કથાકાર રાજુ બાપુ સામે કોળી-ઠાકોર સમાજ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન

વ્યાસપીઠ પર બેસીને કોળી-ઠાકોર સમાજને સંસ્કાર વિનાના કહેનાર કથાકાર રાજુ બાપુ સામે ગુજરાતભરમાં કોળી-ઠાકોર સમાજ દ્વારા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે.

કથાકાર રાજુ બાપુ સામે કોળી-ઠાકોર સમાજ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન
image credit - Google images

કોળી-ઠાકોર સમાજને સંસ્કાર વિનાના ચીતરતા કથાકાર રાજુ બાપુના નિવેદન સામે ગુજરાતભરમાં કોળી-ઠાકોર સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં કોળી ઠાકોર સમાજ દ્વારા કથાકાર રાજુ બાપુ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

બોટાદમાં રાજુ બાપુએ ઠાકોર-કોળી સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને કોળી સમાજે વિરોધ નોંધાવ્યો છે. કોળી સમાજે આ કથાકાર વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. જેમાં સમાજની લાગણી દુભાવવા બદલ રાજુ બાપુ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

રાજુ બાપુની વિવાદિત ટિપ્પણી બાદ રાજ્યમાં ઠેર-ઠેર તેમની સામે વિરોધ ઉઠી રહ્યો છે. બોટાદ બાદ રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે કોળી અને ઠાકોર સમાજ દ્વારા રાજુ બાપુનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં ઉશ્કેરાયેલા લોકોએ રાજુ બાપુના પૂતળા સાથે સૂત્રોચ્ચાર કરીને ભારે વિરોધ નોંધાવ્યો હતો. જો કે પૂતળા દહન થાય તે પહેલા જ પોલીસે સ્થળ પર પહોંચીને પૂતળું કબજે કર્યું હતું અને વિરોધ કરી રહેલા કોળી-ઠાકોર સમાજના આગેવાનોની અટકાયત કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા જેવું, ફક્ત 1 સભ્યથી ચાલે છે!

આ મામલે ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે જણાવ્યું હતું કે, “સંત આવા શબ્દો બોલી શકે નહીં. કથાકાર રાજુ બાપુ નકલી સંત છે. તેમણે એક વીડિયો બનાવીને માફી માંગી છે તે યોગ્ય નથી. તેમણે ઠાકોર અને કોળી સમાજ સામે આવીને માફી માંગવાની જરૂર છે. જો તેઓ સમાજ સમક્ષ હાજર થઈને માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વ્યાસપીઠ સમાજને માર્ગદર્શન કરતું સ્થાન છે, મનફાવે તેમ બોલવા માટે નહીં. સમાજને સાચો રસ્તો બતાવી શકે તેવી વ્યક્તિ જ અહીં બેસવાને લાયક ગણાય. આવા નકલી સંત નહીં. કથાકારે વિવાદિત નિવેદનો કે દ્રષ્ટાંતો ન આપવા જોઇએ. વ્યાસપીઠ પર બેસીને કોઈપણ સમાજ વિશે એલફેલ બોલશો તે ચલાવી નહીં લેવાય. કોઈ સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કરવી યોગ્ય નથી. વ્યક્તિ વિશેષ વિશેની ટિપ્પણી પણ યોગ્ય નથી. કોઈ ધર્મ, સમાજ કે જ્ઞાતિ વિશે અંગત મંતવ્ય ન આપવા જોઇએ. કથા સુસંગત દ્રષ્ટાંત અથવા શાસ્ત્રોક્ત વાતો સાથે કહેવી જોઈએ. સકારાત્મક વાતો, પરસ્પરના વ્યવહાર સુધરે તેવા દ્રષ્ટાંતો હિતાવહ છે. પણ કથાકાર મનઘડત વાત કહે નહીં ચલાવી લેવાય. એટલે રાજુ બાપુ કોળી-ઠાકોર સમાજ સમક્ષ હાજર થાય અને માફી માંગે.”

આ પણ વાંચો: ગીગા ભમ્મરે હવે અનુસૂચિત જાતિ સમાજ નું અપમાન કર્યું? દલિત આગેવાનો સબક શીખવાડવાના મૂડમાં


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.