ગૌમૂત્ર પીવડાવો પછી જ ગરબામાં એન્ટ્રી આપોઃ ઈન્દોર ભાજપ નેતા
નવરાત્રી આવતા જ હિંદુ-મુસ્લિમનો મુદ્દો ફરી માર્કેટમાં આવી ગયો છે. આ વખતે ઈન્દોર ભાજપના અધ્યક્ષે મોરચો સંભાળ્યો છે.
હિંદુઓને કાયમ ગાય, ગોબર અને ગૌમૂત્રમાં જ રાખવા માંગતા ભાજપના નેતાઓને આ ત્રણ મુદ્દે નિવેદન આપીને સતત મીડિયામાં ચમકતા રહેતા ફાવી ગયું છે. એટલે જ તેઓ છાશવારે આ પ્રકારના નિવેદનો ફટકારતા રહે છે. હમણાં તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુના વિવાદમાં શુદ્ધતાને લઈને વિવાદ થયો હતો અને છેલ્લે ગૌમૂત્ર છંટકાવીને પુરો થયો. આને શુદ્ધતા કહેવી કે ગંદકી તે ચર્ચાનો વિષય છે. એ પછી પણ આજે મહારાષ્ટ્રમાં ભાજપ, એકનાથ શિંદે અને અજીત પવાર જૂથની સરકાર પાસે ચૂંટણીમાં મૂકી શકાય તેવો એકેય મુદ્દો ન હોવાથી ગાયના રાજ્યમાતા જાહેર કરીને ઠાલું ગૌરવ લેવાનું જાહેર કરાયું છે. હવે મધ્યપ્રદેશના એક નેતાએ નવરાત્રીને લઈને વિચિત્ર નિવેદન આપ્યું છે.
એક સમય હતો જ્યારે ગરબામાં પાસના આધારે પ્રવેશ અપાતો હતો. એ પછી ભાજપનું શાસન આવ્યું અને હિંદુ-મુસ્લિમ રાજકારણ શરૂ થયું અને ગરબામાં આધારકાર્ડ બતાવો પછી જ એન્ટ્રી મળશે તેવી પરંપરા શરૂ થઈ. હવે મધ્યપ્રદેશના ભાજપના એક નેતાએ એક નવા અને વિચિત્ર પ્રયોગની વાત કરી છે.
મામલો દેશના સૌથી સ્વચ્છ શહેર ગણાતા ઈન્દોરની છે. અહીં નવરાત્રિ દરમિયાન ગરબામાં બિન-હિંદુઓને પ્રવેશતા રોકવા માટે ઈન્દોર ભાજપના જિલ્લા અધ્યક્ષે એક અનોખો પ્રયોગ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે ગરબા પંડાલમાં આવતા લોકોને ગૌમૂત્ર પીવડાવવામાં આવે જેથી કરીને એ વાતની પુષ્ટિ થાય કે તેઓ બિન-હિંદુ નથી.
શ્રાદ્ધપક્ષ બાદ હવે નવરાત્રિ પર્વમાં માતાની આરાધના શરૂ થઈ રહી છે. નવરાત્રી દરમિયાન ગરબાની પણ પ્રાચીન પરંપરા છે. દર વર્ષે હિંદુ સંગઠનો દ્વારા ગરબા પંડાલમાં બિનહિન્દુઓને ભાગ લેતા રોકવા માટે અનેક નવા પ્રયોગો કરવામાં આવે છે.
ગૌમૂત્ર પીવડાવો પછી જ પ્રવેશ આપો
એક સમયે ઈન્દોરમાં ગરબા પંડાલમાં આધાર કાર્ડ જોઈને એન્ટ્રી આપવામાં આવતી હતી. હવે ઈન્દોર ભાજપના જિલ્લા અધ્યક્ષ ચિન્ટુ વર્માએ વધુ એક નવો અનોખો પ્રયોગ કરવાની વાત કરી છે. ચિંટુજીનું કહેવું છે કે બિન-હિન્દુઓ ગરબા પંડાલમાં પ્રવેશ માટે તેમના આધાર કાર્ડમાં ફેરફાર કરી શકે છે. એટલું જ નહીં, તેઓ તિલક લગાવીને પણ આવે છે. આવી સ્થિતિમાં, તમારે ગૌમૂત્ર પીવડાવીને ગરબા પંડાલમાં પ્રવેશવાનો નિયમ લાગુ કરવો જોઈએ. હિન્દુઓને આની સામે કોઈ વાંધો નહીં હોય. ગરબાનું આયોજન કરતી વખતે આ નિયમનું પાલન કરવું જોઈએ.
મધ્યપ્રદેશમાં ઈન્દોરના ગરબા ફેમસ છે
નવરાત્રીના તહેવાર દરમિયાન સમગ્ર મધ્યપ્રદેશમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ ઈન્દોરના ગરબાની એક અલગ જ ઓળખ છે. અહીં ગરબા માટે પંડાલ બનાવવાની શરૂઆત અત્યારથી થઈ ગઈ છે. એટલું જ નહીં, વરસાદથી બચવા માટે વોટરપ્રૂફ પંડાલ પણ બનાવવામાં આવી રહ્યા છે.
પોલીસ સતર્ક થઈ ગઈ
ઇન્દોર પોલીસે નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈ ગડબડ કે છેડતી ન થાય તે માટે મોરચો સંભાળી લીધો છે. ઈન્દોરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વિનોદ કુમાર મીનાએ જણાવ્યું હતું કે ગરબા પંડાલની આસપાસ અને સમગ્ર શહેરમાં પેટ્રોલિંગ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે દેશી ગાયને ગાયમાતા-રાજ્યમાતાનો દરજ્જો આપ્યો