છેડતી કરનારને રાખડી બાંધવાનો ચૂકાદો આપનાર જજ ભાજપમાં જોડાયા

મધ્યપ્રદેશ હાઈકોર્ટના એક જજ ભાજપમાં સામેલ થયા છે. આ એ જ જજ છે જેમણે છેડતીનો ભોગ બનેલી યુવતીને આરોપીને રાખડી બાંધવાનો વિવાદાસ્પદ ચૂકાદો આપ્યો હતો.

છેડતી કરનારને રાખડી બાંધવાનો ચૂકાદો આપનાર જજ ભાજપમાં જોડાયા
image credit - Google images

મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રોહિત આર્ય તેમની નિવૃત્તિના ત્રણ મહિના પછી નાયબ મુખ્ય પ્રધાન રાજેન્દ્ર શુક્લાની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા છે. ન્યાયાધીશ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેઓ અનેક વિવાદાસ્પદ ચૂકાદાને કારણે મીડિયાામાં ચમકતા રહ્યા હતા. ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો તેમના ચૂકાદાઓથી ખૂબ ખુશ હતા અને તેમના નિર્ણયો પર નિવેદનો પણ આપ્યા હતા. હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે, કેમ કે જજસાહેબ ઓફિશ્યિલી ભાજપમાં જોડાઈ ગયા છે.

જસ્ટિસ આર્યાએ મોદી સરકારના વખાણ કરતા એક સેમિનારમાં કહ્યું હતું કે, "પીનલ કોડને જ્યુડિશિયલ કોડમાં બદલવો એ વર્તમાન સરકારની મહત્વની સિદ્ધિ છે." તેમણે કહ્યું, “આ માટે અમે કેન્દ્ર સરકારના આભારી છીએ. આનાથી આવનારા સમયમાં જીવન વધુ સારું બનશે કારણ કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતીયો પર પીનલ કોડ લાદવામાં આવ્યો હતો અને તેમને સજા કરવાના હેતુથી લાગુ કરવામાં આવ્યો હતો. આપણા દેશમાં ન્યાયની ભાવના રામરાજ્ય અને મહાભારત કાળમાં પણ હતી. અંગ્રેજો આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાથી હચમચી ગયા હતા, તેથી તેમણે શિક્ષણ પર હુમલો કર્યો, ધીમે ધીમે સંસ્કૃતને નાબૂદ કરી અને અંગ્રેજીને પ્રોત્સાહન આપ્યું."

1984માં પોતાની કાયદાકીય કારકિર્દી શરૂ કરનાર જસ્ટિસ આર્યને 26 ઓગસ્ટ 2003ના રોજ મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની પાસે સિવિલ, આર્બિટ્રેશન, એડમિનિસ્ટ્રેટિવ, સર્વિસ, લેબર અને ટેક્સ કાયદામાં લગભગ ત્રણ દાયકાનો કાયદાકીય અનુભવ છે. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન તેઓ અનેક મહત્વના હોદ્દાઓ સંભાળી ચૂક્યા છે. 

આ પણ વાંચો: "હું RSS નો સભ્ય હતો અને છું", નિવૃત્ત થઈ રહેલા જજ ચિત્તરંજન દાસ

તેમને વર્ષ 2007 અને 2013ની વચ્ચે સુપ્રીમ કોર્ટમાં મધ્યપ્રદેશના વરિષ્ઠ પેનલ વકીલ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા અને 1999 થી 2012 દરમિયાન મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં આવકવેરા વિભાગના સ્થાયી વકીલ તરીકે પણ સેવા આપી હતી. આ ઉપરાંત તેઓ વરિષ્ઠ વકીલ પણ હતા. તેઓ 12 સપ્ટેમ્બર, 2013ના રોજ મધ્યપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા અને 26 માર્ચ, 2015ના રોજ કાયમી જજ બન્યા હતા. પોતાના કાર્યકાળ દરમિયાન, આર્યએ ઘણા કેસોની અધ્યક્ષતા કરી હતી જેમાં તેઓ હેડલાઈન્સમાં ચમકતા રહ્યા હતા.

2021 માં, તેણે સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારુકી અને નલિન યાદવને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો, જેમના પર ઇન્દોરમાં એક શો દરમિયાન કથિત રીતે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અને કોવિડ -19 પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. તેમણે કહ્યું કે "એકત્ર કરાયેલા પુરાવા ભારતના નાગરિકોના એક વર્ગની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઇરાદાપૂર્વકનો ઇરાદો દર્શાવે છે". જો કે, બાદમાં તેના આદેશની અવગણના કરીને સુપ્રીમ કોર્ટે મુનાવર ફારુકીને જામીન આપ્યા હતા.

એક વર્ષ પહેલા હેડલાઈન્સમાં ચમકેલા આવા જ એક અન્ય કેસમાં જસ્ટિસ રોહિત આર્યએ એક મહિલાની છેડતી કરવાના મામલામાં આરોપીને એ શરતે જામીન આપ્યા હતા કે, તે રક્ષાબંધનના દિવસે મહિલાના ઘરે જાય અને તેના ઘરે જઈને રાખડી બંધાવશે. અર્થાત જજસાહેબે આરોપીએ કરેલી છેડતીની સજા કરવાને બદલે તેને મનુવાદી પરંપરા મુજબ રાખડી બાંધીને છુટી જવાનો રસ્તો કરી આપ્યો હતો. આ મામલામાં જસ્ટિસ આર્ય આટલેથી નહોતા અટક્યા, તેમણે તો ત્યાં સુધીનો આદેશ આપ્યો હતો કે, આરોપીએ રાખડી બંધાવીને મહિલાની 'રક્ષા' કરશે. વિચારો, હવે જેણે ખુદ મહિલાની છેડતી કરીને તેની ગરિમાને ઠેસ પહોંચાડી હોય તેને મહિલાનું રક્ષણ કરવાની જવાબદારી આરોપીને કેવી રીતે સોંપી શકાય?

આ નિર્ણયની તીવ્ર ટીકા કરવામાં આવી હતી, ચોતરફ જજસાહેબની થૂ થૂ થઈ હતી અને બાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તેમના ચૂકાદાને ઉલટાવી દેવામાં આવ્યો હતો. આ કેસે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓના મામલામાં જામીન અરજીઓમાં કેવી રીતે વર્તવું તે અંગે નીચલી અદાલતોને નિર્દેશો પણ આપ્યા હતા. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે નીચલી અદાલતોએ મહિલાઓ વિશે બોલતા પહેલા વિચારવું જોઈએ. સુપ્રીમે કહ્યું હતું કે નીચલી અદાલતોએ  મહિલાઓ શારીરિક રીતે નબળી હોય છે, વિનમ્ર અને આજ્ઞાકારી હોવી જોઈએ, સારી સ્ત્રીઓ જાતીય રીતે પવિત્ર હોય છે, જેવા રૂઢિવાદી મતો વ્યક્ત કરવાથી બચવું જોઈએ. હવે જસ્ટિસ આર્ય ઓફિશ્યલી ભાજપમાં જોડાઈ ગયા છે.

આ પણ વાંચો: ફક્ત ડૉ. આંબેડકરના કારણે જજ બની શક્યો છું – જસ્ટિસ બી.આર. ગવઈ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.