જન્મના પ્રમાણપત્રમાં સુધારા માટે હવે એફિડેવિટની જરૂર નહીં પડે

રાજ્યમાં સરકારી કચેરીઓમાં નાગરિકો સૌથી વધુ કોઈ બાબતે ધક્કા ખાતા હોય તો તે તેમના જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈએ છે. પણ હવે તેમાં નવા નિયમો આવ્યા છે.

જન્મના પ્રમાણપત્રમાં સુધારા માટે હવે એફિડેવિટની જરૂર નહીં પડે
image credit - Google images

ભારતમાં કોઈ સરકારી કામ કરાવવું લોઢાના ચણા ચાવવા જેટલું કઠિન ગણાય છે અને તેની પાછળ એક મોટું કારણ સરકારી તંત્રની જટિલ પ્રક્રિયા છે. દરેક બાબતમાં સરકારી બાબુઓ દ્વારા અરજદાર પાસે નાની અમથી કામગીરી માટે પણ અનેક પ્રકારના સર્ટિફિકેટની નકલ અને જાતભાતના કાગળિયા માંગવામાં આવે છે. જેના કારણે અરજદાર એટલો કંટાળી જાય છે કે તે પૈસા આપીને પણ આ કંટાળાજનક પ્રક્રિયામાંથી છૂટવા મથે છે. આવી જ એક કંટાળાજનક પ્રક્રિયા એટલે જન્મતારીખના પ્રમાણપત્રમાં સુધારો કરાવવો. સરકારમાં ખુરશી પર બેસી બેસીને જડ થઈ ગયા બાબુઓ બર્થ સર્ટિફિકેટમાં સામાન્ય સુધારો કરાવવા માટે પણ જે પ્રકારે સામાન્ય માણસને હેરાન કરે છે તેના સેંકડો દાખલાઓ મળી આવશે. કેટલાક બાબુઓ તો ઘરની ધોરાજી ચલાવતા હોય છે અને નિયમ ન હોવા છતાં મનફાવે તેવા ફરમાનો જાહેર કરીને અરજદારને હેરાન કરવામાં કોઈ કસર નથી છોડતા. એમાં પણ એફિડેવિટ કરાવવાની પ્રક્રિયાથી અરજદારને ભારે સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. પણ હવે લાગે છે મોડેમોડે પણ સરકારને આ મામલે અરજદારને પડતી સમસ્યાનો ખ્યાલ આવ્યો લાગે છે. એટલે જ હવે જન્મના પ્રમાણપત્રમાં એફિડેવિટની જરૂર નહીં પડે તેમ જાહેર કર્યું છે. રાજય સરકાર દ્વારા જન્મના પ્રમાણપત્રને લઇને ચાલતી અસસમંજસ બાબતે કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી છે. બાળકોના જન્મ પ્રમાણપત્ર વખતે તેનું નામ અલગ હોય અને આધારકાર્ડમાં નામ અલગ હોય તેવા સંજોગોમાં આધારકાર્ડ પ્રમાણેનું જન્મ પ્રમાણપત્ર આપવાનું થાય ત્યારે કોઈપણ પ્રકારનું સોંગદનામું કરાવવાની જરૂર નથી. આરોગ્ય કમિશનરે નવો પરિપત્ર કર્યો છે. જેમાં નકલ પણ ફ્રીમાં આપવાની રહેશે. આ કારણે ઘણા લોકોને રાહત જશે. લોકો બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે ધક્કા ખાતા હોય છે ત્યારે સરકારના નવા પરિપત્રથી તેમને ફાયદો થશે.

આધારકાર્ડ પ્રમાણે સુધારા જન્મ પ્રમાણપત્ર સિવાય કેટલાક કિસ્સામાં એવી પણ અરજીઓ આવે છે કે, મૂળ નામ અલગ હોય અને તેમણે જન્મ પ્રમાણપત્ર અલગ નવા નામથી લેવાની માગ કરી હોય. આવા કિસ્સામાં મૂળ નામ કરતા તદન અલગ નામ જેમ કે, ચંદુભાઈનું કરશનભાઈ કરી શકાય નહીં, પરંતુ ચંદુભાઈનું ચંદુલાલ કરી શકાય. મતલબ નામનો સંપૂર્ણ ભાવાર્થ બદલાતો હોય તેવું નવું નામ રજિસ્ટરમાં દાખલ કરી શકાય નહીં. સરકારે પરિપત્ર કરીને સ્પષ્ટતા કરીને સૂચના આપી છે કે, આધારકાર્ડ પ્રમાણે સુધારો કરેલું જન્મનું પ્રમાણપત્ર આપતી વખતે કોઈ ફી પણ વસૂવાની રહેશે નહીં એટલે કે નવું જન્મ પ્રમાણપત્ર મફત આપવાનું રહેશે. આરોગ્ય કમિશનરે રજિસ્ટ્રાર અને જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓને આ બાબતે તાકીદ કરી છે.

અત્યાર સુધી જન્મના દાખલામાં ચંદુને બદલે કરશન થઈ શકતું હતું. પણ હવેથી નિયમનો બદલાઈ ગયા છે. એટલે કે નામનો મૂળ ભાવાર્થ બદલી શકાશે નહીં. માત્ર મૂળ નામની પાછળ ભાઈને બદલે, લાલ, કુમાર જેવા ફેરફાર કરી શકાશે. સુધારો સૂચવતો આ પરિપત્ર વર્ષો પહેલાં કરી દેવાયો હતો. જન્મ-મરણ નોંધણી અધિનિયમ, ૧૯૬૯ મુજબ કોઈ પણ વ્યકિત પોતાનું નામ બદલી અને નવું નામ રજિસ્ટરમાં દાખલ કરવાની અરજી કરે તો તે સ્વીકારી શકાય નહીં. નામનો ભાવાર્થ બદલાતો ન હોય તો જ સુધારો થઈ શકે. આવો નિયમ હતો જ પણ વર્ષ ૨૦૦૯ના ઓગસ્ટ મહિનામાં રાજ્ય સરકારે તેમાં સુધારો કરતો પરિપત્ર કર્યો. 

‘પ્રવર્તમાન સામાજિક પરિસ્થિતિ અનુસાર જન્મ નોંધણી સમયે બાળકનું નામ જન્મ નોંધમાં હોય તેના બદલે શાળા પ્રવેશ વખતે જુદું હોય અને ત્યાર પછીના તમામ સરકારી અથવા અધિકૃત રેકોર્ડમાં બાળક કે વ્યકિતનું નામ તે જ દર્શાવેલું હોય તો તે સંજોગોમાં સોંગદનામું અને જે તે પુરાવા તપાસીને તેમાં સુધારો કરી દેવો.

આ પરિપત્ર બાદ અરજદારો દ્વારા નામ સુધારણા માટે જે તે રજિસ્ટ્રાર કચેરીએ જરૂરી પુરાવા સાથે પહોંચી જતા હતા પણ તેને લઈને અનેક વિવાદો થતા હતા. જન્મ વખતે બાળકનું નામ કંઈક અલગ રાખે અને પછી સ્કૂલમાં દાખલ કરે ત્યારે ઈચ્છા પ્રમાણે નામ બદલી નાખે. જ્યારે પાસપોર્ટ કઢાવવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે આ પ્રકારે સુધારા કરાતા હતા પણ ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે ફરી એક વખત કાયદામાં જરૂરી સુધારો સૂચવતો પરિપત્ર કર્યો અને મૂળ નામમાં સુધારો નહીં કરવા રાજ્યના તમામ જન્મ-મરણ નોંધણી રજિસ્ટ્રારને આદેશ આપ્યો હતો ત્યારથી આ નિયમ ચાલે છે.

આ પણ વાંચો: જાતિનું પ્રમાણપત્ર જમા કરાવવામાં પણ ભેદભાવઃ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 16 વર્ષ પછી 2 ઉમેદવારોની નિમણૂક કરવાનો આદેશ આપ્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.