરકારના 24 મંત્રાલયોમાં સંયુક્ત સચિવ, નિયામક અને નાયબ સચિવની 45 ખાલી જગ્યાઓ લેટરલ એન્ટ્રીથી ભરવા યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ૬૦ પાનાંની જાહેરાત ક્રમાંક ૫૪/૨૦૨૪, તા.૧૭મી ઓગસ્ટના રોજ પ્રગટ થઈ હતી. લેટરલ એન્ટ્રી એટલે સરકારી સેવામાં મોટા હોદ્દાઓ પર કોઈપણ પ્રકારની પરીક્ષા વિના બહારના નિષ્ણાતો કે વિશેષજ્ઞોની સીધી ભરતી. આ પ્રકારની ભરતીમાં અનામત નીતિ લાગુ પડતી નથી. છેક નહેરુના જમાનાથી આ પ્રકારે નિમણૂકો થતી આવી છે. પરંતુ વર્તમાન સરકારે તેને સંસ્થાગત રૂપ આપ્યું છે. અગાઉની સરકારોમાં રાજકીય રીતે થતી એકલદોકલ નિમણૂકો હવે મોટાપાયે અને UPSC દ્વારા થાય છે. એટલે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ જ નહીં સરકારના સહયોગી પક્ષોએ પણ અનામતના મુદ્દે તેનો વિરોધ કરતાં સરકારે પારોઠનું પગલું ભરી આ ભરતી પ્રક્રિયાની જાહેરખબર રદ કરાવી છે. 

કેન્દ્ર સરકારના પ્રવક્તા મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર વાર્તામાં કહ્યા પ્રમાણે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાજિક ન્યાય પ્રતિ પ્રતિબધ્ધ છે’,  તેથી સરકારે યુપીએસસીનું વિજ્ઞાપન રદ કરવા જણાવ્યું છે. સરકારના કોઈ સચિવે નહીં પણ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર પર્સોનલ, પબ્લિક ગ્રિવેંન્સિસ એન્ડ પેન્શન્સે સંઘ લોક સેવા આયોગને લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે “સમાજના નબળા વર્ગોને સરકારી સેવાઓમાં તેમનું સાચું પ્રતિનિધિત્વ મળી શકે તે માટે”  વિજ્ઞાપન રદ કરો.  સરકારે આમ કરીને લેટરલ એન્ટ્રી અનામતને ખતમ કરશે કે તે અનામત છીનવી લેવાનો પ્રયાસ છે તેનો જવાબ આપ્યો છે. 

છેક ૧૯૫૪માં ઈન્ટરનેશનલ મોનિટરીંગ ફંડમાંથી આઈ જી પટેલને નાયબ આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારથી લેટરલ એન્ટ્રી અસ્તિત્વમાં છે. વિરપ્પા મોઈલીના અધ્યક્ષપદ હેઠળના બીજા વહીવટી સુધારણા પંચે સિવિલ સેવાઓના વહીવટમાં સુધારાની જરૂર જોઈ, બહારથી નિષ્ણાતોની સીધી ભરતી કરવા ભલામણ કરી હતી. છઠ્ઠા પગાર પંચે હાલની વહીવટી પ્રણાલીમાં સુધારા માટે ઉંચા કે વરિષ્ઠ પદો પર લેટરલ એન્ટ્રીથી ભરતી સિવાય અધિક પરિણામોન્મુખી વલણ અપનાવવા સૂચવ્યું હતું. નીતિ આયોગ સાથે સંકળાયેલા સચિવોના સમૂહે લોકશક્તિની ઉપલબ્ધતામાં વૃધ્ધિ અને નવી પ્રતિભાના ઉપયોગ માટે મધ્યમ અને વરિષ્ઠ સ્તર પર લોકોને સામેલ કરવા જણાવ્યું હતું. 

આ પણ વાંચો: વાત કંઈક અલગ અને વિચિત્ર કોર્ટ કેસની...

વર્તમાન સરકારે ૨૦૧૭માં લેટરલ એન્ટ્રી અંગે વિચારણા કરી ૨૦૧૮થી તેનો અમલ કર્યો છે. તાજેતરની ૪૫ જગ્યાઓની જાહેરાત પૂર્વે ત્રણ વખત હાલની સરકારના કાર્યકાળમાં લેટરલ એન્ટ્રીથી નિમણૂકો થઈ છે. સંસદના વર્ષાસત્રમાં આપેલ માહિતી મુજબ છેલ્લા પાંચ વરસોમાં ૬૩ નિષ્ણાતોની ઉચ્ચ પદો પર  લેટરલ એન્ટ્રીથી નિયુક્તિઓ થઈ છે. ભારત ઉપરાંત અમેરિકા, યૂ.કે., ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને બેલ્જિયમમાં આ પ્રકારે ભરતી થાય છે. અમેરિકામાં તો વળી કાયમી સિવિલ સર્વન્ટ અને મિડ કેરિયર પ્રોફેશનલ્સનું ચલણ  છે. 

લેટરલ એન્ટ્રીના સમર્થકો તેના અત્યાર સુધીના સારા અનુભવોની દુહાઈ દઈ  ઉમદા ઉદ્દેશો જણાવે છે. દેશની વહીવટી પ્રણાલીને વધુ અસરકારક બનાવવા તે જરૂરી છે. નવા અને બહેતર વિચારોનો લાભ મેળવવાનો પણ તેનો હેતુ છે. વિશેષ જ્ઞાન અને કૌશલ ધરાવતા લોકોને વહીવટમાં સામેલ કરવાથી વહીવટ સુધરે છે. વહીવટની બહારના લોકોના જ્ઞાન અને અનુભવનો લાભ મળે છે. સમર્થકોની એક દલીલ એ પણ છે કે અર્થવ્યવસ્થાનો આકાર અને જટિલતામાં વૃધ્ધિ સાથે અસરકારક નીતિગત હસ્તક્ષેપ માટે વિભિન્ન ક્ષેત્રોની જાણકારી આવશ્યક છે. વર્તમાન આઈ એ એસ કદાચ તે માટે સજ્જ નથી. તેથી વિશેષ પ્રતિભાની આવશ્યકતા છે. બદલાયેલી પરિસ્થિતિ અને જરૂરિયાતોમાં તકનિકી નિષ્ણાતોની જરૂર ઉભી થઈ છે. નવા અને તાજા વિચારો વહીવટને વધુ જીવંત અને ઉપયોગી બનાવશે. ઉદ્યોગ નિષ્ણાતો અને બિનસરકારી સંસ્થાઓને લેટરલ એન્ટ્રીથી વહીવટી પ્રક્રિયામાં સીધા સામેલ થવાની તક મળે છે. 

અનામત નીતિને લેટરલ એન્ટ્રીથી વિશેષ અસર થાય છે. તેથી તેનો વ્યાપક વિરોધ થયો છે. અનામત વર્ગના અધિકારીઓની આ જગ્યાઓ પર પ્રમોશનની તક ઘટે છે. તો નવી નિમણૂકમાં આટલી જગ્યાઓ ઓછી થાય છે. ૧૫મી ડિસેમ્બર ૨૦૨૨ના લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલ માહિતી પ્રમાણે ભારત સરકારમાં જોઈન્ટ સેક્રેટરી અને સમકક્ષ જે ૩૨૨ જગ્યાઓ ભરાયેલી છે તેમાં સામાન્ય વર્ગના ૨૫૪, ઓબીસી ૩૯, એસ સી ૧૬ અને એસ ટી ૧૩ અધિકારી છે. અર્થાત આ જગ્યાઓમાં અનામત વર્ગનું હાલનું પ્રતિનિધિત્વ પણ ઓછું છે. જો જગ્યાઓ ઘટશે તો તેથી પણ ઓછું થશે. યુપીએસસીની પરીક્ષામાં આ જગ્યાઓ માટે અનુસૂચિત જાતિ/જનજાતિની વય મર્યાદા ૩૭ વરસ છે અને તકની કોઈ મર્યાદા નથી. જ્યારે ઓબીસી વર્ગના ઉમેદવારો માટે નવ તક અને ૩૫ વરસની વય મર્યાદા ઠરાવેલ છે. પરંતુ લેટરલ એન્ટ્રીથી આ જગ્યાઓની ભરતીની જાહેરખબરમાં આવશ્યક ઉંમર ૪૦ થી ૫૫ વરસ છે. જે તમામ અનામત વર્ગના ઉમેદવારો કરતાં વધુ છે. તેથી અનામતના મુદ્દે લેટરલ એન્ટ્રીનો વિરોધ વાજબી છે. 

પ્લાનિંગ કમિશનના પૂર્વ સદસ્ય અરૂણ માયરા લેટરલ એન્ટ્રીમાં બજારના પરિબળના યોગદાનની ચર્ચા કરે છે. તેમના મત મુજબ, “એકવીસમી  સદીના વહીવટી તંત્ર સામે બજાર, સમાજ અને સરકારના સ્તરે પડકાર છે. બજાર સમર્થક આર્થિક સુધારાની અમેરિકી વિચારધારાના બીજ ભારતની રાજનીતિમાં વાવવા અર્થશાસ્ત્રીઓને લેટરલ એન્ટ્રીથી દેશના નાણા અને આર્થિક સંસ્થાનોમાં ઉચ્ચ પદે બેસાડવામાં આવ્યા હતા. હાલની સરકારે મુખ્ય આર્થિક સલાહકાર, નીતિ આયોગના ઉપાધ્યક્ષ, રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર અને નાણા પંચના ઉપાધ્યક્ષની નિમણૂક લેટરલ એન્ટ્રીથી કરી છે. બહારથી આવી સીધી ભરતીથી આ ઉચ્ચ પદો પર વિરાજમાન મહાનુભાવો દેશની આર્થિક નીતિઓ ઘડે છે, આર્થિક નીતિની દિશા નક્કી કરે છે.” 

“હાલની વહીવટી પ્રણાલીમાં સમસ્યા શું છે જે લેટરલ એન્ટ્રીથી ઉકેલાઈ જશે?”  તેવા સવાલ સાથે યુ.પી.ના નિવૃત મુખ્ય સચિવ આલોક રંજન સ્પષ્ટ કરે છે કે “ પ્રશ્ન જ્ઞાન કે અનુભવના અભાવનો નથી. સમસ્યા નોકરશાહી સંરચના અને સરકારી કાર્યપ્રણાલીનો છે. જે સર્વશ્રેષ્ઠ સિવિલ સેવક નોકરીના આરંભે ગતિશીલ અને ઉત્સાહી હોય છે તે સમય જતાં સીએજી, સીવીસી, સીબીઆઈ અને કોર્ટના ડરે નરમ પડી જાય છે. અને કોઈપણ નિર્ણય લેતાં પહેલાં પોતાની નોકરીની સલામતી વિચારે છે. લેટરલ એન્ટ્રીથી નિમાયેલા અધિકારીઓ આ સ્થિતિથી બચીને નિર્ણયો કઈ રીતે લેશે?”  

અરૂણ માયરા પણ કહે છે કે, “ આજે સામાજિક, આર્થિક, પર્યાવરણીય સમસ્યાઓ જટિલ બની છે. લેટરલ એન્ટ્રીથી નિમાયેલ કોઈ પર્યાવરણવિદ પર્યાવરણની સમસ્યા ઉકેલી નાખે પણ શાયદ સામાજિક-આર્થિક નુકસાન પહોંચાડે. તેનો હલ શું હશે? “
એટલે વહીવટને અનુભવ, જ્ઞાન અને નિષ્ણાતપણાની ચોક્કસ જ જરૂર છે, પરંતુ તે લેટરલ એન્ટ્રીથી ઉકેલાશે તેમ માનવાની જરૂર નથી. હાલના વહીવટમાં જે સમસ્યાઓ છે તેનો રામબાણ ઈલાજ લેટરલ એન્ટ્રી નથી. વર્તમાન આઈએએસ આઈપીએસ અધિકારીઓને જરૂરી તાલીમ આપીને પણ આ ખોટ પૂરી શકાય છે. લેટરલ એન્ટ્રીથી જ ભરવાપાત્ર જગ્યાઓ અનામતના અમલ સાથે, શૈક્ષણિક લાયકાત અને અન્ય આવશ્યકતાઓ જણાવી, વગર પરીક્ષાએ સીધી ભરતીથી ભરવાને બદલે, નિષ્પક્ષ અને પારદર્શી રીતે યુપીએસસી દ્વારા લેખિત પરીક્ષાથી ભરી શકાય છે.

maheriyachandu@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચો: શું Lateral Entry અનામતને ભૂંસી નાખવાની યુક્તિ છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.