વાત કંઈક અલગ અને વિચિત્ર કોર્ટ કેસની...
એક બહેન 36 વર્ષની ઉંમરે વિધવા થયા, તેમના પતિ પોલીસમાં જમાદાર હતા. 68 વરસની ઉંમરે થઈ ત્યાં સુધી એ વિધવા બહેનને પેન્શન વિશે ખબર નહોતી. વાંચો આગળ શું થયું.

આજથી લગભગ વીસેક વરસ પહેલા ગામડાના એક અભણ ગરીબ વિધવા બહેને એક જીલ્લાની દીવાની અદાલતમાં એક દિવાની કેસ કરેલો. તેમના પતિ પોલીસ ખાતામાં લગભગ ઓગણીસ વરસ સુધીની ચાલુ નોકરી દરમિયાન ચાલુ નોકરીએ ગુજરી ગયેલા. તે જિલ્લાની એસ.પી. ઓફિસ અને પેન્શન કચેરી (સરકાર) તરફથી લગભગ ૩૬ વરસ સુધી ફેમિલી પેન્શન અને બીજા મળવાપાત્ર નાણાંકીય લાભો નહીં ચૂકવતા અંતે ન્યાય મેળવવા માટે દાવો દાખલ કરી સરકાર તેને ફેમીલી પેન્શન તાત્કાલિક ચૂકવે તેવી માગણી માટે સરકાર સામે દિવાની દાવો કરેલો.
વાત એવી હતી કે, આ વિધવા મહિલાના પતિ લગભગ વીસ વરસની ઉંમરે પોલીસ ખાતામાં પોલીસ સિપાહીની નોકરીમાં જોડાયેલા. તેમને કોઈ તાલુકાના અમુક ગામમાં બીટ જમાદાર તરીકે પોસ્ટિંગ મળતા ત્યાં નોકરી કરતા હતા. જ્યાં તેઓ પત્ની અને પરિવાર સાથે રહીને નોકરી કરતા હતા.
આ જમાદાર 19 વર્ષની નોકરી દરમિયાન ચાલુ નોકરીએ ગુજરી ગયા. તે વખતે તેમની પત્નીની ઉંમર લગભગ માત્ર ૩૬ વરસની હશે. આટલી નાની ઉંમરે વિધવા થયેલા એ ગરીબ અભણ બહેનને ફેમીલી પેન્શન એટલે શું તેની કશી ખબર પડતી નહોતી. એસ. પી કચેરી કે પેન્શન ખાતા તરફથી તેમને પેન્શન ચૂકવવામાં આવતું નહીં. તેઓ બિચારા ગામડામાં મજૂરી કરી, પારકા ઘરના કામકાજ કરીને ગરીબીમાં જીવન ગુજારતા હતા.
એમ ને એમ દિવસો, વરસો પસાર થતા લગભગ ૧૯૯૯ના અરસામાં તેમની ઉંમર ૬૭ કે ૬૮ વરસની વૃદ્ધાવસ્થાએ પહોંચી. તે અરસામાં કોઈ કામસર તેઓ ભાવનગર ગયેલા. ત્યાં કોઈ રીક્ષામાં બેસીને આ બહેન જતા હતા ત્યારે તે રીક્ષાવાળાએ તેમને કુતૂહલવશ પૂછ્યું કે ‘માજી તમારા પતિ શું કરે છે?’ માજી જવાબ આપે છે કે, તેમના પતિ તો ૩૫-૩૬ વરસથી ગુજરી ગયા છે. રીક્ષાવાળાએ માજીને ફરી પૂછ્યું, ‘તમારા પતિ શું કરતા હતા?’ માજીએ જવાબમાં કહ્યું કે, "મારા પતિ પોલીસ તરીકે નોકરી કરતા હતા." આવો જવાબ સાંભળી રીક્ષાવાળા ભાઈએ સવાલ કર્યો, ‘તો તો તમને દર મહિને ફેમીલી પેન્શન મળતું હશે ને?’ વિધવા બહેનને રીક્ષાવાળાની આ ફેમીલી પેન્શનવાળી વાત સાંભળી કુતૂહલ સાથે નવાઈ લાગી એટલે તેમણે રીક્ષાવાળાને પૂછ્યું કે, "આ ફેમિલી પેન્શન એટલે શું?"
રીક્ષાવાળા ભાઈને પણ નવાઈ લાગી એટલે પૂછ્યું, "વરસો પહેલા તમારા પોલીસ પતિ ગુજરી ગયા છે છતા તમને હજુ ફેમીલી પેન્શન નથી મળતું?"
મહિલા કહે, "અમને ગામડાના ગરીબ અભણને આવી ખબર ન પડે એટલે કોણ આપે ભાઈ?"
પેલા રીક્ષાવાળા ભાઈ થોડું ઘણું ભણેલા હશે એટલે આ મહિલાને ડી.એસ.પી. ઓફીસે લઈ ગયા. ત્યાં અધિકારીને મળી તે મહિલાએ પોતાના પતિ પોલીસમાં નોકરી કરતા હતા ને ગુજરી ગયા છે એટલે મને પેન્શન મળવું જોઈએ પણ મળતું નથી તો પેન્શન આપો તેવી માગણી કરીને રજૂઆત કરી. પરંતુ પેલા અધિકારી સામેથી એવો પ્રશ્ન કરે છે કે તમારા પતિ અમારા ખાતામા પોલીસની નોકરી કરતા હતા તેનો કોઇ પુરાવો(સાબિતી) છે તમારી પાસે?
મહિલા જવાબ આપે છે કે, "મારી પાસે તો કંઇ કાગળીયા નથી."
પેલા અધિકારી આ બહેનને એવો જવાબ આપે છે કે, 'તો પેન્શન ન મળે જાવ..."
ત્યારબાદ આ વિધવા બહેન કોઈ ભણેલગણેલ માણસની સલાહ લેતા ભાઈએ જિલ્લા દફતર અધિકારીની કચેરીને સંબોધીને એક અરજી લખી આપી. તે અરજીમાં બહેનના મરહૂમ પતિની સર્વિસ બુકની ખરી નકલની માગણી કરાવી આપે છે. જિલ્લા દફતર કચેરીમાં નસીબજોગે પેલા મરહૂમ પોલીસવાળાની સર્વિસ બુકનું મહત્વનું કહી શકાય તેવું એક પાનું (Abstract) મળી આવતા તે સર્વિસ રેકર્ડની ખરી નકલ આ વિધવા બહેનને આપવામાં આવે છે.
આ સર્વિસ રેકર્ડના abstractમાં પોલીસવાળા ભાઈનું નામ, તેમની જન્મ તારીખ, નોકરીમાં દાખલ થયાની તારીખ, મરણની તારીખ યાને નોકરીનો અંત આવવાની તારીખની વિગતો લખેલી હતી.
વિધવા બહેન આ સર્વિસ રેકર્ડની ખરી નકલ લઇને ડી.એસ.પી. ઓફીસને મળી લેખિતમાં પેન્શન માટે અરજી કરે છે. છતા ડી.એસ.પી. કચેરી માનતી નથી અને વિધવાને સને ૧૯૯૯ના અરસામાં લેખિતમાં સામા પ્રશ્ન કરી કહે છે કે,"તમારા પતિ પોલીસમાં હતા ત્યારે તેને કોઈ સહાય મળી હોય કે કોઇ ઈનામ મળેલ હોય તેના પુરાવા અને તેઓ છેલ્લે કયા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા તેના પુરાવા આપો."
પેલા વિધવા બહેન તો નિરાશ થઇ ગયા. તેમની પાસે આવા પુરાવા ક્યાંથી હોય?
અંતે કંટાળીને ભાવનગરના હોંશિયાર વકીલને રોકે છે. કાયદેસર રીતે સરકાર વિરુદ્ધ દિવાની કેસ કરવો હોય તો સૌ પ્રથમ સરકારને સી.પી.સી.ની કલમ 80 મુજબ નોટિસ આપવી ફરજિયાત હોવાથી વકીલ મારફત સરકાર અને ડી.એસ.પી. વગેરેને સી.પી.સી.ની કલમ ૮૦ મુજબ નોટિસ આપવામાં આવે છે. છતાં પોલીસ ખાતા તરફથી કે સરકાર તરફથી કોઈ જવાબ આપવામાં આવતો નથી.
અંતે રાજ્ય સરકાર અને એસ. પી. કચેરી, પેન્શન ચૂકવણા અધિકારી વગેરે પેન્શન આપવાનો ઈનકાર કરતા અંતે ન્યાય ન મળતા પતિ મરી ગયાના ૩૬ વરસે ન્યાયની અદાલતમાં દાવો દાખલ કરવાની ફરજ પડી. એટલે તે મહિલા ભાવનગરની સિવિલ કોર્ટમાં દિવાની કેસ દાખલ કરે છે.
જોગાનુજોગ તે દાવાની ટ્રાયલ મારે ચલાવી ચુકાદો આપવાનું સદભાગ્ય સાંપડે છે. સદરહુ કોર્ટ કેસમાં સરકાર યાને પોલીસ વડા તરફથી સરકારી વકીલ મારફત દાવા જવાબ રજુ થાય છે. તેમાં સામાન્ય રીતે સરકાર તરફથી જે ચીલાચાલું તકરાર ઉઠાવવામાં આવે તેમ જવાબ આપવામાં આવ્યો. એવી તકરાર પણ લીધી કે અરજદાર વિધવા બહેન પાસેથી તેના પતિ પોલીસ ખાતામા નોકરી કરતા હતા અને તેની નોકરીનો સમયગાળો પેન્શનેબલ હતો કે કેમ? તેના પુરાવા માંગેલા પણ રજૂ કરી શકેલ નહીં એટલે તેણીનો આ દિવાની દાવો/કેસ નામંજૂર કરવો જોઈએ તે મતલબનો જવાબ ડી.એસ.પી. તરફથી રજૂ થયો.
ત્યારબાદ કોર્ટ કેસની કાર્યવાહી(Trial) આગળ ચાલે છે. કેસ કરનાર વિધવા મહિલા કોર્ટમાં પોતાના કેસની હકીકતોની સોગંદ પર જુબાની આપે છે. સાથે સાથે તેના કેસના સમર્થનમાં લેખિત દસ્તાવેજી પુરાવામાં તેણીએ બે વખત ડી.એસ.પી.માં આપેલ અરજીઓ, તેણીના પતિની સર્વિસ બુકનું Abstract, સરકારને આપેલ લીગલ નોટિસની કોપી અને સરકારે આપેલ તેનો જવાબ વગેરે લેખિત કાગળો રજૂ કરે છે.
સામા પક્ષે સરકાર તરફથી તા.૧/૧/૧૯૭૨ના નોટિફીકેશનથી બહાર પાડવામાં આવેલ ફેમિલી પેન્શન સ્કીમ ૧૯૭૨ની કોપી રજૂ કરવામાં આવે છે. બીજો કોઈ મૌખિક કે લેખિત પુરાવો રજૂ થતો નથી.
ત્યારબાદ બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળી ચૂકાદો (જજમેન્ટ) આપેલ. કોર્ટ આ કેસમાં રજૂ થયેલ મૌખીક અને લેખિત પુરાવો, નામદાર સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના જજમેન્ટની ગાઇડલાઇન, ગુજરાત સરકારના જુદા જુદા પરિપત્રો અને ફેમિલી પેન્શન સ્કીમ ૧૯૭૨ વગેરે વંચાણે લઇ અભ્યાસ કરી તર્કસંગત તારણો અને કારણો આપી finding આપી જજમેન્ટમાં ઠરાવેલ કે, "આ વિધવા બહેનને કાયદેસર ફેમિલી પેન્શન મળવાપાત્ર છે.
આ પણ વાંચો: મજૂરનો દીકરો મજૂર... જાણો દલિતની તુલનાએ સામાન્ય વર્ગના મજૂરોની હાલત 14 વર્ષમાં કેટલી સુધરી?
કોર્ટે સુપ્રીમ કોર્ટના એક ચૂકાદાના સારાંશની નોંધ લીધેલ કે, "પેન્શન કે ફેમીલી પેન્શન ચુકવવાનો ઈન્કાર કરવો તે બંધારણમાં આર્ટીકલ ૨૧થી બક્ષવામાં આવેલ નાગરિકના જીવનના મૂળભૂત અધિકારનો ભંગ છે. આવા કિસ્સાઓમાં કે જ્યારે ગામડાના અભણ અજ્ઞાન મહિલા પાસે કોઇ આધાર ન હોય તેવા સંજોગોમાં સરકારના જે ખાતાની ફરજ બને છે તેની પાસે તો રેકર્ડ હોય તેના આધારે તાત્કાલિક પેન્શન ચૂકવી દેવું પડે."
વધુમાં આ જજમેન્ટમાં ગુજરાત હાઇકોર્ટેના કાશીબેન વાળા વિરુદ્ધ બરવાળા નગર પંચાયતના કેસના 1994(1)GLR 398 માં રિપોર્ટ થયેલ કેસના ચુકાદાનો ઉલ્લેખ કરી નોંધ લીધેલ કે, " સ્થાપિત કાયદા મુજબ પેન્શન મેળવવાનો અધિકાર તે મિલકતનો અધિકાર છે અને તે recurring right છે. અને પેન્શન અને ગ્રેજ્યુઇટીની રકમ જે તારીખથી મેળવવાની થાય ત્યારથી ખરેખર ચુકવણું થાય ત્યાં સુધી ૧૨% લેખે વ્યાજ પણ ચુકવવું ફરજીયાત છે."
વધુમાં જજમેન્ટમાં અન્ય ચૂકાદાનો આધાર લઈને નોંધેલ કે, "પેન્શન તે નિવૃત્ત થનારે કે ફેમિલી પેન્શન મેળવવા જે હકદાર હોય તેણે જે તે ખાતા પાસે માંગવા જવાની જરૂર નથી પણ ચુકવવા માટે જવાબદાર તંત્ર એ જે તે હકદાર વ્યક્તિને તાત્કાલિક ચુકવવાની કાયદેસર ફરજીયાત જવાબદારી છે.
આમ કેસની હકીકત અને બંને પક્ષકારો તરફથી રજુ થયેલ પુરાવા, સરકારના પરિપત્રો, પેન્શન સ્કીમના નિયમો બંને પક્ષોની દલીલો અને નામદાર સુપ્રીમ કોર્ટે અને હાઇકોર્ટના ચુકાદાઓના અભ્યાસના અંતે આ અદાલત જજમેન્ટ આપી આ વિધવા બહેનને નિયમો અનુસાર જે તારીખથી ફેમીલી પેન્શન અને બીજા એલાઉનસીસ ચૂકવવા પાત્ર થતાં હોય તેના એરીયરસની ગણતરી કરી આ ચુકાદાની તારીખથી બે મહિનામાં ચુકવી આપવા. અને જ્યારથી ચુકવવાપાત્ર થાય છે ત્યારથી માંડીને ખરેખર ચુકવણું કરે તે તમામ સમયગાળા દરમિયાનનું ૧૨% વ્યાજ સાથે આ પેમેન્ટ કરવાનું રહેશે. તે સાથે સાથે આ બહેનને નિયમો મુજબ દર મહિને નિયમિત ફેમીલી પેન્શન ચુકવતા રહેવાનું છે. અંતે આ કોર્ટ આ કેસ લડવાનો જે આ બહેનને ખર્ચ થયો હોય તે સરકારે ચુકવવો તેવો હુકમ કરી વાદીનો દાવો મંજૂર કરતો ચુકાદો જાહેર કર્યો.
નસીબજોગે આ આખા કેસની ટ્રાયલ ચલાવી ચુકાદો આપવાનો મોકો મારા નસીબમાં આવેલ જેને મારું સદભાગ્ય સમજુ છું. આ ચુકાદા સામે સરકાર અને ડી.એસ.પી.એ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરેલી. અપીલ કોર્ટે સરકારની અપીલ નામંજૂર કરી ચુકાદામાં થોડું મોડીફીકેશન કરી મારો ચુકાદો માન્ય (confirm) કરેલ.
કે.બી.રાઠોડ
(લેખક નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અને બહુજન સમાજને ન્યાયિક વ્યવસ્થામાં પડતી મુશ્કેલીઓ અંગે ચિંતિત વડીલ છે.)
આ પણ વાંચો: હવે ઓબીસી પ્રમાણપત્ર મેળવવા રેવન્યૂ રેકોર્ડ પુરાવા તરીકે માન્ય ગણાશે
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
VinodkumarSalute Sir, Want to meet you if we come to gather to start appoint one legal officer in every district of Gujarat, definately will get good result