સુંદરતા ઘેલા સમાજમાં પ્રાચી નિગમનું દસમી ટોપર થવું...
ઉત્તરપ્રદેશમાં ધોરણ 10ની પરીક્ષાની ટોપર પ્રાચી નિગમને તેના અપરલિપ્સ પરના વાળને કારણે ભયંકર ટ્રોલિંગનો સામનો કરવો. વરિષ્ઠ પત્રકાર ચંદુ મહેરિયા અહીં તેની પાછળના સુક્ષ્મ કારણોની ચર્ચા કરે છે.
ચંદુ મહેરિયા
ઉત્તરપ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડની ૨૦૨૪ની દસમા ધોરણની પરીક્ષામાં ૯૮.૫૦ ટકા માર્ક્સ મેળવી પ્રથમ આવેલી પ્રાચી નિગમે બે ચાર દિવસ પછી જ પત્રકારોને અફસોસ સાથે કહ્યું કે મારે થોડા ઓછા માર્ક્સ આવ્યા હોત અને ટોપર ના બની હોત તો સારું. પ્રાચીને કેમ આવું કહેવું પડ્યું? તેના કારણો જાણીએ તો સ્વાભાવિક જ રોષ જન્મે છે. પંદર વરસની આ કન્યા યુ.પી.ના સીતાપુર જિલ્લાના મહેમુદાબાદની સીતા ઈન્ટર કોલેજમાં ભણતી હતી. તેની તેજસ્વીતા, મહેનત અને લગનનું પરિણામ હતું કે સમગ્ર રાજ્યના પંચાવન લાખ પરીક્ષાર્થીઓમાં તે પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ. તેની સફળતાના ઓવારણા તો લેવાતા હતા જ. પરંતુ સમાજનો એક વર્ગ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરતો હતો. પ્રાચીના અપરલિપ્સ પર વાળ છે તે તેની તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે. બાહ્ય સુંદરતાઘેલા કેટલાક લોકોને તેનો જ વાંધો પડ્યો. એટલે કોઈએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ થકી તેના ચહેરાને રૂપાળો બનાવ્યો, કોઈએ શેવ કરવાની સલાહ આપી, કોઈએ મિમ્સ બનાવ્યા, ઘણાંએ ભણવા સાથે ચહેરાની માવજત કરવા કહ્યું અને બહુ બધાંએ તેના ચહેરા પરના વાળની મજાક કરી. સફળતાના સર્વોચ્ચ શિખરે પહોંચેલી આ કન્યા ટ્રોલિંગથી આહત ન થાય તો જ નવાઈ. આરંભિક અફસોસ પછી પ્રાચીએ જાતને સંભાળી લીધી અને ટીકાખોરોની જમાતને દમદાર જવાબ પણ આપ્યો.
આ પણ વાંચોઃ શકોરાને મરાઠીમાં ગાડગં કહે છે એટલે તેને કાયમ સાથે રાખનાર ગાડગે બાબા કહેવાયા
કેટલીક મહિલાઓને શરીર પરનાં અનિચ્છનીય વાળનો સામનો કરવો પડે છે. ચહેરો, હાથ, પીઠ અને છાતી પર વાળ ઉગવાનું કારણ બાયોલોજિકલ, હોર્મોનલ ઈમ્બેલેન્સ કે અસંતુલિત હોર્મોન્સ છે. પ્રાચીના ચહેરા પર મૂછ જેવા જે વાળ ઉગ્યા છે તેને પ્રાચી, તેનો પરિવાર, શાળાના શિક્ષકો અને તેના સહાધ્યાયીઓએ કશું મહત્વ આપ્યું નથી. પરંતુ તે ટોપર બનતાં તેની તસવીરો અનેક માધ્યમોમાં પ્રગટ થતાં તે મજાક અને ટીકાનું પાત્ર બની છે. પ્રાચી કોઈ ગોખણશી છોકરી નથી. ઉચ્ચ મૂલ્યો અને સકારાત્મ્ક વિચારો સાથે તે ભણે છે. ટ્રોલિંગ જે હદે થયું તે હદની નહીં તો તેનાથી વધતી-ઘટતી સ્થિતિનો સામનો તેણે અગાઉ ઘણી વાર કર્યો છે. આગળ અભ્યાસ જારી રાખીને ઈજનેર બનવા માંગતી આ કિશોરી માટે તેનું ધ્યેય અગત્યનું છે નહીં કે શરીરની બનાવટ. તેણે ટ્રોલરિયાઓને રોકડું પરખાવતાં કહ્યું છે કે જ્યારે જરૂર જણાશે ત્યારે હું મારો ઈલાજ કરાવી લઈશ પણ હાલમાં તો મારું લક્ષ્ય મન દઈને ભણવાનું છે. વિષાક્ત સાઈબર સ્પેસ સંદર્ભે પ્રાચી માને છે કે ક્ષણિકનું મનાતું ટ્રોલિંગ પણ વ્યક્તિ પર નકારાત્મક અસર કરે જ છે તેથી આવા તત્વો પર કાર્યવાહી થવી જોઈએ.
પ્રાચીને ટીકાકારોની જેમ સમર્થકો પણ મળ્યા છે. તેની જ સ્કૂલના બે અન્ય ટોપર્સ હેમંત વર્મા અને જ્ઞાનેન્દુ વર્માએ #ડોન્ટટ્રોલપ્રાચી કેમ્પેન શરૂ કર્યું છે. તેને ઘણો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર પ્રાચી વિશેની સઘળી ટિપ્પણીઓનો આ સહપાઠીઓ જ જવાબ વાળે છે. શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સતત પ્રાચીના પક્ષે રહ્યા છે. સુંદરતાને સર્વોચ્ચ માનતા લોકોને સ્કૂલ પ્રિન્સિપાલ બહુ ગંદી ભાવના ધરાવનારા ગણાવે છે.
આ પણ વાંચોઃ ઐશ્વર્યા-સુસ્મિતા ને ટક્કર આપનારી અભિનેત્રીએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો
પ્રાચીના ટેકામાં બોમ્બે શેવિંગ કંપનીએ જાહેરખબર પ્રકાશિત કરી છે. જેમાં તેણે પ્રાચીનો બચાવ કર્યાનો દાવો કર્યો છે. કંપનીએ ડીયર પ્રાચીના સંબોધન સાથેની એડમાં લખ્યું છે કે જે લોકો આજે તારા ચહેરા પરના વાળને લીધે તને ટ્રોલ કરી રહ્યા છે તે કાલે પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ માટે તારી પ્રસંશા કરશે. જોકે કંપની જાહેરખબરમાં તેનું તકવાદી માનસ પ્રગટ કરતાં ના રહી શકી. તેણે માર્કેટિંગ કરતાં લખ્યું, અમે આશા રાખી છીએ કે અમારું રેઝર ઉપયોગ કરતાં જ તને કોઈ પરેશાન નહીં કરે. કંપનીની આ એડ્નો વ્યાપક વિરોધ થયો છે. એડવર્ટાઈઝીંગ સ્ટાન્ડર્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ASCI)એ લોકોના આક્રોશની નોંધ લઈને આ જાહેરખબરની તપાસ શરૂ કરી છે. સરકારના ઈશારે પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ( PGI ) લખનૌએ પ્રાચીના મફત ઈલાજની ઓફર કરી છે.
આ પણ વાંચોઃ મણિપુર હિંસા, સોમા લૈશરામ, અને ફૂટબોલ: આઓ લકીરેં મિટાયેં
આખરે આ સુંદરતા એટલે શું અને તેના માપદંડો ક્યા? સુંદરતાને પરિભાષિત કરવી કઠિન છે. બાહ્ય સુંદરતા કે શરીરની સુંદરતા પિતૃસત્તાત્મક વિચારની પેદાશ છે. જેણે મહિલાઓના માથે તે થોપી છે. લગભગ તમામ વયની મહિલાઓને સુંદરતા વળગાડી છે. પણ કિશોર અને યુવાન વયમાં તે વિશેષ છે. લગ્ન વિષયક જાહેરાતોમાં ગોરી, નમણી, નાજુક, સમપ્રમાણ કદ કાઠી, કાળા લાંબા ભરાવદાર અને સીધા વાળ, નાનું નાક અને મોટી પાણીદાર આંખો ધરાવતી મહિલાઓની માંગ સૌ કોઈ કરે છે. પુરુષોની સુંદરતાની સમજ જ નહીં સૌંદર્યના બજારની પણ આ માયાજાળ છે.
સૌંદર્યનું બજાર કદી મંદ પડતું નથી. સૌંદર્ય પ્રસાધનોની વિશ્વની ટોપ બ્રાન્ડ ભારતમાં પુષ્કળ કમાણી કરે છે. ભારતનો કોસ્મેટિક ઉદ્યોગ સૌથી વધુ કમાણી કરતો વિશ્વનો ચોથા નંબરનો ધંધો છે. શરીર સૌંદર્ય અને વ્યક્તિગત માવજતના સાધનોનું બજાર ૨૦૨૦માં એક લાખ કરોડ રૂપિયાનું હતું, જે આવતા વરસે બે લાખ કરોડનું થવાનું છે. સુંદરતાના બજાર અને સમાજે બનાવેલા વિચારજડ માપદંડોમાં મહિલાઓ જકડાયેલી છે. એટલે પોતાની નાની શી બદસૂરતી પણ તે બરદાસ્ત કરતી નથી અને પોતાના આવા શરીરને તે ખુદ જ સ્વીકારતી નથી. અભાવગ્રસ્ત જિંદગી અને તેની જદ્દોજહદ વચ્ચે શરીરની બહારની સુંદરતાની તેની સમજ બજાર પર આધારિત છે. સુંદરતાના બજારની સૌથી મોટી ગ્રાહક મહિલાઓ જ હોય છે. હવે તેમાં પુરુષો પણ ફસાયા છે. ગોરા થવાની મેન્સ ફેરનેસ ક્રીમ અને સાબુ પણ ધૂમ વેચાય છે. ભારતના કુલ સોંદર્ય બજારનો ચોથો ભાગ તો નાહવાના સાબુનો છે. ગોરી ચામડી માટેના પ્રસાધનો ૨૦ ટકા અને માથામાં નાંખવાના તેલનો હિસ્સો ૧૫ ટકા છે.
પ્રાચી નિગમના અપરલિપ્સ પરના વાળની મજાક કરતો સુંદરતાઘેલો સમાજ ખરેખર તો સુંદરતાના બજારથી ઘેરાયેલો છે. બોડી શેમિંગની નઠારી અસર બાળકોના મન પર પડે છે. તેઓ લઘુતાગ્રંથિ કે હીનભાવ અનુભવે છે. તેની અસર તેમના અત્મવિશ્વાસ અને અભ્યાસ પર પડે છે. ફિલ્મો, સૌંદર્ય પ્રસાધનના સાધનોની જાહેરાતો અને નટનટીના રૂપાળા દેખાવાના ખર્ચા અને નખરાંથી અછૂતા રહી શકતી પ્રાચી જેવી કોઈ વિરલ તેજસ્વી કન્યા પણ મજાક અને આલોચનાનો શિકાર બને છે. તો સામાન્ય દેખાવના લોકોનું તેની સામે ટકવાનું શું ગજું? સોશિયલ મીડિયા અને દેખાવડા લોકોને ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમ પર મળતી પ્રાથમિકતા પણ બળતામાં ઘી હોમે છે. દરમિયાન હાલમાં તો દસમી ટોપર પ્રાચીને અભિનંદન અને સૌંદર્યઘેલછાની દેશવ્યાપી ચર્ચા માટે આભાર.
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)
આગળ વાંચોઃ આદિવાસી અધિકારોનો સબળ અવાજ: જયપાલ સિંહ મુંડા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Shobha Malbariભારતીય જનમાનસ દંભી છે. સ્ત્રી સુંદર હોય તો તેનામાં બુધ્ધિ ઓછી છે કહી મજાકનો વિષય બનાવશે. બુધ્ધિશાળી હોય તો દેખાવમાં ખામી શોધશે. આ એવા લોકો હશે જેમનો બુદ્ધિનો આંક ચોક્કસ શૂન્ય હશે.