"હું RSS નો સભ્ય હતો અને છું", નિવૃત્ત થઈ રહેલા જજ ચિત્તરંજન દાસ
જજો પાસેથી નિષ્પક્ષતાની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ હાઈકોર્ટમાંથી નિવૃત્ત થઈ રહેલા એક જજે ખૂલ્લેઆમ કહ્યું કે હું આરએસએસનો સભ્ય હતો અને છું.
આરએસએસ સાથે જોડાયેલા અનેક લોકો હાલ દેશના ચાર આધારસ્તંભો સંસદ, કારોબારી, ન્યાયતંત્ર અને મીડિયામાં અડિંગો જમાવીને બેસી ગયા છે. મનુ સ્મૃતિના નિયમો દેશભરમાં લાગુ કરીને કથિત હિંદુ રાષ્ટ્ર બનાવવાનું સપનું જોતા સંઘના સભ્યો ઘોર જાતિવાદી અને મનુવાદી હોવાનું નવેસરથી સાબિત કરવાની જરૂર નથી. દેશની 85 ટકા વસ્તીના દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજને વર્ણવ્યવસ્થામાં વહેંચીને બ્રાહ્મણોને સર્વશ્રેષ્ઠ માનતા સંઘનો એજન્ડા જ મનુવાદના પાયા પર ઉભો છે ત્યારે એક હાઈકોર્ટના નિવૃત્ત થઈ રહેલા જજે ખૂલ્લેઆમ પોતે આરએસએસના સભ્ય હતા અને છે તેવું નિવેદન આપતા તેમની અને ન્યાયતંત્રની તટસ્થતા પર સવાલો ઉભા થયા છે. સાથે જ તેમણે આપેલા ચૂકાદાઓ કેટલા નિષ્પક્ષ હશે તે પણ શંકાના દાયરામાં આવી ગયા છે. અગાઉ આવા જ એક સંઘી સિટીંગ જજ ભાજપમાં જોડાઈને હાલ લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે દેશમાં કાયદો અને ન્યાય વ્યવસ્થામાં તટસ્થતા કેવી રીતે જળવાતી હશે તે મુદ્દો નવેસરથી ચર્ચામાં આવ્યો છે.
કોલકાતા હાઈકોર્ટના જજનું વિદાય સમારંભનું ભાષણ
કોલકાતા હાઈકોર્ટના જજ પદ પરથી સોમવારે નિવૃત્ત થયેલા જસ્ટિસ ચિત્તરંજન દાસે મોટું નિવેદન આપતા કહ્યું છે કે, તેઓ RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) ના સભ્ય હતા અને છે. આ નિવેદન તેમણે કોલકાતા હાઈકોર્ટના જજો અને બારના સભ્યોની ઉપસ્થિતિમાં પોતાના વિદાય સમારંભ દરમિયાન હાજર લોકોને સંબોધિત કરતી વખતે આપ્યું હતું. જસ્ટિસ દાસે કહ્યું હતું કે, "જો સંઘ તેમને કોઈ પણ મદદ માટે કે કોઈ એવા કામ માટે બોલાવશે જે કરવા માટે હું સક્ષમ છું, તો હું ફરી સંઘમાં પરત જવા માટે તૈયાર છું."
તેમણે કહ્યું કે, "અમુક લોકોને ગમે કે ન ગમે તેની મને પરવા નથી, પણ હું સ્વીકાર કરું છું કે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સભ્ય હતો અને છું."
સંઘ અને દેશભક્તિ
જસ્ટિટ ચિત્તરંજન દાસ ટ્રાન્સફર પર ઓડિસાથી કોલકાતા હાઈકોર્ટ આવ્યા હતા. તેમણે પોતાના વિદાય સમારંભમાં આરએસએસનો તેમની જિંદગીમાં કેટલો મોટો ફાળો રહ્યો છે તે વિશે ખૂલીને વાત કરી હતી. જસ્ટિસ દાસે કહ્યું કે, "આરએસએસના મારા પર ઘણાં ઉપકાર છે. હું નાનપણથી લઈને યુવાવસ્થા સુધી તેની સાથે રહ્યો છું. મેં સાહસ, ઈમાનદારી અને અન્યો પ્રત્યે સમાન દ્રષ્ટિકોણ રાખવાના પાઠ અહીંથી શીખ્યા હતા. સાથે જ, દેશભક્તિની ભાવના અને કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ શીખ્યો."
જસ્ટિસ દાસે વધુમાં કહ્યું કે, "મેં ક્યારેય પણ સંઘના સભ્યપદનો ઉપયોગ મારી કારકિર્દીમાં પ્રમોશન મેળવવા માટે નથી કર્યો અને બધાં લોકો સાથે સમાન વ્યવહાર કર્યો છે. પછી તે કોઈ પૈસાદાર વ્યક્તિ હોય, કમ્યુનિસ્ટ હોય કે પછી ભાજપ, કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસમાંથી હોય. મારા માટે બધાં એકસરખા છે. હું કોઈ વ્યક્તિ માટે કે કોઈ રાજકીય દર્શન કે તંત્ર માટે પૂર્વગ્રહ નથી રાખતો. મેં મારા જીવનમાં ક્યારેય કોઈ ખોટું કામ નથી કર્યું. એટલે મારામાં એ કહેવાની હિંમત છે કે, હું આરએસએસ સાથે જોડાયેલો છું, કેમ કે આ પણ ખોટું નથી."
વિવાદાસ્પદ પૂર્વ જસ્ટિસ અભિજીત ગંગોપાઘ્યાય
કોલકાતા હાઈકોર્ટના નિવૃત્ત થઈ રહેલા જજ ચિત્તરંજન દાસને મામલે રાજકારણ ગરમાય તેવી સો ટકા શક્યતા છે. બીજી તરફ કોલકાતા હાઈકોર્ટના જ અન્ય એક જજનો વિવાદ પણ શાંત નથી થઈ રહ્યો.
આ પણ વાંચો: ડૉ. આંબેડકરના આ સવાલોનો RSS પાસે કોઈ જવાબ છે?
5 માર્ચ 2024ના રોજ કોલકાતા હાઈકોર્ટના સિટીંગ જજ અભિજીત ગંગોપાધ્યાયે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ગણતરીના કલાકોમાં જ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. જેના કારણે તેમની ભાજપ સાથે સાંઠગાંઠ હોવાના આરોપો લાગ્યા હતા અને તેમણે જે ચૂકાદાઓ આપ્યા હતા તેના પર પણ સવાલો પેદા થયા હતા. જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયને ભાજપે પશ્ચિમ બંગાળની તામલુક લોકસભા સીટ પરથી ટિકિટ આપીને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપમાં સામેલ થયા પછી તરત તેમણે વિપક્ષ ટીએમસી અને કોંગ્રેસ પર આક્ષેપો કરવાના ચાલુ કરી દીધા હતા અને વડાપ્રધાન મોદીના વખાણ કરવાનું ચાલું કરી દીધું હતું. ભાજપમાં જોડાયાના બે દિવસમાં તેમણે પક્ષનું સભ્યપદ લીધું હતું અને ટૂંક સમયમાં તેમને લોકસભાની ટિકિટ આપી દેવાઈ હતી. હાલ તેઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે.
તેમના આ પગલાથી સમગ્ર ન્યાયતંત્ર તરફ આંગળી ચિંધાઈ હતી. બૌદ્ધિક વર્ગ દ્વારા સવાલ કરવામાં આવ્યા હતા કે, કોઈ જજ અચાનક આ રીતે રાજીનામું આપીને કોઈ રાજકીય પક્ષમાં જોડાઈને ચૂંટણી લડવા માંડે તો તેમના દ્વારા આપવામાં આવેલા ચૂકાદાઓ કેવી રીતે નિષ્પક્ષ હોઈ શકે. આ જ સવાલ હવે જસ્ટિસ ચિત્તરંજન દાસના મામલે પણ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?